સુરતના (Surat) વેસુ વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડી હતી અને 4 લાખના મુદ્દામાલ સાથે ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી ક્રિકેટ સહિત અલગ અલગ ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમાડતા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી એક અને સટ્ટાકિંગ ગજાનંદ ટેલર ઉર્ફે ગજુ ટેલરની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. માહિતી મુજબ, ગજુ ટેલરનું વિદેશમાં પણ મોટું નેટવર્ક છે.
‘ખાખી અને ખાદી સાથે ઘરોબો રાખવામાં માહેર છે’
બે દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વેસુ (Vesu) વિસ્તારમાં આવેલા ટાઇલ્સ સ્ક્વેર બિલ્ડિંગના એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન, ફ્લેટમાંથી રોકડ, મોબાઈલ સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઉધના વિસ્તારમાં રહેતા ગજાનંદ ટેલર ઉર્ફે ગજુ ટેલર (Gaju Taylor), ચિન્ટુ ઉર્ફે ભાઈજી અને હિરલ ઉર્ફે હાર્દિક દેસાઈની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી ગુજ ટેલરની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. સટ્ટાકિંગ ગજુ ટેલરનું વિદેશમાં પણ મોટું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે. ચર્ચા છે કે સટ્ટાકિંગ ગજુ ટેલરનો વિદેશમાં પણ મોંઘો વિલા છે. ઉપરાંત, સટ્ટાકિંગ ગજુ ટેલર પાસે એક હજારથી વધુ આઈડી છે અને કહેવાય છે કે તે ખાખી અને ખાદી સાથે ઘરોબો રાખવામાં માહેર છે.
સટ્ટાકૌભાંડી ગજુ ટેલરનો આખો એક અલગ જ સામ્રાજ્ય છે
આ સાથે આરોપી ગજુ ટેલર દુબઈ, શ્રીલંકા અને થાઇલેન્ડમાં પોતાનો એક બીચ પણ ધરાવતો હોવાની વાત સામે આવી છે. સટ્ટાકૌભાંડી ગજુ ટેલરનો આખો એક અલગ જ સામ્રાજ્ય છે. જો કે, આ મામલે પોલીસ હાલ પણ તપાસ કરી રહી છે. જો કે, આગળની તપાસમાં વધુ મોટા ખુલાસા થયા તો નવાઈની વાત નથી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, VMGS 365.COM નામની જે વેબસાઈટ છે તેના પર ફૂટબોલ, ક્રિકેટ, હોકી જેવી ઓનલાઇન ગેમ થકી ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવે છે. આ માટે આરોપીઓને મોટું કમિશન મળતું હતું. ચિન્ટુ ઉર્ફે ભાઈજી અને ગજાનંદ ટેલરનો મુખ્ય ધંધો જ ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમાડવાનો હતો. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
આ પણ વાંચો – Surat : આજનો દિવસ ગુજરાતના મધ્યમ વર્ગ માટે દિવાળીના તહેવારથી ઓછો નથી : હર્ષ સંઘવી