VADODARA : આજે સવારે વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે (BJP MLA KETAN INAMDAR) વિધાનસભા અધ્યક્ષને રાજીનામું (RESIGN) ઇમેલ કર્યાના સમાચાર સામે આવતા જ મધ્યગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સાથે જ વડોદરા ભાજપનો આંતરિક કલેશ સપાટી પર આવ્યો છે. રાજીનામું ઇમેલ મારફતે આપ્યા બાદ તેમણે નિવેદન આપ્યું છે કે, તમામનું માન જાળવો. આ બાદ હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
રાજીનામું ધરી દેતા મામલો વધુ ગરમાયો
લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણી માટે વડોદરાથી ઉમેદવારનું તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા જ સ્થાનિક રાજકારણમાં ભડકાની સ્થિતી સર્જાઇ છે. ટીકીટ જાહેર થયાના બીજા જ દિવસે મહિલા મોચરાના અગ્રણી ડો. જ્યોતિબેન પંડ્યાએ અવાજ ઉઠાવ્યો હતો. અને સ્પષ્ટ કહ્યું હતું કે, એવી કઇ મજબૂરી છે કે ત્રીજી વખત સાંસદને રીપીટ કરવા પડે. આ ઘટના બાદથી સ્થાનિક રાજકારણમાં કંઇક રંધાઇ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગતરોજ કરણીસેનાના અગ્રણી મહેન્દ્રસિંહ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. અને રંજનબેનને રીપીટ કરવા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેવામાં આજે સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દેતા મામલો વધુ ગરમાયો છે.
ફક્ત મારી નહિ દરેક કાર્યકર્તાની વાત છે
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઇમેલ કર્યું છે. જે બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે, પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી. તમામ જગ્યાએ રજૂઆત બાદ કોઇ નિરાકરણ આવ્યુ નથી. રાજકારણમાં દરેક સત્તા માટે નથી આવતા. છેલ્લા 11 વર્ષ અને 3 મહિનાથી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. અગાઉ પણ કહ્યું હતું કે, તમામનું માન જાળવો. આ કેતન ઇનામદારનો અવાજ નથી, આ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાનો અવાજ છે. માન-સન્માન જળવાતું નથી એ ફક્ત મારી નહિ દરેક કાર્યકર્તાની વાત છે.
અવગણના ના થાય તેવી અપીલ
વધુમાં તેઓ નિવેદનમાં જણાવે છે કે, કેતન માત્ર નિમિત્ત બન્યો છે. જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય તેવી અપીલ છે. લોકસભા બેઠક માટે રંજનબેન ભટ્ટને જીતાડવા માટે મદદ કરીશ. પોતાના માન-સન્માનના ભોગે કોઇ વસ્તુ નહિ ચલાવી લેવાય.
ત્રણ લીટીમાં રાજીનામુ લખ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર દ્વારા ઇમેલ મારફતે રાજીનામું આપવામાં આવ્યું છે. જેનો સ્વિકાર અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો છે કે નહિ તે અસ્પષ્ટ છે. કેતન ઇનામદાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં પણ કોઇ ચોક્કસ મુદ્દાને લઇને સ્પષ્ટતા જોવા મળતી નથી. તેમણે ત્રણ લીટીમાં રાજીનામુ લખ્યું છે. આ જોતા હવે આગળ શું થાય છે તેના પર તમામની નજર છે.
આ પણ વાંચો —VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામું