Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પુરુષની કારકિર્દી તેની જવાબદારી અને સ્ત્રીની કારકિર્દી તેનો શોખ !

08:42 AM Apr 17, 2023 | Vipul Pandya

સ્ત્રી સશક્તિકરણની અને સ્ત્રી સમાનતાની વાતો કરતા આપણે સાચે એવી માનસિકતા સાથે જીવીએ છીએ? અને સાચે જ આ મૂલ્યોમાં વિશ્વાસ રાખીએ છીએ ખરા ! સ્ત્રી પુરુષ સમોવડી છે કે પછી સ્ત્રીને પુરુષ સમોવડી સમજવી અને માનવી જોઇએ એ વિચાર જ પાયાથી કેટલો ખોટો અને ભૂલ ભરેલો છે!  કુદરતનું શ્રેષ્ઠ નિર્માણ એટલે સ્ત્રી અને પુરુષ. કુદરતે ચોક્કસ ભેદ સાથે પણ – બન્નેમાં કેટલી સમાનતા અને સમાન મહત્તા બક્ષી છે. શિવ અને શક્તિ તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. બન્ને એકબીજાના પૂરક અને એક વગર બીજાનું અસ્તિત્વ અધૂરુ.
સ્ત્રી કદી પુરુષ સમોવડી ન થઇ શકે અને ના પુરુષ કદી સ્ત્રી સમોવડીયો થઇ શકે છે. બન્નેનું અસ્તિત્વ અલગ છે, બન્નેનું મહત્વ અલગ છે અને બન્નેની અગત્યતા અલગ છે. બન્નેમાં સામ્યતા એક જ છે અને એ છે કે બન્ને કુદરતનું સર્જન છે અને બીજી એક સામ્યતા એ છે કે બન્ને એકબીજાથી નોખા અને બન્ને એકબીજાથી ભિન્ન છે. પણ સ્ત્રીને પુરૂષ સમોવડી બનાવવાના વિચારે સ્ત્રીને પોતાના અસ્તિત્વને શોધવા મથતું પાત્ર બનાવી દીધું જાણે, અને આજ વિચારે પુરુષને સુપીરીયર કોમ્પ્લેક્ષથી પીડિત બનાવી દીધો. આ બધી જ ઉથલ પાથલમાં  સામ્યતાનો તો આખો વિચાર જ ખોવાઇ ગયો ને ? 
સાંપ્રતની જ વાત જોઇએ તો જાણે કે કારકિર્દી માટે પુરૂષ જાતને સભાન થવાનો હક છે એટલી છુટ હજી પણ સ્ત્રીઓને ક્યાં મળે છે?  તેમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જાણે વધુ જ આવા વાડા જોવા મળે છે. આજના યુગમાં સ્ત્રી અને પુરુષ બન્ને જ કંઇકને કંઇક કામ, વ્યવસાય  મોટાભાગે કરતા હોય છે પણ સ્ત્રીનું કામ, તેની નોકરી, તેની કારકિર્દી જાણે કે સેકન્ડરી જ ગણાય અને મનાય છે. ક્યારેય એવુ સાંભળવામાં આવે છે કે એક પુરુષે તેની કારકિર્દીને વિરામ આપ્યો કારણકે તેના પર ઘરની, તેના સંતાનના ઉછેરની જવાબદારી આવી પડી હતી!  આવા વાક્યોને આવા કિસ્સા તમને માત્ર સ્ત્રી પાત્રના કિસ્સામાં જ સાંભળવા મળે છે. આ ભેદ શા માટે? શું ઘર સંભાળવાની જવાબદારી માત્ર સ્ત્રીઓની જ છે? શું આ જવાબદારી પુરુષ ન ઉપાડી શકે? સંતાનને જન્મ સ્ત્રી આપે પણ શું તેના ઉછેરની જવાબદારી એક પતિ એક પિતા ન લઇ શકે? કેમ સંતાનોના ઉછેર માટે, પરિવારની જવાબદારી માટે સ્ત્રીઓએ જ તેમની કારકિર્દીનો ભોગ આપવો પડે? 
એક સ્ત્રીએ પણ પોતાની કારકિર્દીને લઇને અનેક સપના જોયા હોય છે, એક સ્ત્રીએ પણ તેના માટે મહેનત કરી હોય છે. હા, બેશક પરિવારની જવાબદારી અને સંતાનોનો બહેતર ઉછેર પણ જીવનમાં ખુબ મોટી અગત્યતા અને અનિવાર્યતા ધરાવે છે પણ આ ફરજ માત્ર સ્ત્રીને જ કેમ પાડવામાં આવે છે? 
સ્ત્રી પોતાના આખા જીવનની મહેનત અને સપનાને એક ઝાટકે છોડી પણ દે પણ તેના આ બલિદાનને સાચા અર્થમાં કન્સીડર પણ કરાય છે ખરા? તેના બલિદાનને માત્ર જવાબદારી અને ફરજનું નામ જ કેમ આપી દેવામાં આવે છે? 
સમાનતાની વાતો કરતા આપણા સમાજે આ ખુબ જ મોટી અસમાનતાને સમજવી પડશે, તેને મૂળમાંથી ન બદલી શકો તો કમસે કમ આ અસમાનતા છે તેનો સ્વીકાર કરવાની તો અનિવાર્યતા હોવી જ જોઇએ. સ્ત્રીને પુરુષ સમોવડી ન સમજો, ન બનાવો પણ સ્ત્રીનો સ્વીકાર તેના પોતાના અસ્તિત્વ સાથે કરવો જ રહ્યો. સ્ત્રીને માત્ર સ્ત્રી જ સમજવી જ રહી…