Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અરવલ્લીના ગોતાપુર-પ્રાંતવેલ તળાવમાં પાણી છોડવા માગ, ખેડૂતોની પૂર્વ ધારાસભ્યને રજૂઆત

06:09 PM Apr 27, 2023 | Vipul Pandya

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થવાની હોય અને તે પહેલા જ પાણીનો મુદ્દો પેચીદો હોય તે નવુ નથી. ઉનાળાની શરૂઆત થયા પહેલા જ દર વર્ષે રાજ્યમાં પાણીનો મુદ્દો ચર્ચાએ રહેતો હોય છે. ત્યારે ફરી ઉનાળાની શરૂઆત પહેલા પાણીનો મુદ્દો સામે આવ્યો છે. બાયડ તાલુકાના તળાવના પાણીનો મુદ્દો ગ્રામજનોએ ઉઠાવ્યો છે. બાયડ તાલુકાનું ગોતાપુર-પ્રાંતવેલ તળાવ નાની સિંચાઇ અંતર્ગત આવતુ તળાવ છે. આ તળાવ વિસ્તારના 20થી 25 ગામના લગભગ એક હજાર જેટલા ખેડૂતોને સિંચાઇ માટે તેમજ પશુ પાલકો માટે મુખ્ય આધાર છે. ત્યારે વિસ્તારના ખેડૂત આગેવાનો દ્વારા નાની સિંચાઇ યોજના અંતર્ગત આવતા આ તળાવમાં તાત્કાલિક પાણી ભરવામાં આવે તેવી માગ સાથે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવી હતી. 
પ્રાંતવેલ તળાવ વિસ્તારના લગભગ 70થી 80 ખેડૂત આગેવાનોએ ગોતાપુર-પ્રાંતવેલ તળાવ ભરવા પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરી હતી. જે સંદર્ભે પૂર્વ ધારાસભ્યએ વિસ્તારના ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પૂર્વ ધારાસભ્યએ ખેડૂત આગેવાનોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાને લઇ ઉચ્ચસ્તરે રજૂઆત કરી વહેલામાં વહેલી તકી તળાવ ભરવામાં આવે તે માટે પૂરતા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવશે. 
મહત્વનું છે કે, આગામી દિવસો ઉનાળાના આવવાના છે, ત્યારે લગભગ એક હજાર જેટલા ખેડૂતોને સિંચાઇ માટે તેમજ પશુ પાલકો માટે આ તળાવ મુખ્ય આધાર હોય જેથી તેમાં પાણી ભરવામાં આવે તે જરૂરી છે. ત્યારે હવે ખેડૂત આગેવાનોની પૂર્વ ધારાસભ્યને ધારદાર રજૂઆત બાદ કેટલા દિવસમાં તળાવમાં પાણી ભરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.