Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : ગંગોત્રી સ્કૂલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

06:40 PM Jun 23, 2024 | PARTH PANDYA

GONDAL : અનેક સામાજિક અને સેવકાર્યો માટે મોખરે રહેતા ગંગોત્રી પરિવાર દ્વારા આજરોજ 23 જૂન ને રવિવાર ના રોજ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 6th ફાઉન્ડેશન ડે નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સિવિલ હોસ્પિટલ રાજકોટના દર્દીઓ માટે તેમજ થેલેસિમિયા દર્દીઓના લાભાર્થે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિના મૂલ્યે લોહી મળી રહે તેવા શુભઆશયથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યુ છે.

વિવિધ બ્લડ બેંકો ની ટીમે સેવા આપી

આજરોજ ગંગોત્રી સ્કૂલ ખાતે સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.આ રક્તદાન કેમ્પ માં લોહી એકત્ર કરવા માટે PDU સિવિલ બ્લડ બેંક રાજકોટ, લાઇફ બ્લડ સેન્ટર અને ગોંડલની આસ્થા બ્લડ બેંકનાં ડોકટરો અને તેની ટીમ આવેલ હતી. આ મહા રક્તદાન કેમ્પમાં 594 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી. જે કેન્સર ના દર્દી, થેલેસેમિયા ગ્રસ્ત દર્દી, ભયંકર અકસ્માત તેમજ મોટા ઓપરેશનમાં અને સગર્ભા મહિલા દર્દીઓને બ્લડ પૂરું પાડશે.

રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે

ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર સંદીપભાઈ છોટાળા એ જણાવ્યું હતું કે રક્ત એ જીવન રક્ષક દવા છે જે કોઈ ફેકટરી માં નથી બનતું પરંતુ માનવ શરીર જ એની ફેકટરી છે. રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. આપણા દેશમાં દાન-પુણ્ય નો ઘણો મહિમા છે. જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનો ની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. આપણે આપેલા રક્ત થી કોઈનું જીવન બચી શકે છે. અકસ્માત, કેન્સર, પ્રસુતિ, વિવિધ પ્રકારના ઓપરેશનો તથા થેલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એક આવશ્યક અને જીવનદાન આપનારું બની શકે છે.થેલેસેમિયા દર્દીઓને આ જીવન રક્તના સહારે જ જીવન જીવવું પડે છે. આવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે અને તેઓ પણ વધુ સારી જિંદગી જીવી શકે તે હેતુથી ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

રક્તદાતાઓને ગિફ્ટ સાથે ઔષધિ વૃક્ષના રોપા આપવામાં આવ્યા

આજરોજ ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ 6th ફાઉન્ડેશન ડે નિમિતે એક મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કરવા આવનાર દરેક રક્તદાતાનો ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપભાઈ છોટાળા દ્વારા સન્માનપત્ર અને ગીફ્ટ તેમજ અલગ અલગ ઔષધિ વૃક્ષના રોપા આપીને આભાર વ્યક્ત કર્યો હતો તથા દરેક રક્તદાતા માટે ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા ચા, કોફી અને નાસ્તાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

અનેક સામાજિક સંસ્થાઓએ રક્તદાન કેમ્પમાં સહયોગ આપ્યો

આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા ગંગોત્રી સ્કૂલ પરિવાર સાથે શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ તેમજ ગોંડલ, જેતપુર અને તેની આજુબાજુ નાં ગામના 30 થી વધુ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક આગેવાનો અને બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહી આ કાર્યને બિરદાવ્યું હતું. ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનાં ફાઉન્ડર ચેરમેન સંદિપભાઈ છોટાળા દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 6th ફાઉન્ડેશન ડે નાં દિવસે મહા રક્તદાન કેમ્પમાં તેમના સહયોગ અને ઉમદા સેવાકીય ભાવના બદલ સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમનો પણ પૂરતો સહયોગ આપવા બદલ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપભાઈ છોટાળા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો —GONDAL : પોલિયો રસીકરણ માટે 140 જેટલા બુથ ઉભા કરાયા