- બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડવા તૈયાર ન હતા
- તે દિવસે સેના પ્રમુખોએ પણ શેખ હસીનાને સમજાવ્યા હતા
- તેમની બહેને પણ એકાંતમાં 20 મિનીટ વાત કરી સમજાવ્યા
Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) 5મી ઓગષ્ટનો દિવસ જીવનભર ભૂલી નહી શકે….પ્રદર્શકારીઓ તેમના નિવાસસ્થાનથી થોડે જ દુર હતા. ગમે તે સમયે રસ્તા પર ઉતરેલા આ હજારો પ્રદર્શનકારીઓ તેમના નિવાસસ્થાનમાં ઘુસી શકે તેમ હતા. તેમને માટે હવે કરો યા મરોની ઘડી હતી. બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી રહી હતી. આના એક દિવસ પહેલા વિરોધ પ્રદર્શનમાં 100 લોકોના મોત થયા હતા. શેખ હસીના સામે ગુસ્સો હવે ચરમસીમાએ હતો. આ દરમિયાન 5 ઓગસ્ટે બાંગ્લાદેશના ત્રણેય સેના પ્રમુખ શેખ હસીનાને મળવા ઉતાવળે પહોંચી ગયા હતા. શેખ હસીનાની બહેન રેહાના પણ અહીં હાજર હતી. રૂમમાં માત્ર પાંચ જ લોકો હતા. અહીં જ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની પરાકાષ્ઠા લખાઈ હતી.
સેના ગોળીબાર કરવાના પક્ષમાં ન હતી
સોમવારે સવારે શેખ હસીના સરકારે પોલીસ અને સૈન્યને સ્પષ્ટ કહ્યું હતું – ‘તમે જે કરી શકો તે કરો!’ ઇન્ટરનેટ બંધ, રસ્તા પર પોલીસ અને સેનાના જવાનોની નાકાબંધી અને શહેરના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હતા આંદોલનકારીઓને રોકવામાં કોઈ કસર છોડાઇ ન હતી. પરંતુ તેમ છતાં ભીડ સ્વીકારવા તૈયાર ન હતી. એવું લાગતું હતું કે જાણે શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે માથા પર કફન બાંધીને બહાર આવ્યા હોય. હસીના દરેક કિંમતે વિરોધને રોકવા માંગતી હતી, પરંતુ સેના ગોળીબાર કરવાના પક્ષમાં ન હતી. આર્મી ચીફે કહ્યું કે આ માટે નરસંહાર કરવો પડશે.
આ પણ વાંચો—–ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવભર્યો માહોલ, BSF હાઈ એલર્ટ પર
રૂમમાં માત્ર 6 લોકો જ હતા.
જો કે સોમવારે સવારે પીએમના નિવાસસ્થાન સુધીના રસ્તાઓ પર ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશમાં એક દિવસ પહેલા જ નરસંહાર થયો હતો. શેખ હસીના સામે ગુસ્સો ચરમસીમાએ હતો. અચાનક વહેલી સવારે આર્મી ચીફ, પોલીસ ચીફ, એરફોર્સ ચીફ અને નેવી ચીફ હસીનાના ઘરે પહોંચી ગયા. શેખ હસીનાએ તેમની બહેન શેખ રેહાનાની હાજરીમાં આ બધાને મળ્યા હતા. શેખ રેહાના લંડનમાં રહે છે અને થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશ આવી હતી. રૂમમાં માત્ર 6 લોકો જ હતા.
સેના પ્રમુખોએ પણ સમજાવ્યા
અહેવાલો મુજબ શેખ હસીના આ વિરોધને કચડી નાખવા પર અડગ હતા. પરંતુ સેના પ્રમુખોએ સ્પષ્ટ કર્યું કે આ અશક્ય છે. શહેરમાં આવનારા લોકોની સંખ્યા લાખોમાં હતી. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પીએમ આવાસની આસપાસના વિસ્તારની નજીક પહોંચી ગયા હતા. શેખ હસીનાને બચાવવા માટે રક્તપાત અને નરસંહાર કરવો પડશે. એટલા માટે સેના પ્રમુખોને ખાતરી નહોતી કે આ પછી પણ તેઓ આટલી મોટી ભીડને રોકી શકશે. આ રીતે સેના પ્રમુખોએ શેખ હસીનાની સામે હાથ ઊંચા કરી દીધા.
આ પણ વાંચો-––Ghaziabad : શેખ હસીનાના સેફ હાઉસનો રસ્તો કોઇ ભુલભુલામણીથી…
હસીનાએ કોની વાત સાંભળી?
જો કે શેખ હસીના સેના પ્રમુખોની સલાહ માનવા તૈયાર ન હતી. હસીના સેના પ્રમુખોની ચિંતાઓને પણ નજરઅંદાજ કરી રહી હતી. આવી સ્થિતિમાં શેખ હસીનાની બહેન રેહાનાએ તેમને એકલા સાથે વાત કરવા કહ્યું. રેહાના તેની બહેન શેખ હસીનાને એકલા અન્ય રુમમાં લઈ ગઈ. લગભગ 20 મિનિટ પછી જ્યારે તે એક રૂમમાંથી પાછી આવી ત્યારે શેખ હસીના મૌન હતી. પરંતુ તેમ છતાં તે અચકાતી હતી. આ પછી આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને વર્જીનિયામાં રહેતા શેખ હસીનાના પુત્ર સજીવ વાજેદને ફોન કર્યો અને તેમની માતાને સમજાવવા કહ્યું.
આર્મી ચીફે કોનો ફોન આપ્યો?
આ પછી આર્મી ચીફે ફોન શેખ હસીનાને આપ્યો. આ દરમિયાન તે અને અન્ય સૈન્ય અધિકારીઓ જોતા રહ્યા. હસીનાએ પોતાના પુત્રની વાત ચુપચાપ સાંભળી. પછી તેણે માથું હલાવ્યું. વાજેદે હસીના સાથેની વાતચીત વિશે જણાવ્યું. ‘તે ક્યાંય જવા માંગતી ન હતી, દેશ છોડવાતો બિલકુલ માનતી ન હતી. પરંતુ સૌ પ્રથમ અમે તેની સુરક્ષાને લઈને ચિંતિત હતા, તેથી અમે તેમને જવા માટે સમજાવી.’ તેમણે કહ્યું કે તેણે હસીનાને ફોન પર કહ્યું કે ટોળું તેમને મારી શકે છે. તેથી દેશ છોડી દો. પ્રદર્શનની ઉગ્રતા જોઈને સેના પ્રમુખ સમજી ગયા હતા કે શેખ હસીનાને દેશ છોડવા માટે એક કલાકથી પણ ઓછો સમય બાકી છે.
રાષ્ટ્રને સંબોધન કરવાનો મોકો પણ ના મળ્યો
આ પછી શેખ હસીના પાસે છેલ્લી વાર રાષ્ટ્રને સંબોધન કરવાનો પણ સમય નહોતો. ચારેબાજુ અરાજકતાના વાતાવરણમાં આ શક્ય ન હતું. કોઈક રીતે તેમને આર્મીના બખ્તરબંધ વાહનમાં બેસાડી સીધા હેલિપેડ પર લઈ જવામાં આવ્યા. આ પછી તે મિલિટરી એરક્રાફ્ટ દ્વારા સીધી દિલ્હીની બાજુમાં આવેલા હિંડન એરબેઝ પર પહોંચી હતી.
આ પણ વાંચો—–Bangladesh માં તખ્તાપલટની સ્ક્રિપ્ટ કોણે લખી..?