VADODARA : ટીમ ઇન્ડિયા ટી – 20 ફોરમેટમાં (TEAM INDIA WORLD CUP WINNER) વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવી રહેલા હાર્દિક પંડ્યાને પોંખવા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શોના દિવસે સવારે રૂટ પર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આજે સવારે હાર્દિક પંડ્યાનું વડોદરામાં આગમન થઇ ચુક્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોડ-શો ના રૂટ પરના દબાણોનો સફાયો
ટીમ ઇન્ડિયા વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ આવતા તમામનું ખુલ્લી બસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પરત આવ્યા છે. જેને લઇને તેમનું ખુલ્લી બસમાં અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે માંડવીથી શરૂ થઇને અકોટા દાંડિયાબજાર બ્રિજ સુધી ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યાના રોડ-શો નું આયોજન છે. જે પહેલા રોડ-શોના રૂટ પર પાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. દબાણ શાખાએ માંડવીથી લઇને નવલખી સુધી રોડ-શો ના રૂટ પરના દબાણોનો સફાયો બોલાવ્યો છે. જે માટે ટીમ સવારથી જ કામે લાગી ગઇ છે. સાંજે 5 વાગ્યે માંડવીથી રોડ-શો શરૂ થનાર છે.
ટેબલો અને પથારા જમા લઇ લેવામાં આવ્યા
દબાણશાખાના ઇન્સ્પેક્ટર જણાવે છે કે, આજરોજ ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે માંડવીથી નવલખી સુધી રસ્તામાં આવતા દબાણો, લારી-ગલ્લા, પથારાવાળાઓ તેને હટાવવામાં આવ્યા છે. અને રોડને ક્લિયર કરવામાં આવી રહ્યો છે. દબાણ શાખાની ટીમ વોર્ડ નં – 13 અને 14 સાથે રાખીના કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તામાં નાના ટેબલો અને પથારા જમા લઇ લેવામાં આવ્યા છે. અને આગળની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો — VADODARA : પત્નીએ પાઇપનો ફટકો મારતા પતિ પલંગ પર ઢળી પડ્યો