VADODARA : એમ.એસ.યુનિવર્સિટી (MSU) અને ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)નું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી વચ્ચે યુનિવર્સિટી-ઇન્ડસ્ટ્રી ચર્ચાસત્ર યોજાયું હતું. જેના પરિણામ સ્વરૂપ એમ.એસ.યુનિ. વડોદરા જિલ્લામાં આવેલા 32 હજાર નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાશે. વડોદરા જિલ્લ (VADODARA DISTRICT) માં પાદરા, પોર, કરજણ, મકરપુરા, વાઘોડિયા, સાવલી-મંજુસર, નંદેસરી અને સરદાર એસ્ટેટ જેવી મુખ્ય જીઆઇડીસી છે. જેમાંની નંદેસરી જીઆઇડીસીમાં આવેલી 275 કંપનીમાં આવનારા સમયમાં એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ ઓડિટ કરશે. જે યુનિ.ના વિદ્યાર્થીઓના વિકાસ માટેનું મોટું પગલું ગણાઇ રહ્યું છે.
નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસો.ના ચેરમેને આપ્યું આમંત્રણ
જે વિશે માહિતી આપતા લઘુ ઉદ્યોગ ભારતી, વડોદરાના અધ્યક્ષ વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જ્વેલ કન્ઝયુમર કેર પ્રાઈવેટ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોરાડિયા, મેટ્રીક્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઇ જીવાણી, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસો.ના ચેરમેન બાબુભાઇ પટેલ, પોલિમેકપ્લાસ્ટ મશીન્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર હિમંતભાઇ ભુવાઅને સ્પોર સેફ્ટીના મેનેજિંગ ડિરેક્ટર નિશીત દંડ સાથે એમ.એસ.યુનિ.ને વિવિધ ફેકલ્ટીના ડીનની હાજરીમાં એમ.એસ.યુનિ. વડોદરા જિલ્લામાં આવેલા ૩૨ હજાર નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાઇ હતી. આ સાથે બેઠકમાં ઉપસ્થિત નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસો.ના ચેરમેન બાબુભાઇ પટેલે યુનિ.ના વિદ્યાર્થીઓએ નંદેસરી જીઆઇડીસીમાં આવેલી 275 કંપનીમાં વિવિધ પ્રકારના ઓડિટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
વિદ્યાર્થીને ટેલી સોફ્ટવેરનું લાઇસન્સ વર્ઝન અપાશે
આ સાથે અમિન ઇન્ફોટેક દ્વારા જાહેરાત કરાઇ હતી કે, યુનિ.ના વિદ્યાર્થીઓને ટેલી સોફ્ટવેરની તાલીમ વીના મૂલ્યે અપાશે. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીને ટેલી સોફ્ટવેરનું લાઇસન્સ વર્ઝન જોઇતું હશે તો તે પણ અપાશે. આ સાથે સાથે બેઠકમાં અભ્યાસક્રમ વિકાસ, વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડીઝ, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, ઔદ્યોગિક મુલાકાતો, પ્રોજેક્ટ્સ, એક્સપર્ટ ટોક, ઉદ્યોગની જીવંત સમસ્યાઓ પર સંશોધન, સ્ટાર્ટ-અપ્સ, પ્લેસમેન્ટ્સ, રિસર્ચ સુવિધાઓ, કન્સલ્ટિંગ પ્રોજેક્ટ્સ, રિસર્ચ અને ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ અને ઉદ્યોગ ઓડિટ જેવા અનેકવિધ ક્ષેત્રમાં યુનિ.ના વિદ્યાર્થીઓને લઘુ ઉદ્યોગ ભારતી કેવી રીતે ઉપયોગી થઇ શકે છે તે વિષયે પણ ચર્ચા કરાઇ હતી.
વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશીપ મળશે
અત્રે નોંધનીય છે કે, લઘુ ઉદ્યોગ ભારતી અને એમ.એસ.યુનિવર્સિટી વચ્ચે થયેલા યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી ચર્ચાસત્રમાં એમઓયુ અંતર્ગત યુનિ.ના વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશીપ મળશે. આમ, વિદ્યાર્થીઓ માટે ભણવાની સાથે વળતર મેળવવાનો માર્ગ ખુલ્લો થયો છે. જે વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝ બંનેને મદદરૂપ થશે. આ પગલાથી ઇન્ડસ્ટ્રીઝને તેની જરૂરીયાત અનુસારનો મેનપાવર મળી રહેશે, તો બીજી તરફ યોગ્ય કુશળતા ધરાવતા ઇચ્છુક વિદ્યાર્થી માટે વિપુલ તકોનું નિર્માણ થશે.
આ પણ વાંચો —VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામા બાદ નિવેદન, “આત્મસન્માનથી મોટું કશું નથી”