+

સુરતમાં નશો કરેલા ડ્રાઇવરે સીટી બસને પલટી ખવડાવી, લોકોએ ડ્રાઇવર-કંડકટરની ધોલાઈ કરી

સુરતમાં મનપા સંચાલિત સીટી બસનો ચાલક ચિક્કારદારૂ પીધેલી હાલતમાં બસ ચલાવી રહ્યો હતો અને ચાલકે જોથાણ ગામની સીમ પાસે બસ પલટી મરાવી દીધી હતી. જો કે સદનસીબે બસમાં કોઈ મુસાફરો…

સુરતમાં મનપા સંચાલિત સીટી બસનો ચાલક ચિક્કારદારૂ પીધેલી હાલતમાં બસ ચલાવી રહ્યો હતો અને ચાલકે જોથાણ ગામની સીમ પાસે બસ પલટી મરાવી દીધી હતી. જો કે સદનસીબે બસમાં કોઈ મુસાફરો સવાર ન હોવાથી જાનહાની ટળી હતી બીજી તરફ આ ઘટનાને લઈને લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું અને રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવર અને કંડકટરને મેથીપાક આપીને પોલીસના હવાલે કરી દીધા હતા. આ મામલે ઓલપાડ પોલીસે બસ ચાલક અને કંકડટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત શહેરમાં સીટી બસ ચાલકો બેફામ બસ હંકારતા હોવાની ફરિયાદો ઉઠી છે. અગાઉ સુરતના મેયર હેમાલીબેને પણ એક બસ ચાલકે બેફામ બસ હંકારવા બાબતે ઉધડો લઇ લીધો હતો. આ ઉપરાંત સીટી બસની અડફેટે અકસ્માતના બનાવો પણ સામે આવી ચુક્યા છે ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. ઓલપાડથી સુરત પરત ડેપોમાં સીટી બસ જઈ રહી હતી તે દરમ્યાન મનપા સંચાલિત સીટી બસનો ડ્રાઈવરે બસને બેફામ હંકારીને એક કારને ટક્કર માર્યા બાદ સુરતથી ઓલપાડ જતા રોડ પર સાઈટમાં બસ પલટી મરાવી દીધી હતી. બસ રોડની સાઈડમાં પલટી મારી જતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

લોકોએ તપાસ કરતા ડ્રાઈવર ચિક્કાર દારુ પીધેલી હાલતમાં હતો અને તેને ઉભા રહેવાનું પણ ભાન નહી હતું. બસને પલટી માર્યા બાદ ડ્રાઈવર ખેતરાડી વિસ્તારમાં સંતાઈ ગયો હતો. જો કે ત્યાં હાજર લોકોએ બસ ડ્રાઈવર અને કંડકટરને પકડીને મેથીપાક આપ્યો હતો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો

આ મામલે ઓલપાડ પોલીસે બસ ચાલક રમેશભાઈ કોયાભાઈ બામણીયા અને કંડકટર દીપાભાઈ સુરતાનભાઈ પલાસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે મહત્વનું છે કે બસમાં કોઈ મુસાફરો સવાર ન હતા જેથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ બસ પલટી મારી જતા બસમાં પણ ભારે નુકશાન થયું હતું. આ મામલે હાલ ઓલપાડ પોલીસે બસના ડ્રાઈવર અને કંડકટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે ઘર્ષણમાં એકનું મોત, પોલીસે 174 લોકોની કરી અટકાયત

Whatsapp share
facebook twitter