Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પંજાબના મુખ્યમંત્રી પદના દાવેદાર મુદ્દે સિદ્ધુએ ફરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, બતાવ્યા તીખા તેવર!

09:48 AM Apr 26, 2023 | Vipul Pandya

દેશભરમાં હાલમાં ચૂંટણીની લહેર ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત અન્ય રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો એકબીજા પર નિશાન સાધી રહ્યા છે, ત્યારે આ તમામ વચ્ચે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુનું એક નિવેદન સામે આવ્યુ છે. કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુએ કહ્યું કે, ‘જો નવા પંજાબનું નિર્માણ કરવું હોય તો તે મુખ્યમંત્રીના હાથમાં છે, આ વખતે તમારે  મુખ્યમંત્રીની પસંદગી કરવાની છે, ટોચ પર બેસેલા લોકો નબળા મુખ્યમંત્રી ઈચ્છે છે જે તેમની સૂચનાઓનું પાલન કરી શકે’. સિદ્ધુએ સમર્થકોને પુછ્યુ કે, કે શું તમે એવા સીએમ ઇચ્છો છો?  હકીકતમાં, નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર કર્યા છે. તેઓ તેમના નિવેદનો અને સમર્થકો મારફતે સીએમ ચહેરા માટે દબાણ આપતા જોવા મળે છે. રાજ્યમાં સીએમ ચહેરાની જાહેરાત પહેલા જ તેમને પોતાનું વલણ બતાવી દીધુ છે.
પ્રથમવાર એવુ નથી બન્યુ કે, કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુએ નારાજગી ન દર્શાવી હોય અને હાઇકમાન્ડ પર દબાણ લઇ આવવાનો પ્રયાસ ન કર્યો હોય. આ પહેલા પણ સિદ્ધુએ પોતાના તેવરથી પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને સીએમ પદ પરથી હટાવ્યા હતા. ત્યારબાદ તેઓ પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. આ પછી નવી સરકારમાં ઘણી નિમણૂકોમાં પણ સિદ્ધુની દખલગીરી માનવામાં આવી રહી છે. 
હકીકતમાં પંજાબમાં સત્તાધારી કોંગ્રેસે હજુ એ નક્કી કર્યું નથી કે, તેમનો સીએમ ચહેરો કોણ હશે. આ મુદ્દે સીએમ ચન્ની અને પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુ પણ સામસામે આવી ગયા છે. સિદ્ધુ ઘણી વખત કહી ચૂક્યા છે કે, સીએમના ચહેરા પર સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ, પરંતુ હવે સિદ્ધુ રેસમાં પાછળ હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે આજે શુક્રવારે સિદ્ધુએ પોતાના સમર્થકો વચ્ચે આ વાત કહીને પોતાનો દાવો કર્યો હતો. શુક્રવારે સમર્થકોની વચ્ચે હાજર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુએ કહ્યું કે, હવે એ તમારા પર છે કે, તમે પંજાબના વિકાસ માટે કેવા સીએમ ઈચ્છો છો. આ તકે સિદ્ધુએ ઈશારા-ઇશારામાં સીએમ ચન્નીને નબળા સીએમ કહેવાનો પ્રયાસ કર્યો હતો.
પંજાબ કોંગ્રેસે સીએમ ચહેરા માટે કર્યો છે સર્વે 
પંજાબ કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી માટે કરવામાં આવેલા આંતરિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પદના ઉમેદવારોમાં ચન્ની સૌથી આગળ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબમાં કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ હશે સસ્પેન્સ ટૂંક સમયમાં ખત્મ થઈ શકે છે. કોંગ્રેસ પાર્ટી તરફથી માત્ર ચરણજીત સિંહ ચન્નીને સીએમ ચહેરો બનાવી શકાય છે. મળતી માહિતી અનુસાર, સર્વેમાં માત્ર સીએમ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુનું નામ છે. મતલબ પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે, પંજાબમાં કોંગ્રેસ તરફથી સીએમ પદની રેસમાં બીજું કોઈ નથી.