+

સરકાર ઈલેકશન કમિશનનો ખભો વાપરશે, 3 અધિકારીને જગ્યા નથી છોડવી

IPS અધિકારીઓની ઢગલાબંધ બદલી-બઢતીઓ આવશે તેવી વાતનો હવે છેદ ઉડી ગયો છે. બદલી-બઢતીની હવા દરમિયાન કેટલાંક IPS અધિકારીઓએ ચોક્કસ સ્થાન માટે ગુજરાત સરકાર (Government of Gujarat) અને નેતાઓ પર રિતસરનું…

IPS અધિકારીઓની ઢગલાબંધ બદલી-બઢતીઓ આવશે તેવી વાતનો હવે છેદ ઉડી ગયો છે. બદલી-બઢતીની હવા દરમિયાન કેટલાંક IPS અધિકારીઓએ ચોક્કસ સ્થાન માટે ગુજરાત સરકાર (Government of Gujarat) અને નેતાઓ પર રિતસરનું દબાણ કર્યું હતું. એક જગ્યા માટે પાંચ-પાંચ અધિકારીઓની દાવેદારીથી સરકાર ત્રસ્ત થઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓના દબાણથી બચવા સરકારે ચાલાકી વાપરી અને આખો મામલો ઈલેકશન કમિશન (Election Commission) ના ખભે નાંખી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે, સરકારે અગાઉ નક્કી કર્યું હતું તે અધિકારીઓના જે-તે સ્થાન માટે હુકમ થશે.

સુરતના બે અધિકારીઓને સ્થાન નથી છોડવું

ઈલેકશન કમિશનના મૌખિક આદેશ બાદ અમદાવાદ રેન્જ, બોર્ડર રેન્જ અને અમદાવાદ શહેર (Ahmedabad City) ના 5 IPS અધિકારીઓએ પોતાનું સ્થાન છોડી દીધું છે. તત્કાળ ચાર્જ છોડી દેનારા અધિકારીઓમાં બોર્ડર રેન્જ (Border Range) આઈજીપી જે. આર. મોથલિયા (J R Mothalia IPS) અમદાવાદ રેન્જ (Ahmedabad Range) આઈજીપી પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS) અમદાવાદ શહેરના Sector 1 અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા (Chirag Koradia IPS) અમદાવાદ DCB ડીસીપી ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS) અને Zone 1 ડીસીપી ડૉ. લવિના સિંહા (Dr. Lavina Sinha IPS) નો સમાવેશ થાય છે. સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) ના અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ (Sharad Singhal IPS)  ડીસીપી રૂપલ સોલંકી (DCP Rupal Solanki) અને અમદાવાદ EOW ડીસીપી ભારતી પંડ્યા (DCP Bharti Pandya) ને તેમના સ્થાને યથાવત રહેવું છે. સિંઘલ, રૂપલ સોલંકી અને ભારતી પંડ્યાએ બદલી નહીં કરવા માટે અગાઉથી છૂટછાટ માગી છે.

કેમ ચાર્જ છોડવા કરાયો આદેશ ?

કોઈ એક જ સ્થાન કે શહેરમાં 5 વર્ષના ગાળામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક્ઝીક્યુટીવ પોસ્ટ પર કોઈ અધિકારી ફરજ બજાવતા હોય તેમને સ્થાન છોડવું પડે છે. આ ઉપરાંત કોઈ અધિકારી પોતાના હોમ ડીસ્ટ્રીક્ટમાં ફરજ બજાવતા હોય તો તેમને પણ સ્થાન છોડવું પડે છે.

સરકારે નિમણૂંકો ચૂંટણી પંચ પર છોડી

લોકસભા ચૂંટણી પહેલાં અનેક IPS અધિકારીઓ બઢતીના હક્કદાર બની ગયા હતા. ચૂંટણી પૂર્વે આવનારી પોલીસ અધિકારીઓની બદલીની યાદીમાં બઢતીવાળાઓનો પણ સમાવેશ થઈ જશે તેવી સરકારે કેટલાંક અધિકારીઓને બાંહેધરી આપી હતી. જો કે, સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) અને સુરત રેન્જ (Surat Range) ના ખાલી પડેલા સ્થાન માટે અધિકારીઓમાં પડાપડી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) આણંદ (Anand) અને મહેસાણા (Mahesana) જિલ્લા પોલીસ વડાના સ્થાન ખાલી છે. મનપસંદ અને રોકડીવાળા સ્થાન મેળવવા કેટલાંક સિનિયર IPS અધિકારીઓએ સરકાર પર ભારે દબાણ કર્યું હતું. સરકાર નામોશી લેવા માગતી નહીં હોવાથી છેલ્લી ઘડી સુધી બઢતી-બદલી મામલે IPS અધિકારીઓને અંધારામાં રાખ્યા. ચૂંટણી જાહેર થઈ જતાં સમગ્ર મામલો હવે ઈલેકશન કમિશન હસ્તક પહોંચી જતા ગુજરાત સરકારે રાહત અનુભવી છે.

આ પણ વાંચો – DySP Transfer : ગૃહ વિભાગે મોટો લોચો માર્યો, રજૂઆત-ફરિયાદો બાદ ભૂલ સુધારી

આ પણ વાંચો – Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?

Whatsapp share
facebook twitter