Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાણીને લઇને ઇરાન અને તાલિબાન વચ્ચે ભીષણ ગોળીબાર..

09:20 PM May 29, 2023 | Vipul Pandya
હેલમંડ નદીના પાણીના અધિકારને લઈને ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ વકર્યો છે. શનિવારે તાલિબાન અને ઈરાની સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર બાદ તણાવ વધી ગયો હતો. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ‘IRNA’એ દેશના નાયબ પોલીસ વડા જનરલ કાસિમ રેઝાઈને ટાંકીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે તાલિબાને શનિવારે સવારે ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંત અને અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંત વચ્ચેની સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા છે અને સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે.
તાલિબાને હેલમંડ નદીનો પ્રવાહ રોકવાનો પ્રયાસ કર્યો
 હેલમંડ નદીનું પાણી 1000 કિલોમીટરથી વધુ સુધી ફેલાયેલું છે. પાણીનો પ્રવાહ અફઘાનિસ્તાનથી ઈરાનના સૂકા પૂર્વીય વિસ્તારો તરફ છે. તેહરાન માટે આ ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે કાબુલે પ્રવાહને રોકવાનો પ્રયાસ કર્યો છે. કાબુલ તેના પાણીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા અને ખેતીની જમીનને સિંચાઈ માટે કરવા માંગે છે. બીજી તરફ ઈરાન છેલ્લા કેટલાક સમયથી પાણીની અછતની વધતી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઈરાન હવામાન સંસ્થા અનુસાર, 2021 સુધીમાં લગભગ 97 ટકા દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યો હતો. આ અંગે ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.
એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો
અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે ઈરાન પર પાણીના વિવાદને લઈને ગોળીબાર શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટાકોરે કહ્યું કે ગોળીબારમાં બે લોકો માર્યા ગયા, જેમાં એક અફઘાનિસ્તાનનો અને બીજો ઈરાનનો હતો. ટાકોરે જણાવ્યું કે ફાયરિંગમાં કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. ઈરાન સરકારે કહ્યું કે ફાયરિંગમાં કોઈ ઈરાની સુરક્ષાકર્મીને ઈજા થઈ નથી. જો કે, અખબાર તેહરાન ટાઈમ્સે જણાવ્યું કે ગોળીબારમાં 3 ઈરાની સરહદ રક્ષકો માર્યા ગયા.
ઈરાન તાલિબાન પ્રશાસનને માન્યતા આપતું નથી
આ મહિનાની શરૂઆતમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ તાલિબાનને ચેતવણી આપી હતી કે હેલમંડ નદી પર ઈરાનના પ્રાદેશિક જળસીમાનું ઉલ્લંઘન ન કરે. પાણી અંગે ઈરાનની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓ પર રાઇસીની ટિપ્પણી સૌથી તીક્ષ્ણ હતી. દરમિયાન, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ અફઘાનિસ્તાનમાં ઈરાની રાજદૂત સાથે મુલાકાત કરી હેલમંડ નદીના પાણીના અધિકારો અંગે ચર્ચા કરી. ઉલ્લેખનિય છે કે ઈરાને તાલિબાન પ્રશાસનને સત્તાવાર રીતે માન્યતા આપી નથી.