Gujarat -વર્ષ ૨૦૧૦માં ૧૬ રમતોથી શરુ થયેલો ખેલ મહાકુંભ વર્ષ -૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.૦માં ૩૯ વિવિધ રમતોનું આયોજન
*
વર્ષ ૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
*
ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ૧૬ ખેલાડીઓએ રાજ્યનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કર્યું
**
Gujarat રાજ્યના ખેલાડીઓએ આજે રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકેની હતી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્થંભ
Gujarat માં ખેલમહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્થંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ -૨૦૧૦માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ૧૬.૫૦ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે ગત વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ પહોચ્યું છે.
ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે.
ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ ૧૪૧ ગણું વધીને રૂ. ૩૫૨ કરોડથી વધુ
Gujarat રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ – ૨૦૦૨ પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂ.૨.૫ કરોડ હતું, જે આજે ૧૪૧ ગણું વધીને રૂ. ૩૫૨ કરોડથી વધુનું થયું છે.
ખેલમહાકુંભનો ઉદ્દેશ
ખેલમહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની બાળકોમાં વધુ જાગૃતિ આવે તે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીના રમત ગમત અંગે ખેલ મહાકુંભના મુખ્ય ઉદ્દેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતના ખૂણે ખૂણે અંતરિયાળ વિસ્તાર સુધી પહોચાડી છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
વર્ષ – ૨૦૧૦માં ખેલ મહાકુંભમાં ૧૬ રમતો હતી જ્યારે ખેલ મહાકુંભ ૨.૦માં ૩૯ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ ૨.૦માં ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી દરેક વયજૂથમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ-પુરસ્કારની રકમ સમાન રાખવામાં આવી. ખેલ મહાકુંભ ૨.૦માં ચાર નવી રમતો સેપક ટકરાવ, વુડબોલ, બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલમહાકુંભ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧માંથી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કરી હાલ સુધીમાં ૪,૬૫૫ ભાઇઓ અને ૪,૫૩૫ બહેનો એમ મળીને કુલ ૯,૧૯૦ પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારી ખર્ચે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ (DLSS) આપવામાં આવ્યો.
સમર કોચીંગ કેમ્પનું રાજ્ય સરકાર દ્વારા આયોજન
ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય -તાલુકા- જિલ્લા- મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કોચીંગ કેમ્પનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે રમતને લગતુ પ્રશિક્ષણ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવે છે.
ગુજરાત તથા દેશનું નામ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન
ખેલ મહાકુંભનાં માધ્યમથી ગુજરાતી રમતવીરો શ્રી ઈલાવેનીલ વાલરીવનએ શુટિંગ, શ્રી તસ્મિન મીરએ બેડમિન્ટન, શ્રી સરિતા ગાયકવાડએ એથલેટીક્સ, કુ. માના પટેલએ સ્વીમીંગ, શ્રી મુરલી ગાવિતએ એથલેટીક્સ, શ્રી અજીત કુમારે એથલેટીક્સ, કુ. ઝીલ દેસાઈએ ટેનીસ, શ્રી મોક્ષ દોશીએ ચેસ, શ્રી અનિકેત પટેલ સોફ્ટ ટેનીસ, શ્રી દ્વીપ શાહ સ્કેટિંગ, શ્રી કલ્યાણી સક્સેના સ્વીમીંગ, શ્રી વિશ્વા વાસણવાલા ચેસ, કુ. સનોફર પઠાણ કુસ્તી, કુ. વૈદેહી ચૌધરી ટેનીસ તેમજ શ્રી માધવીન કામથ ટેનીસ રમતમાં મેડલો મેળવી ગુજરાત તથા દેશનું નામ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
આ પણ વાંચો-T20 World Cup: મેદાનમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પાકિસ્તાનની કેપ્ટન,જુઓ Video