Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રંગ અને ઊર્મિઓના ઉત્સવોનું પ્રવેશદ્વાર એટલે વસંત પંચમી

10:26 PM Apr 17, 2023 | Vipul Pandya

વિક્રમ સવંત 2078ની આજે મહા સુદ પાંચમના રોજ વસંત પંચમીનું પર્વ ઉજવાય છે. હિન્‍દુ ધર્મશાસ્ત્ર અનુસાર વસંતપંચમીએ ઋતુઓની રાણી અને વણજોયું મુહૂર્ત ગણાય છે. આજના દિવસે દેવી સરસ્વતીના પૂજન અને આરાધનાનું વિશેષ દિવસ છે. જ્ઞાન અને ચેતનાની દેવી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રિદેવ દ્વારા પૂજિત વીણાવાદીની માઁ સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે.

વસંત પંચમીના દિવસથી ઋતુરાજ વસંતનો વિશેષ મહત્વ

ઋતુરાજ વસંત સાથે જોડાયેલી છે આ વસંત પંચમી. વસંત આવે એટલે આમ તો સમગ્ર પ્રકૃતિ ખીલી ઊઠે છે. કેસુડાનું નામ તો જાણે વસંતનો પર્યાય બની ગયું છે. જો કે વસંતનો છડીદાર એકલો કેસુડો નથી. વસંતમાં કાંચનાર પુષ્પોની ચાદર ઓઢીને વસંતને આવકારે છે. ફૂલોથી છવાયેલું આ વૃક્ષ પણ જાણે કે વસંતની રમણીયતાનું તેના કોમળ અને મનમોહક પુષ્પોથી કાવ્યગાન કરે છે.

વસંત ઋતુમાં ખીલતા વિવિધ ઔષધીય વનસ્પતિ આ ઋતુમાં ઔષધીય છે ઉપયોગી
આયુર્વેદની એક ખૂબ જાણીતી ઔષધિ છે કાંચનાર ગુગ્ગળ. મુકુલ વૃક્ષમાંથી મળતા ગુગ્ગળ અને કાંચનારના અર્કના સમન્વયથી આ ઔષધ બને છે. ચરક અને સુશ્રુત સંહિતામાં પણ કાંચનારના ઔષધીય ગુણોનું વર્ણન છે. એના ફૂલ, પાંદડા, છાલ, થડ, બીજ, બધું જ જુદી જુદી રીતે ઉપયોગી છે. એના પુષ્પોની સુગંધિત પાંદડીઓનો સજાવટમાં ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં તે માઉન્ટેન એબોની, બટરફ્લાય એશ જેવા નામો થી ઓળખાય છે.


અલંકૃત એના પુષ્પોની શોભાનું છે વસંતમાં પંચમી

તેજસ્વી ગુલાબી અને ચમકતા શ્વેત, એવા બે પ્રકારના રંગ વૈભવથી અલંકૃત એના પુષ્પોની શોભા વસંતમાં માણવા જેવી છે. કેસુડા પરથી નજર હટાવો તો કાંચનાર, ટિકોમા જેવા પુષ્પ વૃક્ષો આ ઋતુમાં વસંતની મનોહરતા વિખેરતા જોઈ શકાય છે. આ હરિતપર્ણી વૃક્ષ કોઈપણ ઉદ્યાનની શોભા વધારી શકે છે.


કાંચનાર એક અનોખું વૃક્ષ

કાંચનાર ભારતના વિવિધ પ્રાંતોમાં જોવા મળતું ૧૦ થી ૧૨ મીટરની મધ્યમ ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે જે પ્રાંત પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખાય છે. ભારતીય ઉપખંડના દેશો – ચીન, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાં આ વૃક્ષ જોવા મળે છે.


વસંત પંચમીએ ઉત્સવોનું આગમાન દ્વાર

વસંત પંચમીએ રંગ અને ઉર્મિઓના ઉત્સવોનું પ્રવેશદ્વાર છે તો આ કાંચનાર પણ વૈભવી વસંતનું છડીદાર છે. ઊર્મિશીલ કવિ, સાહિત્ય મર્મજ્ઞ ભાગ્યેશ ઝાએ એની મુલવણી ભારતીય સંસ્કૃતિના પ્રેમ પર્વ ભારતીય વેલેન્ટાઇન ડે તરીકે કરી છે. કવિ શ્રેષ્ઠ કાલિદાસે ગ્રંથો ભરીને વસંતનો મહિમા કર્યો છે.એવા આ ઋતુરાજના ઓછા જાણીતા છડીદાર કાંચનાર નું ફૂલો થી લદાયેલું વૃક્ષ આસપાસમાં ક્યાંય જોવા મળે તો એને આ ઋતુમાં મન મૂકીને નીરખી લે જો.વસંત સાર્થક થઈ જશે.