Crime Rate : ગુનાખોરીમાં ઘટાડો થયો છે તેવા આત્મવિશ્વાસથી ગુજરાત રાજ્યના અનેક IPS અધિકારીઓ દાવા કરી રહ્યાં છે. કોઈ શરીર સંબંધી ગુનાઓની વાત કરે છે, તો કોઈ મિલકત સંબંધી ગુનાઓ ઘટ્યા હોવાના દાવા રજૂ કરે છે. એ તો ઠીક, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay DGP) પણ ગુનાખોરી ઘટી હોવાની દાવાઓને સમર્થન આપી રહ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ મલિકે (G S Malik) પણ શહેરમાં ગુનાખોરી ઘટી તેમજ કાબૂમાં હોવાનો દાવો કરી નાંખ્યો છે. ક્રાઈમના સૌથી મોટા રાક્ષસ એવા Cyber Crime ની ગુનાખોરી મામલે વાસ્તવિકતા છુપાવવા Gujarat Police નું આખું તંત્ર કામે લાગેલું છે. પોલીસ ચોપડે કેવી રીતે ઘટે છે ગુનાખોરીના આંકડા. વાંચો આ અહેવાલ…
DGP સહાયે બબ્બે સ્થળે કર્યો દાવો
ગત 21 ઑગસ્ટના રોજ અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી ખાતે DGP Vikas Sahay એ ક્રાઈમ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. ગુજરાત પોલીસની નવ રેન્જના IG અને DIG અને કાયદો અને વ્યવસ્થાના ડીજી શમશેરસિંઘ (Dr. Shamsher Singh) તેમજ DIG દિપક મેઘાણી (Dipak Meghani) હાજર રહ્યાં હતાં. ક્રાઈમ કૉન્ફરન્સ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રથમ વખત વિકાસ સહાયે કેટલાંક ક્રાઈમમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો હતો. ગત સપ્ટેમ્બર મહિનાના અંતમાં વડોદરા શહેર (Vadodara City) ખાતે યોજાયેલી ક્રાઈમ કૉન્ફરન્સ (Crime Conference) માં પણ હત્યા, હત્યાની કોશિષ સહિતના શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ, મહિલા-બાળકોના લગતાં ગુના તેમજ ધાડ-લૂંટના ગુનામાં ઘટાડાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: ‘શહેરમાં સબ સલામત, ગુનાઓમાં જંગી ઘટાડો થયો’ Ahmedabad Police Commissioner જીએસ મલિકે કર્યો દાવો
CP મલિકે પણ ગુનાખોરી ઘટ્યાનો કર્યો દાવો
ખુલ્લેઆમ તલવારો સાથે લુખ્ખા તત્વોનો આતંક, નવરાત્રીમાંં ખાનગી ફાયરિંગ સહિતની ઘટનાઓ વચ્ચે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે (Gyanender Singh Malik) ગુનાખોરી કાબૂમાં હોવાનો દાવો કર્યો છે. Ahmedabad CP એ સોમવારે પત્રકારો સમક્ષ Crime Rate માં ઘટાડાનો દાવો કર્યો છે. ખૂન અને ખૂનની કોશિષ, તમામ પ્રકારની ચોરીઓ, લૂંટ અને રાયોટિંગના ગુનાઓમાં ઘટાડો થયો હોવાના આંકડા જાહેર કર્યા હતા.
ક્રાઈમ રેટ ઘટાડવા અરજી સહિતના નુસ્ખાઓ
ભોગ બનનાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવા જાય ત્યારે પોલીસ ફરિયાદ લેવાનું ટાળે છે. ભોગ બનનાર મક્કમ હોય તો તેની અરજી લઈને તેને ધક્કા ખવડાવાના શરૂ કરે છે. કામ ધંધો – નોકરી છોડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાનારો વ્યક્તિ આખરે ફરિયાદ નોંધાવવાનું ટાળી દે છે. મારામારીના ઝગડાઓમાં પોલીસ ભોગ બનનારને સામવાળો પણ ફરિયાદ આપે છે તેમ કહીને ડરાવે છે. કેટલાંક કિસ્સાઓમાં અરજી લઈને પિલ્લુંવાળી દે છે તો કેટલાંકમાં NC નોંધીને ક્રાઈમ રેટ ઘટાડવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ક્રાઈમ રેટ (Crime Rate) ઘટાડા પાછળ કેટલાંક કિસ્સાઓમાં બર્કિંગ (ફરિયાદ નહીં નોંધી ગુનાના આંકડા ઘટાડવા) મહત્વનો ભાગ ભજવે છે.
આ પણ વાંચો: ચોરી કરવા ચોર Police ને આપે છે હપ્તા, ઝડપાયેલા ચોરની કબૂલાત
વાહન ચોરીમાં મોટાભાગે પોલીસ અરજી લે છે
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) તાજેતરમાં બિનવારસી વાહનો શોધવાની શહેરભરમાં ડ્રાઈવ શરૂ કરી હતી. આ ઝુંબેશમાં 500 ટુ વ્હીલર મળી આવ્યા છે. મહત્વની વાત એ છે કે, 150 વાહનોની ખરાઈ કરતા તેમાંથી માત્ર 19 વાહનો ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. 52 વાહનોના મામલામાં 5 કિસ્સાઓમાં E FIR થઈ છે. જ્યારે 47 વાહન ચોરીના કિસ્સાઓમાં પોલીસે માત્ર અરજી જ લીધી છે.
સાયબર ક્રાઈમના આંકડા છુપાવવા પ્રયાસ
ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાના દાવા કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કૂદકેને ભૂસકે વધી રહેલાં સાયબર ક્રાઈમ (Cyber Crime) ની વાત આવતા મૌનધારણ કરી લે છે. સાયબર ક્રાઈમનો ભોગ બનતા નાગરિકો પૈકી કદાચ વધુમાં 5-10 ટકા લોકોની ફરિયાદ પોલીસ નોંધે છે. મોટાભાગના ભોગ બનનારા પાસેથી માત્ર અરજી સ્વીકારવામાં આવે છે. ગુનાનો ભેદ ઉકેલાઈ જાય તો તે અરજીને ફરિયાદમાં ફેરવી દેવાય છે. અત્રે નોંધનીય છે કે, સાયબર ક્રાઈમનો ભોગ બનનારા નાગરિકોએ ગુમાવેલી કરોડો રૂપિયાની રકમ સામે કેટલી રકમ પરત મળી તેનો સ્પષ્ટ આંકડો આજદિન સુધી એકપણ IPS અધિકારીએ જાહેર કર્યો નથી.
ભૂતકાળમાં પણ થયા છે આવા દાવા
અમદાવાદ શહેરના તત્કાલિન પોલીસ કમિશનર શિવાનંદ ઝા (Shivanand Jha) એ વર્ષ 2015-16માં આવો જ દાવો કર્યો હતો. ગુનાખોરીની આંકડા ઘટ્યા હોવાના દાવા કરવાની શરૂઆત ત્રણ દસકા અગાઉ લગભગ કુલદીપ શર્મા (Kuldeep Sharam) એ કરી હતી. ગુજરાત સરકાર (Gujarat Government) સમક્ષ પોતે કાર્યક્ષમ હોવાનું બતાવવા IPS અધિકારીઓ આવા દાવાઓ કરે છે.