Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતનું આ ગામ દેશનું જ નહીં વિશ્વનું સૌથી અમીર ગામ છે, સુવિધાથી છે સજ્જ…

10:56 PM Apr 17, 2023 | Vipul Pandya

ભારત જ નહીં દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાત નામ પડે એટલે શ્રીમંતાઈ શબ્દ જીભે પહેલા આવે. કોઈ દિવસ વિચાર્યું છે કે ગુજરાતનું સૌથી અમીર ગામ કયું?. વિચાર્યું હોય અને થોડી શોધખોળ કરી હોય તો ખ્યાલ આવશે કે માધાપર એ માત્ર ગુજરાત જ નહીં, પણ વિશ્વનું સૌથી અમીર ગામ છે. 2011ની વસતિ ગણતરીના આધારે ભારત દેશમાં કુલ 6 લાખ 49 હજાર 481 ગામ છે.
આમ તો ગામની ઓળખ એટલે કાચા મકાન, ભેંસ, ગાય, દુહા-છંદની માલધારીઓ રમઝટ બોલાવતા હોય,નળિયાવાળા મકાન હોય, પાણી પાવા માટે હેન્ડ પમ્પ હોય એવું બધું. પણ બધા ગામ આવા નથી હોતા. 1990ના સમયે જ્યારે ઘણા શહેરોમાં ટીવી અને ટેલિફોનના પણ ફાંફા હતા ત્યારે માધાપર ઉત્કૃષ્ટ ટેકનોલોજીથી સભર ગામ બની ચૂક્યું હતું. આ ગામના તમામ લોકોની મિલકતની વિગતો બહાર કાઢીએ તો માધાપર ભારતનું જ નહીં વિશ્વનું સૌથી અમીર ગામ હોવાનું સામે આવી શકે છે.
ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપર ગામમાં 7 હજાર 600 ઘર છે. મોટાભાગના લોકો પટેલ છે. 65 ટકાથી વધારે NRI છે. ગામનો મુખ્ય વ્યવસાયમાં ખેતી છે. અને માધાપર ગામમાં 17 બેંક છે. આ તમામ બેંકોમાં 92 હજાર લોકોના કુલ 5 હજાર કરોડ રૂપિયા ડિપોઝિટ છે. માધાપર ગામની બેંકમાં માથાદીઠ સરેરાશ ડિપોઝિટ 15 લાખ રૂપિયાની આસપાસ છે. આ બેંકમાં જેના પણ ખાતા છે તે અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના ખૂણે ખૂણે વસવાટ કરે છે.
માત્ર બેંકના કારણે જ નહીં પરંતુ આ ગામનો અસબાબ પણ જોવા લાયક છે. શાળા, તળાવ, કોલેજ અને તાલુકા કે શહેરોમાં પણ જોવા ન મળે તેવી હરિયાળી. પણ આવું કેવી રીતે? તો અહીંના મોટાભાગના લોકો NRI છે. તેમણે પ્રગતિ કરી, પણ પોતાના ગામને ન ભૂલ્યા. ગામના વિકાસમાં તેમણે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. આ કંઈ આજકાલની વાત નથી. વર્ષ 1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વિદેશમાં ગામની છબી સુધારવાનો અને લોકોને જોડવાનો હતો.
કચ્છ નામ આવે એટલે એક વસ્તુ કાને પડે કે આ ગામને 2001ના ભૂકંપમાં કંઈ અસર થઈ હતી કે નહીં? બિલકુલ અસર થઈ હતી. જોકે અસર નજીવી હતી. જૂના વાસના વર્ષો જૂના મકાનો ધરાશાયી થયા હતા. આ ગામનો ઈતિહાસ જોઈએ તો… માધાપરનું નામ માધા કાનજી સોલંકીના નામ પરથી પડ્યું છે. તેમણે જ્યાં વસવાટ કર્યું એ જૂનું માધાપર હાલ વાસ તરીકે ઓળખાય છે. 1576ના વર્ષમાં પટેલ સમુદાયના લોકોએ વસવાટ કર્યો. ગત વર્ષે અજય દેવગન અભિનિત સત્યઘટના પર આધારિત ભુજ ફિલ્મ આવી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન માધાપર ગામની 300 મહિલાઓએ હવાઈપટ્ટીનું ત્રણ દિવસમાં સમારકામ કર્યું હતું. તેમના જ સન્માનમાં અહીં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતું.