ખેડા જિલ્લા (Kheda District) ના નડિયાદના બિલોદરા ગામે બનેલા ઝેરી સિરપકાંડને ઠારવા તંત્ર કામે લાગ્યું તેની વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. નવા બિલોદરામાં રહેતા એક યુવકે ઝેરી સિરપ (Intoxicating Syrup) ની એક નહીં બબ્બે બોટલ ગટગટાવી લેતા પોલીસ ફરી દોડતી થઈ ગઈ છે. યુવકની તબિયત લથડતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં ખસેડાયો છે. આજે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સાકરભાઈ સોઢાનું મોત થતાં ઝેરી સિરપકાંડનો મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ખેડા જિલ્લામાં પોલીસ, નશાબંધી અને આબકારી વિભાગ (Prohibition and Excise Department) તેમજ ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ (Department of Food and Drugs) છેલ્લાં છએક દિવસથી તપાસનો ધમધમાટ ચલાવી રહ્યાં છે.
પોલીસનો લૂલો બચાવ : ઝેરી સિરપકાંડ બાદ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન (Nadiad Rural Police Station) માં FIR દાખલ કરી દઈ પોલીસે યોગેશ ઉર્ફે યોગી સિંધી સહિત 3 આરોપીને પકડી તપાસ વેગવાન બનાવી હતી. શરૂઆતના તબક્કે જ ખેડા પોલીસે (Kheda Police) જાહેરાત કરી હતી કે, યોગેશના સાથી આરોપી કિશોર સોઢા (Kishor Sodha) એ ઝેરી સિરપનો નિકાલ કરી પૂરાવાનો નાશ કરી દીધો છે. કિશોર સોઢાએ શેઢી નદી (Shedhi River) માં ઝેરી સિરપની બોટલોનો નાશ કર્યો છે. આ માહિતી બાદ પોલીસે નાશ કરાયેલી બોટલ શોધવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તે તો અધિકારીઓ જ જાણે. પાંચ દિવસ બાદ નવા બિલોદરાના હેમંત ચૌહાણે શેઢી નદીના કાંઠેથી મળેલી સિરપની બબ્બે બોટલો ગટગટાવી જતાં તેની તબિયત લથડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. તાજેતરની ઘટના પોલીસ અને અન્ય એજન્સીઓની કામગીરી પર શંકા ઉભી કરે છે. આપઘાત કરવા યુવકે નદી કાંઠેથી બોટલો શોધી : હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર હેમંત ચૌહાણ ઘરકંકાસથી કંટાળી ગયો હતો. આપઘાત કરવાના ઇરાદે હેમંત ચૌહાણ શેઢી નદીના કાંઠે ગયો અને ઝેરી સિરપની બે બોટલ મળી હતી. હેમંતે ઝેરી સિરપની બંને બોટલ પી લીધા બાદ મામલો સામે આવતા પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. આ ઘટના જો, સાચી હોય તો પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થાય છે. હેમંતની ઘટના બાદ પોલીસને રાત્રિના સમયે શેઢી નદીના કાંઠે દોડી જવું પડ્યું હતું અને મોબાઈલ બેટરી ટોર્ચ અને કાર હેડ લાઈટની મદદથી નદીના પટ તેમજ પાણીમાં રહેલી બોટલો શોધી હતી. આશ્ચર્યની વાત છે કે, પોલીસને એકપણ બોટલમાંથી પ્રવાહી મળી આવ્યું નથી.
આ પણ વાંચો –ઝેરી સિરપકાંડ : નશાબંધી વિભાગના ભ્રષ્ટાચારના પાપે 6 લોકો મોતને ભેટ્યા ?