Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VAYUSHAKTI2024: રાફેલની રફ્તારથી કાંપ્યા દુશ્મનો!, વાયુસેનાનો નભથી વજ્ર સમાન ‘હુંકાર’

04:43 PM Feb 15, 2024 | VIJAYKUMAR DESAI

VAYUSHAKTI2024:ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સરહદ નજીક જેસલમેરના ચંદન એરફોર્સ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે એર પાવર દાવપેચનું સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ કર્યુ હતું. દિવસ અને રાત્રિ દરમિયાન 121 એરક્રાફ્ટ વાયુશક્તિ-2024 (VAYUSHAKTI2024) યુદ્ધાભ્યાસમાં સામેલ હતા. વાયુવીરોએ તેમની કુશળતા બતાવી હતી. વાયુશક્તિ કવાયત ભારતીય વાયુસેનાની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું ઉત્તેજક પ્રદર્શન છે. આ કવાયતમાં ભારતીય સેના સાથે સંયુક્ત ઓપરેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. રાફેલ, સુખોઈ-20MKI અને પ્રચંડ જેવા લડાકૂ વિમાન આ કવાયતમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દેશના યોદ્ધાઓએ ધ્રુવ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને દુશ્મનના ઠેકાણાંને નિશાન બનાવવા અને તેમના પાયાને નષ્ટ કરવા અંગે પ્રેક્ટિસ કરી હતી.

14 ફેબ્રુઆરીએ ફુલ ડ્રેસ રિહર્સલ

એર પાવર કવાયત વાયુશક્તિ-2024માં 14 ફેબ્રુઆરીએ ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાયુસેના ઉપપ્રમુખ એર માર્શલ એ.પી.સિંહ ઉપસ્થિત રહ્યાં હતા. કવાયત દરમિયાન ફાયરિંગ રેન્જમાં બોમ્બ, શેલ અને મિસાઈલોના વિસ્ફોટોના પડઘાએ પાડોશી દેશોમાં બેઠેલા નાપાક ઈરાદાઓ ધરાવતા લોકોની કરોડરજ્જુને કંપારી આપી હતી. દર ત્રણ વર્ષે યોજાતી આ કવાયતમાં આ વખતે 77 ફાઈટર જેટ, 41 હેલિકોપ્ટર, 5 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને લગભગ 15 હજાર એરમેન સહિત કુલ 121 એરક્રાફ્ટે ભાગ લીધો હતો.

રાજસ્થાનના રણમાં વાયુશક્તિના પરાક્રમનું અદભુત રૂપ

પરાક્રમો વિજયતે..એટલે કે પરાક્રમીનો જ વિજય થાય છે. હિન્દુસ્તાનને સુરક્ષિત રાખવાનું સૌથી મોટું હથિયાર છે હિન્દના વીરોનું પરાક્રમ. વાયુશક્તિ યુદ્ધાભ્યાસ મારફતે રાજસ્થાનના રણમાં વાયુશક્તિના પરાક્રમનું અદભુત રૂપ જોવા મળ્યું. દુશ્મનના દરેક પડકારને જડબાતોડ જવાબ આપવા માટે સરહદની નજીક મરૂભૂમિના આસમાનમાં આપણા જાંબાઝોએ ખૂબ જ મહત્વનો યુદ્ધાભ્યાસ કર્યો. વોર એક્સરસાઈઝમાં ફાઈટર જેટ, હેલિકોપ્ટર, મિસાઈલની તાકાત અને મારક ક્ષમતા જોવા મળી. વાયુસેનાના યૌદ્ધાઓ જમીનથી લઈને આસમાન સુધી તેમના શૌર્યનું પ્રદર્શન કર્યુ. રાજસ્થાનના આસમાનથી નીકળેલી આ હુંકારની ગૂંજ સમગ્ર દુનિયાએ સાંભળી.

ફાઈટર જેટનો 3 કિલોમીટરની જમીન પર જબરદસ્ત બોમ્બમારો

લડવૈયાઓએ જેસલમેર પાસે પોખરણ રેન્જમાં તેમના યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યુ. વાયુશક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન અંદાજે સવા 2 કલાક સુધી આ ફાઈટર જેટે 3 કિલોમીટરની જમીન પર જબરદસ્ત બોમ્બમારો કર્યો. આ અભ્યાસ હેઠળ 40થી 50 ટન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનેક કિલોમીટર દૂર દુશ્મનના છૂપાયેલા ટાર્ગેટને ધ્વસ્ત કરવાનો અભ્યાસ કર્યો હતો. લાંબી અંતરની લડાઈમાં અનેકવાર લડાકૂ વિમાનોને અનેક એરબેઝ સાથે તાલમેલ ગોઠવવો પડે છે. વાયુશક્તિ યુદ્ધાભ્યાસમાં તેનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.

સમર અને આકાશની અચૂક મારક ક્ષમતા

વાયુશક્તિ યુદ્ધાભ્યાસમાં ત્રણ પ્રકારની સરફેસ-ટુ-એર મિસાઈલ, 12 યુએવી, પ્રિસિઝન અને નોન-પ્રિસિઝન એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલ, ગાઈડેડ એર-ટુ-એર મિસાઈલ અને ગાઈડેડ સરફેસ-ટુ-એર મિસાઈલ પ્રદર્શિત કરવામાં આવી હતી. સ્વદેશી આકાશ અને સમર મિસાઈલ વડે નિર્ધારિત લક્ષ્યને પાર પાડવામાં આવ્યું હતું. વાયુશક્તિ 2024 કવાયતમાં, ભારતના હળવા લડાયક વિમાન તેજસથી MICA અને R-73 મિસાઇલો છોડવામાં આવી હતી. તેની ચોકસાઈ અને ઘાતકતા દર્શાવવામાં આવી હતી. R-73 એ જ મિસાઈલ છે જેની મદદથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાની F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.

આ પણ વાંચો—-ભારતીય વાયુસેના જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ-2024 કવાયત હાથ ધરાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ