ઇનપુટ—અલ્પેશ સુથાર, વડોદરા
ક્યાં સુધી પાલિકાના પાપે વેડફાશે નાણાં?
વડોદરા મનપાના વહીવટનો અણઘડ નમૂનો
આવાસ-દુકાનો બનાવ્યા પણ ખરીદનાર નથી
કરોડોના ખર્ચે કરેલું બાંધકામ બિસ્માર થયું
3000 મકાન ફાળવણી વગર જ બિસ્માર
એક તરફ ગરીબો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર
બીજી તરફ આવાસ ફાળવણી વગર બિસ્માર
જનતાના ટેક્સના 300 કરોડ સાવ વેડફાયા
7 વર્ષ અગાઉ પાલિકાએ બનાવ્યા હતા આવાસ
બિસ્માર દુકાન ખરીદવા નથી કોઈ તૈયાર
599 કરોડના ખર્ચે 6649 આવાસ બનાવ્યા હતા
6649 પૈકી 3000 આવાસ ફાળવણી વગરના
402 પૈકીની 200 દુકાનો હજુ સુધી નથી વેચાઈ
રહી રહીને હવે પાલિકા બનાવશે પોલિસી
તો 7 વર્ષ સુધી મનપાના સત્તાધીશો શું કરતા હતા?
હવે પોલિસી બનાવીને શું ઉકાળશે મનપા?
300 કરોડનું 7 વર્ષ સુધી શું વળતર મળ્યું?
વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં બનાવાયેલા 3 હજાર મકાવો અને 200 દુકાનો ધુળ ખાઇ રહ્યા છે. કોર્પોરેશને 7 વર્ષ પહેલા 599 કરોડના ખર્ચે 6649 આવાસ અને 402 દુકાનો બનાવ્યા હતા પણ તેમાંથી હજી સુધી 3000 મકાનો અને 200 દુકાનો વેચાઈ જ નથી. હાલ આ દુકાનો અને આવાસો બિસ્માર થઇ ગયા છે અને ઝાડ ઉગી નિકળ્યા છે. અણઘડ આયોજનના કારણે બનાવી દેવાયેલા આ આવાસ અને દુકાનો ખરીદવા કોઇ રસ દાખવતું નથી.
3000 મકાનો અને 200 દુકાનો ધૂળ ખાઈ રહ્યા છે
વડોદરામાં કોર્પોરેશને સયાજીપુરા, કમલાનગર, અટલાદરા, હરણી મોટાનાથ વિસ્તાર તથા છાણી સહિતના વિસ્તારમાં આવાસો અને દુકાનો તૈયાર કરેલા છે. કોર્પોરેશને 7 વર્ષ પહેલાં 599 કરોડના ખર્ચે 6649 આવાસના ઘરો અને 402 દુકાનો બનાવ્યા હતા અને તેમાંથી 3000 મકાનો અને 200 દુકાનો ધૂળ ખાઈ રહ્યા છે. વેચાણ કર્યા વગરના મકાનો અને દુકાનો બિસ્માર થઈ રહી છે અને કોર્પોરેશનની દુકાન ખરીદવા માટે કોઈ રસ દાખવતું નથી.
300 કરોડ રૂપિયા ફસાયા
આ અણઘડ આયોજનના કારણે કોર્પોરેશનના 300 કરોડ રૂપિયા આવાસના મકાનો અને દુકાનોમાં ફસાયા છે. ફાળવણી જ ના કરાતા 3 હજાર મકાનો બિસ્માર થઇ રહ્યા છે. એક તરફ ગરીબો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર છે ત્યારે બીજી તરફ આ મકાનો ફાળવણી વગર જ બિસ્માર પડી રહ્યા છે. કોઇ જ આયોજન ના હોવાના કારણે કરોડોના આવાસ બિસ્માર થઇ રહ્યા છે.
સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીનો લૂલો બચાવ
આ મામલે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ લૂલો બચાવ કરતાં કહ્યું કે હવે ઝૂંપડા તોડીને આવાસ આપવા આવશે અને
દુકાનો માટે નવી પોલિસી બનાવાશે. હોદ્દેદારો દુકાન કેમ વેચવી તેનો પ્લાન બનાવશે.
હવે પોલિસી બનાવીને શું ઉકાળશે
ત્યારે સવાલ એ થાય છે તે છેલ્લા 7 વર્ષથી આ આવાસ અને દુકાનો બિસ્માર થઇ રહ્યા હતા તો અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો શું કરતા હતા. કોઇ અધિકારી કે સતા પક્ષના હોદ્દેદાર અને કોર્પોરેટરો પણ કેમ કંઇ કરતા ન હતા. હવે છેક 7 વર્ષે પોલીસી બનાવાની વાતો સત્તાધીશો કરે છે ત્યારે હવે પોલિસી બનાવીને તે શું ઉકાળશે તે સવાલ છે. સાત સાત વર્ષથી બિસ્માર થયેલા આવાસો અને દુકાનોને જોઇને પ્રજામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના 300 કરોડ રુપિયા આ આવાસોમાં ફસાયેલા છે ત્યારે કોર્પોરેશન હવે તેનું વળતર પણ આપશે કે કેમ તે સવાલ છે.
આ પણ વાંચો–-MORBI : યુવક પર અત્યાચારના કેસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાનું સરેન્ડર