ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક આર.એમ.પંડ્યા જૂનાગઢની મુલાકાતે હતા જ્યાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે પોતાના સંશોધન વિશે તેમણે ચર્ચા કરી હતી, સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઈસરોના વૈજ્ઞાનિકનું માર્ગદર્શન મળી રહે તો તેમના અભ્યાસમાં અને કારકિર્દીમાં ઉપયોગી થાય તે હેતુથી બહાઉદ્દીન સાયન્સ કોલેજ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારનું આયોજન
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ 122 વર્ષ જૂની છે અને અનેક મહાન હસ્તીઓ આ કોલેજના વિદ્યાર્થી રહી ચુક્યા છે, વિદ્યાર્થીકાળ દરમિયાન પોતાના અભ્યાસ અને ભવિષ્યની કારકીર્દી હેતુ વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન મળી રહે તે હેતુ બહાઉદ્દીન સાયન્સ કોલેજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અને સેમિનાર યોજાતા રહે છે તે અંતર્ગત ઈસરોના નિવૃત વૈજ્ઞાનિક આર.એમ. પંડ્યાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન અંગેની માહિતી આપી
સાયન્સના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ભૌતિક વિજ્ઞાન કે વિજ્ઞાનના અન્ય વિષયો પર અભ્યાસ કરતાં હોય છે અને આ અભ્યાસ દરમિયાન વિજ્ઞાનના જે સિધ્ધાંતો, નિયમો કે સાધનોનો અવકાશ વિજ્ઞાનમાં કઈ રીતે ઉપયોગ થાય છે તે વિષય પર આર.એમ.પંડ્યાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, સાથોસાથ ચંદ્રયાન અંગેની માહિતી પણ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી, વિદ્યાર્થીઓ જે પોતે વિજ્ઞાન ભણે છે તે વિજ્ઞાનનો ક્યાં અને કઈ રીતે અવકાશમાં ઉપયોગ થાય છે ભૌતિક વિજ્ઞાનના ક્યાં નિયમો અવકાશમાં કઈ જગ્યાએ લાગુ પડે છે અને સંશોધનો તથા તકનીકી માટે શું શું જરૂરી છે તે તમામ બાબતોને આવરી લઈને તેમણે પોતાના ઈસરોના અનુભવોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી અને આ તમામ માહિતી ન માત્ર અભ્યાસ પરંતુ કારકીર્દીમાં પણ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ચંદ્રયાન-3 વિશે શું કહ્યું?
ડો. આર.એમ. પંડ્યાએ ચંદ્રયાન 3 અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે ચંદ્રયાન 2 માં જે ક્ષતિઓ રહી ગઈ હતી તે આ વખતે દૂર કરવામાં આવી છે, ચંદ્રયાન 2 માં ઓર્બિટર હતું તે ઓર્બિટર આ વખતે કામ લાગશે, રોવર જે માહિતી એકત્રિત કરશે તે ચંદ્રયાન 2 ના ઓર્બિટરને મોકલશે અને તે માહિતી બેલાલુ ખાતેના ડીપ સ્પેસ નેટવર્કમાં આવશે, આપણું ચંદ્રયાન આપણે ચંદ્રના ગુરૂત્વાકર્ષણને સુપ્રત કર્યું છે જે સૌથી મોટી સિધ્ધી છે, ઉપલબ્ધી છે, આ વખતે કોઈપણ અકસ્માત થાય નહીં તેની પુરેપુરી તકેદારી લેવામાં આવી છે જે અગાઉના અનુભવ કામ લાગ્યા છે, અને આ વખતે સો ટકા આપણે સફળ થઈશું જે આપણાં દેશ માટે ગૌરવની વાત છે.
ચંદ્રયાન 3 માટે ઈસરોના ચેરમેન થી લઈને તમામ વૈજ્ઞાનિકોને ખુબ જ લાગણી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યાં હોય ત્યાંથી તે સતત સંપર્કમાં રહે છે, ચંદ્રયાનનું પ્રક્ષેપણ નિહાળવું એ પણ એક રોમાંચ છે, લોન્ચ વ્હીકલ જ્યારે ઉપડે છે ત્યારે ખુબ મોટો અવાજ થાય છે સાત કીમીની રેન્જમાં જો કોઈ માણસ હોય તો તેના અવાજ થી તેનું મૃત્યું થઈ શકે છે એટલો અવાજ હોય છે એટલે વૈજ્ઞાનિકો પણ સાત કીમી દૂર હોય છે અને જાહેર જનતા આ નજારો 20 કીમી દૂરથી નિહાળી શકે છે, વૈજ્ઞાનિકોમાં ખુબ આનંદ છે કે આપણો તિરંગો ચંદ્ર પર લહેરાશે, ચંદ્રયાનનું લોન્ચીંગ નિહાળવાથી જીવન ધન્ય થઈ જાય છે.
અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ
આ પણ વાંચો : ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા તિરુપતિ વેંકટચલપતિ પહોંચ્યા વૈજ્ઞાનિક, મિશનની સફળતા માટે કરી પૂજા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.