Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેરીના રસિકો માટે સારા સમાચાર, સાનુકુળ વાતાવરણને લીધે કેરીનું ઉત્પાદન વધશે

09:21 PM Apr 14, 2023 | Vipul Pandya

કેરીના રસિકો માટે એક સારા સમાચાર છે. ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં અંદાજે 25 થી 30 ટકા જેવો વધારો થવાની સંભાવના છે, ચાલુ વર્ષે સાનુકુળ વાતાવરણને કારણે ત્રણ થી ચાર વખત ફ્લાવરીંગ થતાં અને ફ્લાવરીંગ સ્ટેજ બાદ પણ સાનુકૂળ વાતાવરણ રહેતા હવે કેરીના સારા ઉત્પાદનની અપેક્ષા સેવાઈ રહી છે.

ઉત્પાદન વધવાની સંભાવના
જૂનાગઢની કેસર કેરી જગ વિખ્યાત છે, કેરીની અનેક જાતો છે પરંતુ કેસર કેરીનો સ્વાદ જ નિરાળો છે અને લોકો એટલા માટે જ કેરીની રાહ જોતાં હોય છે ત્યારે કેરીને લઈને એક સારા સમાચાર આવ્યા છે કારણ કે કેરીના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે.

ફ્લાવરિંગ વધે તે સારા સંકેત
સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કેરીમાં ફ્લાવરીંગ થાય છે કોઈક જગ્યાએ જાન્યુઆરીમાં પણ ફ્લાવરીંગ થાય છે, પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં પણ આંબા પર ફ્લાવરીંગ જોવા મળી રહ્યું છે જે એક સારો સંકેત છે, સામાન્ય સંજોગોમાં બે થી ત્રણ વખત આંબા પર ફ્લાવરીંગ આવતું હોય છે અને તે મુજબ આંબા પરથી કેરીનો ઉતારો થાય છે પરંતુ ચાલુ વર્ષે ત્રણ થી ચાર વખત ફ્લાવરીંગ થયું મતલબ કે ફ્લાવરીંગ વધ્યું એટલે તેમાં ફળો પણ વધુ આવશે અને અંદાજે 25 થી 30 ટકા ઉત્પાદન વધુ મળશે. કેસર કેરીનું ઉત્પાદન જૂનાગઢ સહીતના આસપાસના જીલ્લામાં થાય છે. કારણ કે સૌરાષ્ટ્રની આબોહવા કેસર કેરી માટે અનુકુળ છે.

ચાર જીલ્લામાં આંબાનો વાવેતર વિસ્તાર
  • જૂનાગઢ – 8700 હેક્ટર
  • પોરબંદર – 431 હેક્ટર
  • અમરેલી – 6804 હેક્ટર
  • ગીરસોમનાથ – 14301 હેક્ટર
આમ સૌરાષ્ટ્રના ચાર જીલ્લામાં કુલ 30,236 હેક્ટરમાં આંબાનું વાવેતર છે

વધારે ઉત્પાદનની અપેક્ષા
ચાલુ વર્ષે આંબામાં વધુ ફ્લાવરીંગ પાછળનું કારણ સાનુકુળ વાતાવરણ છે, નવેમ્બર મહિનાથી જ્યારે આંબા પર ફ્લાવરીંગ શરૂ થાય ત્યારથી કેરીને અનુકુળ એવું વાતાવરણ હતું જો કે બીજા તબક્કામાં થોડી અસર પડી પરંતુ ત્યારબાદ જાન્યુઆરીમાં પણ ખુબ જ અનુકુળ વાતાવરણ રહ્યું, સામાન્ય રીતે જાન્યુઆરી પછી આંબા પર ફ્લાવરીંગ થતું નથી પરંતુ ફેબ્રુઆરીમાં પણ ફ્લાવરીંગ જોવા મળતાં હવે કેરીના વધુ ઉત્પાદનની અપેક્ષા સેવાઈ રહી છે.

નિકાસ પણ થાય છે
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની કેસર કેરી ન માત્ર રાજ્ય અને દેશમાં પરંતુ વિદેશોમાં પણ એટલી જ પ્રખ્યાત છે અને તેથી વિદેશોમાં પણ કેસર કેરીની માંગ રહે છે, બાગાયત ખેતી કરતાં ખેડૂતો અને ખાસ કરીને કેરીનું ઉત્પાદન કરતાં બાગાયત ખેડૂતો વિદેશમાં પોતાની કેરીની નિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ એક્ષપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે કે APEDA ( અપેડા ) ની રચના કરવામાં આવી છે, કેરીનું ઉત્પાદન કરતાં બાગાયત ખેડૂતો પોતાના જીલ્લાની બાગાયત કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરાવીને વિદેશમાં કેરીની નિકાસ કરી શકે છે.

અમેરીકા અને આરબ દેશોમાં ભારે ડિમાન્ડ
સરકાર પણ આ અંગે પ્રોત્સાહન આપી રહી છે કારણ કે તેનાથી સીધી વિદેશી હુંડીયામણની કમાણી થાય છે અને બાગાયત ખેતી કરતાં ખેડૂતોને તેનો સીધો ફાયદો મળે છે. જૂનાગઢ જીલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 150 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ બીજા 100 રજીસ્ટ્રેશન થવાની સંભાવના છે, આમ કેસર કેરીની વિદેશોમાં પણ માંગ વધી છે, આરબ અને અમેરીકામાં ભારતની કેસર કેરીની જબરી માંગ છે.

હવામાન પર નિર્ભરતા
હાલ જે રીતનું વાતાવરણ છે અને આગામી સમયમાં વાતાવરણમાં કોઈ ફેરફાર ન થાય તો ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાની સંભાવના છે, જેથી નિકાસ પણ વધશે અને સ્વાદના રસિકો કેરીનો ભરપુર આનંદ માણી શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.