Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ, જૂનાગઢ પોલીસે 30 આરોપી પાસેથી 2 કરોડનું ડ્રગ્સ પકડ્યું

08:46 PM Jun 26, 2023 | Hiren Dave

અહેવાલ- સાગર ઠાકર,જુનાગઢ

 

26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે જૂનાગઢ પોલીસ પણ ડ્રગ્સના દુષણને ડામવા તત્પર બની છે અને જૂનાગઢ પોલીસે છેલ્લા એક વર્ષમાં 30 આરોપી પાસેથી 2 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, ડ્રગ્સ વિરોધી દિવસ નીમીત્તે જૂનાગઢ પોલીસે ખાસ કરીને યુવાનોને ડ્રગ્સના દુષણ થી દુર રહેવા અપીલ કરી છે અને ડ્રગ્સની હેરાફેરી કે ડ્રગ્સ સંબંધિત કોઈપણ બાબત માટે જૂનાગઢ પોલીસ હંમેશા લોકોની મદદ માટે તૈયાર હોવાનું આશ્વાસન આપ્યું હતું.

જૂનાગઢ પોલીસ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત છેલ્લા એક વર્ષમાં જુદા જુદા વિસ્તારમાંથી 30 આરોપીને 2.15 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. જૂનાગઢ જીલ્લાને નશામુક્ત બનાવવા તથા યુવા પેઢીને નશાની બદીથી દૂર કરવા ડ્રગ્સના કાળા કારોબાર અને ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરીને ડ્રગ્સના દુષણને ડામી દેવા જૂનાગઢ પોલીસ, જૂનાગઢ એસ.ઓ.જી એ પ્રતિબધ્ધતા દાખવી અને પરિણામે છેલ્લા એક વર્ષની જૂનાગઢની પોલીસની ડ્રગ્સ સંબંધિત ઉત્કૃષ્ઠ કામગીરી રહી છે. જૂનાગઢ એસ.ઓ.જી. તથા અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા એક વર્ષમાં ગાંજો, ચરસ, મેફેડ્રોન ડ્રગ્સ સહીતનો નશાકારક દ્રવ્યોનો જથ્થો બરામદ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીઓ વિરૂધ્ધ ડ્રગ્સ અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હા દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલ મુદ્દામાલની વિગત

  • ગાંજો – 8.369.25 કિ.ગ્રામ જેની કિંમત 83,692.5
  • ચરસ – 119.84681 કિ.ગ્રામ જેની કિંમત 1,79,77,021.5
  • મેફેડ્રોન ડ્રગ્સ – 347.13 ગ્રામ જેની કિંમત 34,71,300
  • ઓપીએટ – 3.020 ગ્રામ જેની કિંમત 15,100
  • ગાંજાના છોડ – 3.344 કિ.ગ્રામ જેની કિંમત 33,440

ત્યારે આમ કુલ 2,15,80,554 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કુલ 30 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે.

આ આંકડાથી ફલિત થાય છે કે જૂનાગઢ જીલ્લામાં સૌથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો જ્યારે બીજા નંબરે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, આજે ખાસ કરીને યુવાનો નશા તરફ ધકેલાઈ રહ્યા છે, ક્યાંક ભાગદોડની જીંદગીમાં તણાવ દૂર કરવા માટે તો ક્યાંક મોજમાં રહેવા માટે નશો કરવામાં આવતો હોય છે, જે નશાકારક દ્રવ્યો છે તે અતિ જોખમી છે કારણ કે મેફેડ્રોન ડ્રગ્સ કેમીકલયુક્ત હોય છે જે માનવ શરીર માટે જોખમી છે, યુવાનો નશાની ધુનમાં પોતાના જીવનું જોખમ ખેડી રહ્યા છે

જૂનાગઢ પોલીસ દ્વારા ડ્રગ્સના દુષણને ડામવા માટે આ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી તો કરી રહી છે સાથોસાથ યુવાનોને જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તે નશાથી દુર રહે, જૂનાગઢ પોલીસ નશાના કારોબારને ડામવા તત્પર છે ત્યારે લોકોને પણ પોલીસે અપીલ કરી છે કે જનતાને જો ડ્રગ્સ સંબંધિત કોઈ હરકત ધ્યાનમાં આવે તો તે પોલીસને જાણ કરે અને પોલીસની મદદ કરે જેથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય.

આપણ  વાંચો –સુરતમાં વિદ્યાર્થીનીને આત્મહત્યા માટે મજબૂર કરનાર શિક્ષીકા અને આચાર્યની ધરપકડ