+

Ahmedabad : યુવતીએ Video બનાવી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ, હવે પોલીસે પણ કરી સ્પષ્ટતા

અમદાવાદનાં (Ahmedabad) એસજી હાઇવે પર થયેલ અકસ્માતને લઈ એક યુવતીએ ગઈકાલે વીડિયો બનાવી પોતાની આપવીતી વર્ણવી હતી. વીડિયોમાં યુવતીએ પોલીસ દ્વારા તેણી સાથે પક્ષપાત કર્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો…

અમદાવાદનાં (Ahmedabad) એસજી હાઇવે પર થયેલ અકસ્માતને લઈ એક યુવતીએ ગઈકાલે વીડિયો બનાવી પોતાની આપવીતી વર્ણવી હતી. વીડિયોમાં યુવતીએ પોલીસ દ્વારા તેણી સાથે પક્ષપાત કર્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને સાથે જ આ કેસમાં નિષ્પક્ષ તપાસ થયા તેવી માગ પોલીસ કમિશનરને કરી હતી. જો કે, બીજી તરફ આ કેસમાં પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હોવાનું અને યુવતીના આરોપો પાયાવિહોણા હોવાનું અમદાવાદ પોલીસે જણાવ્યું છે. પોલીસે કહ્યું કે, બંને પક્ષની પોલીસે ફરિયાદ લઈ કમિશનર (Commissioner of Police) દ્વારા ક્રાઇમ બ્રાન્ચના મહિલા ACP ને યોગ્ય ન્યાયિક તપાસ કરવા સૂચના અપાઈ છે.

આયેશા ગલેરિયાએ વીડિયો બનાવી વર્ણવી આપવીતી

જણાવી દઈએ કે, ગઈકાલે સોશિયલ મીડિયા થકી આયેશા ગલેરિયા (Ayesha Galleria Case) નામની યુવતીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણીએ આરોપ લગાવતા જણાવ્યું કે, 14 જુલાઈના રોજ એસજી હાઇવે પર અન્ય એક કાર દ્વારા તેની કારને ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત સર્જી અન્ય કારમાંથી સિધ્ધરાજસિંહ મકવાણા નામનો એક શખ્સ આયેશા પાસે આવ્યો હતો અને અપશબ્દો બોલી ગેરવર્તણૂંક કર્યું હતું. દરમિયાન, આયેશાએ તેના ભાઈ ફૈઝલ અને સ્થાનિક પોલીસેને ફોન કરી જાણ કરી હતી. આયેશાએ વીડિયોમાં (Viral Video) આરોપ લગાવ્યો કે, પોલીસે ઘટનાસ્થળે આવી તેની કોઇ વાત ધ્યાને લીધી ન હતી અને ફરિયાદ પણ નોંધી નહોતી. સમગ્ર ઘટના બાદ આયેશા સરખેજ પોલીસ મથકે (Sarkhej Police Station) ગઇ હતી. પરંતુ, ત્યાં પણ ફરિયાદ લેવાના સ્થાને આયેશાને 4 કલાક સુધી બહાર બેસાડી રાખવામાં આવી હતી.

યુવતીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

આયેશાએ આરોપ લગાવ્યો કે, ગેરવર્તણૂંક કરનારા શખ્સને પોલીસે ચા, નાસ્તા અને AC રૂમમાં બેસાડવા સહિતની તમામ સગવડ આપી હતી. સાથે જ આયેશાના સ્થાને ગેરવર્તણૂંક કરનારા શખ્સ સિધ્ધરાજસિંહની (Siddharaj Singh Makwana) ફરિયાદ લેવામાં આવી હતી અને આયેશાને પોલીસે અડધી રાત્રે બહાર ન નીકળવા સલાહ પણ આપી હતી. આયેશાએ વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, સૌથી સુરક્ષિત ગણાતા અમદાવાદમાં (Ahmedabad) તેણી સાથે પોલીસે ગેરવર્તન કર્યું, જેથી તેણીને શહેર પોલીસનો કડવો અનુભવ થયો છે. વીડિયોમાં આયેશાએ પોલીસ કમિશનરને આ કેસમાં યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા માગ કરી હતી.

આયેશાના આરોપોને પોલીસે પાયાવિહોણાં ગણાવ્યા

બીજી તરફ આયેશાનો વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા એક પ્રેસનોટ બહાર પાડી વિગત આપવામાં આવી છે. જે મુજબ, આયેશાએ પોલીસ વિરુદ્ધ કરેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું અને પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લઈ યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં સિધ્ધરાજસિંહ મકવાણાએ પણ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે જે મુજબ, એસજી હાઈવે પર આયેશા ગલેરિયા એ પોતાની કારથી સિધ્ધરાજસિંહની કારને ટક્કર મારી હતી, જેમાં તેમના પત્ની અને દીકરી બેઠાં હતા. અકસ્માત સર્જી આયેશાએ સિધ્ધરાજસિંહ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા અને થપ્પડ પણ મારી હતી.

ક્રાઇમ બ્રાન્ચના મહિલા ACP ને તપાસ કરવા સૂચના

સ્થાનિક પોલીસ બંને પક્ષોને સરખેજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને બંને પક્ષોની ક્રોસ ફરિયાદ લેવા કાર્યવાહી કરી હતી. પરંતુ, સિધ્ધરાજસિંહ વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદને વાંચી સહી કરવાનું કહેતા આયેશાએ સહી કરી ન હતી અને નારાજ થઈ ત્યાંથી જતી રહી હતી. ત્યાર બાદ પોલીસે આયેશાનો સંપર્ક કરતા તેણીએ યોગ્ય પ્રતિભાવ આપ્યો નહોતો. આ કેસમાં પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના મહિલા ACP ને યોગ્ય ન્યાયિક તપાસ કરવા સૂચના અપાઈ છે. પોલીસએ વધુમાં જણાવ્યું કે, આયેશા અને તેના ભાઈ ફૈઝલ વિરુદ્ધ અગાઉ આનંદનગર પોલીસ સ્ટેશનમાં (Anandnagar Police Station) ફરિયાદ નોંધાયેલ છે, જેમાં એક મહિલાએ બંને વિરુદ્ધ બેફામ ગાડી હંકારી, ગાળાગાળી કરી, મારામારી અને ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે તે સમયે પોલીસ દ્વારા બંને વિરુદ્ધ કાર્યવાહી કરી અટક કરવામાં આવી હતી અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો – Kuber Dindor : ગુરુપૂર્ણિમાએ HTAT ઉમેદવારોને મળશે મોટી ભેટ! શિક્ષણ મંત્રીનું મહત્ત્વનું નિવેદન

આ પણ વાંચો – Ahmedabad : ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવા શિક્ષકો આકરા પાણીએ! ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

આ પણ વાંચો – Ahmedabad : આંગડિયા પેઢીની 1 મહિના સુધી આરોપીઓએ કરી રેકી, પછી ઘડ્યો લૂંટનો માસ્ટર પ્લાન!

Whatsapp share
facebook twitter