Ek Duuje Ke Liye’ એક એવી હિન્દી ફિલ્મ હતી કે જે શરૂઆતમાં સુપર ફ્લોપ હતી પણ પછીથી તે સુપરહિટ થઈ. બોક્સ ઓફિસ પર ટંકશાળ પડી.
તમિલભાષી- હિન્દીભાષી છોકરાં-છોકરીના રોમાન્સનો વિષય જોખમી
સાઉથના દિગ્ગજ નિર્માતા પ્રસાદજીને વિતરકોએ ફિલ્મ એક Ek Duuje Ke Liye-દુજે કે લિયે જોઇને કહ્યું કે આનો તો ધબડકો વળશે. આ ફિલ્મને કોઈ હાથ નહીં અડાડે. એક તો તમિલભાષી- હિન્દીભાષી છોકરાં-છોકરીના રોમાન્સનો વિષય જોખમી હતો અને ન તો કમલ હસનને હિન્દી દર્શકો જાણતા હતા કે ન તો પંજાબી છોકરી રતિ અગ્નિહોત્રી પણ ઓછી જાણીતી હતી
તમિલ સુપરસ્ટાર કમલ હાસનની સિનેમાઈ કારકિર્દી પર `કમલ હાસન: અ સિનેમેટિક જર્ની’ નામનું એક નવું અને રસપ્રદ પુસ્તક પ્રકટ થયું છે. કે. હરિહરન નામના લેખકે તેમાં કમલ હાસનની બાળપણની ભૂમિકાઓથી લઈને બ્લોકબસ્ટર ફિલ્મો સુધીની તેમની અભિનયયાત્રાએ કેવી રીતે તમિલ અને અન્ય ભાષી સિનેમાની પ્રગતિમાં યોગદાન આપ્યું છે તેનું ગહન વિવરણ આપ્યું છે.
1981ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ
હિન્દી સિનેમાના દર્શકો કમલને તેમની પહેલી ફિલ્મ ‘એક દુજે કે લિયે’થી ઓળખે છે. આ ફિલ્મ 1981ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તેણે તે વર્ષે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી રાતોરાત હિન્દી ફિલ્મચાહકોમાં લોકપ્રિય થઇ ગયાં હતાં.
ફિલ્મને શ્રેષ્ઠ ગીતકાર (આનંદ બક્ષી), શ્રેષ્ઠ પટકથા (કે. બાલાચંદર) અને શ્રેષ્ઠ એડિટિંગ (એન. આર. કીત્તુ)નો ફિલ્મફેર અને એસ. પી. બાલાસુબ્રમણ્યમને (તેરે મેરે બીચ મેં…ગીત માટે) શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ
Ek Duuje Ke Liye આજે પણ હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મ આમ તો એક સાદી પ્રેમકહાની હતી, પરંતુ નિર્દેશક કે. બાલાચંદરે તેમાં શેક્સપિયરિય નાટક રોમિયો એન્ડ જુલિયેટની ટ્રેજેડી અને ઉત્તર ભારત- દક્ષિણ ભારતના ભાષાકીય વિભાજન અને વિવાદને ઉમેરીને ફિલ્મને તમામ લોકો જુએ તેવું સ્વરૂપ પ્રદાન કર્યું હતું.
ફિલ્મનો ટ્રેજિક ક્લાઇમેક્સ એટલો અસરકારક હતો કે 80ના દાયકામાં ઘણાં પ્રેમીયુગલોએ આ ફિલ્મ જોઇને આત્મહત્યાઓ કરી હતી.
Ek Duuje Ke Liye ફિલ્મને કોઈ વિતરક હાથ અડાડવા તૈયાર નહોતા
`એક દુજે કે લિયે’ હિન્દીમાં તૈયાર થઇ ગઈ પછી કોઈ વિતરક હાથ અડાડવા તૈયાર નહોતા. તેમને લાગતું હતું કે આ ફિલ્મ તમિલ અને હિન્દી ભાષાના સ્ફોટક ઝઘડા પર છે અને હિન્દી દર્શકો તેને જોવા માટે નહીં આવે. પછી કેવી રીતે ફિલ્મના નિર્માતા એલ. વી. પ્રસાદે ધક્કા ખાઈને, વિનંતીઓ કરીને ફિલ્મ રિલીઝ કરાવી અને કેવી રીતે તે માલામાલ થઇ ગયા તે જાણવું મજા પડે તેવું છે.
એક દુજે કી લિયે 1978માં આવેલી કે. બાલાચંદરની જ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક હતી. મૂળ ફિલ્મમાં કમલ હાસન, સરિતા અને માધવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં તમિલ છોકરા અને તેલુગુ છોકરીના રોમાન્સની વાર્તા હતી. ફિલ્મ દક્ષિણમાં જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.
પ્રસાદ–તમિલ, તેલુગુ. મલયાલમ અને હિન્દી ફિલ્મ નિર્માણમાં જેમનું નામ બહુ મોટું
તમિલ, તેલુગુ. મલયાલમ અને હિન્દી ફિલ્મ નિર્માણમાં જેમનું નામ બહુ મોટું છે તેવા એલ.વી. પ્રસાદે આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માટે પૈસા રોક્યા હતા. પ્રસાદજીને વિશ્વાસ હતો કે હિન્દી દર્શકો આ ફિલ્મ પસંદ કરશે, તેમણે ચાર મહિનામાં ફિલ્મ તૈયાર કરાવી હતી.
ફિલ્મનું ટેક્નિકલ કામ મદ્રાસમાં થયું હતું અને તેની તૈયાર પ્રિન્ટ મુંબઈ આવી એટલે પ્રસાદજીએ તેમના ઓળખીતા વિતરકો માટે એક શૉ યોજ્યો. વિતરકોનું કામ નિર્માતા પાસેથી ફિલ્મ ખરીદીને તેને અલગ અલગ શહેરોમાં રિલીઝ કરવાનું હોય છે. એટલે વિતરકોની અનુભવી આંખને સૌથી પહેલાં ખબર પડે કે કોઈ ફિલ્મ ચાલશે કે નહીં ચાલે.
પ્રસાદજીના જાણીતા વિતરકોએ ‘ફિલ્મ એક દુજે કે લિયે’ જોઈને કહ્યું કે આનો તો ધબડકો વળશે. આ ફિલ્મને કોઈ હાથ નહીં અડાડે. એક તો તમિલભાષી- હિન્દીભાષી છોકરા-છોકરીના રોમાન્સનો વિષય જોખમી હતો અને ન તો કમલ હાસનને હિન્દી દર્શકો જાણતા હતા કે ન તો પંજાબી છોકરી રતિ અગ્નિહોત્રી જાણીતી હતી. પ્રસાદને એવું લાગતું નહોતું. તેમણે કમલ હાસનને મુંબઈ બોલાવ્યો અને કહ્યું કે ફિલ્મને પ્રમોટ કરવા માટે તારે મુંબઈના ફિલ્મજગત સાથે પરિચય કેળવવો પડશે.
કમલને એક નાનકડી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તે સાંજે તે પ્રસાદજીની એક સીધીસાદી ઓફિસમાં ગયો. તેમની ઓફિસમાં નોકર પણ ન હતો. ચા-પાણી પીધાં પછી, પ્રસાદજીએ એક ખૂણામાં ‘એક દુજે કે લિયે’ની 14 રીલ્સનું બોક્સ બતાવીને કમલને કહ્યું કે તારે મને મદદ કરવી પડશે, મને તું આ ઊંચકીને લિફ્ટ સુધી મૂકી આપ. બુઝુર્ગ અને ગુરુસમાન પ્રસાદજીને મદદ કરવા માટે કમલે 30 કિલોનું બોક્સ ત્રીજા માળેથી લિફ્ટ મારફતે નીચે લાવીને એમ્બેસેડર કારમાં મૂકી આપ્યું.
વિતરકો માટે ખાસ પ્રિવ્યૂ
પ્રસાદજીએ દિલ્હીના એક વિતરક માટે ફિલ્મનો શૉ યોજ્યો હતો. તે અને કમલ પ્રિવ્યૂ થિયેટર પર આવ્યા. પ્રસાદજીએ વિતરકે કમલનો પરિચય કરાવ્યો અને ફિલ્મ ચાલુ થઇ પછી તે ઊઠીને બહાર ગયા અને કમલને કહેતાં ગયા કે ઇન્ટરવલમાં `શેઠ’ સૅન્ડવિચ- ચા લાવી આપજે. કમલના આશ્ચર્ય વચ્ચે ફિલ્મની પાંચમી રીલ પછી શેઠ ઊંઘી ગયા!
આવી રીતે ચાર-પાંચ વિતરકોને મનાવાના નિષ્ફળ પ્રયાસ પછી નિરાશ કમલ મદ્રાસ ચાલ્યો ગયો. બીજી બાજુ, પ્રસાદજીએ હિન્દી ફિલ્મોના દિગ્ગજ વિતરક ગુલશન રાયની મદદ માંગી અને કહ્યું કે તમારી કંપની એક વાર ફિલ્મ રિલીઝ કરે તો સારું.
ફિલ્મમાં પ્રેમીયુગલ આત્મહત્યા કરે છે તે જોઇને વિતરકો ઘા ખાઈ ગયા
એવું કહેવાય છે કે ફિલ્મમાં પ્રેમીયુગલ આત્મહત્યા કરે છે તે જોઇને વિતરકો ઘા ખાઈ ગયા હતા. હિન્દી ફિલ્મોનો અંત હંમેશાં ખાધું-પીધું ને મોજ કરવાનો હોય છે. નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે પણ પ્રસાદજીને ફિલ્મનો અંત બદલવા સલાહ આપી હતી. પ્રસાદજી એ માનવા તૈયાર નહોતા.
ગુલશન રાયને પણ એ જ વાંધો હતો. તેમણે કોઈ જ પબ્લિસિટી વગર ફિલ્મને એક જ થિયેટર, રોક્સીમાં રિલીઝ કરવા તૈયારી બતાવી. પ્રસાદજી પ્રતિભાવ જોવા માટે શનિ-રવિના દરેક શૉમાં દર્શકો વચ્ચે બેઠા હતા. તેમણે જોયું કે દર્શકો રડતાં રડતાં બહાર આવતા હતા.
લાગણીઓને કોઈ ભાષા નડતી નથી
પ્રસાદજીની એક શંકા દૂર થઈ ગઈ: ફીલિંગની કોઈ ભાષા નથી, હિન્દીભાષી દર્શકોને પણ આ ટ્રેજેડી એટલી જ સ્પર્શી હતી જેટલી તમિલ દર્શકોને સ્પર્શી હતી. તેમનામાં હિમ્મત આવી. તેમણે તેમના મદ્રાસમાં તેમના દીકરા રમેશ પ્રસાદને તાબડતોબ ફોન કર્યો અને કહ્યું કે હવે પછીના શુક્રવાર સુધીમાં બીજી 40 પ્રિન્ટ આખા દેશમાં મોકલે. એલ.વી. પ્રસાદ હવે જાતે જ ફિલ્મનું વિતરણ કરવાના હતા.
Ek Duuje Ke Liye-બીજી ચાલીસ પ્રિન્ટ મંગાવાઈ
તહેલકો મચી ગયો. જેણે આ ફિલ્મ જોઈ તેણે બીજા પાસે તેનાં મોંફાટ વખાણ કર્યાં. વખાણ તો બનતાં જ હતાં. એક તો તેની વાર્તા જકડી રાખે તેવી હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષીએ જબરદસ્ત ગીતો રચ્યાં હતાં. કમલ હાસનનો નિર્દોષ અભિનય અને તેની અનોખી ડાન્સ સ્ટાઈલ અને રતિ અગ્નિહોત્રીની તાજગી દર્શકો માટે નવો જ અનુભવ હતો.
મુંબઇમાં ગોલ્ડન જ્યુબિલી
ફિલ્મ સળંગ 50 સપ્તાહ સુધી ચાલી. મુંબઈના નોવેલ્ટી સિનેમામાં તેનું સેલિબ્રેશન હતું. કમલ તેમાં ભાગ લેવા ફરી મુંબઈ આવ્યો હતો. તે હવે સુપરસ્ટાર હતો. પ્રસાદજી સહજ રીતે જ કમલને નોવેલ્ટી સિનેમાની લોબીમાં કહ્યું હતું, `ફર્શ ચોખ્ખી અને ચમચમાટ છે, નહીં?’
કમલને આશ્ચર્ય થયું, `હા, છેને, પણ એમાં ખાસ શું છે?’
પ્રસાદજીએ કહ્યું, `હું તારી જેમ 26 વર્ષનો હતો, ત્યારે અહીં નોકરી કરતો હતો અને રોજ ફર્શ વાળતો હતો. મને આનંદ છે કે હજુ પણ એ જ પરંપરા ચાલુ છે.’
થોડાં વર્ષો પછી, કમલ ચેન્નાઈમાં પ્રસાદ સ્ટુડિયોમાં એલ.વી. પ્રસાદને મળવા ગયો હતો. ત્યાં તેમણે 70 એમએમનો રેકોર્ડિંગ અને મિક્સિંગ તોતિંગ સ્ટુડિયો બાંધ્યો હતો.
એશિયામાં એ પ્રકારનો તે પહેલો સ્ટુડિયો હતો. પ્રસાદજી સ્ટુડિયો બતાવતાં કમલને કહ્યું હતું, “તું આ મોટો સ્ટુડિયો જુએ છે એ તારા અને બીજા લોકોના પ્રતાપે છે જેમણે એક દુજે કે લિયેમાં કામ કર્યું હતું. ફિલ્મજગતને તો સફળ ફિલ્મ આપવાની મારી ક્ષમતામાં વિશ્વાસ નહોતો, પણ એ ફિલ્મની તમામ કમાણી મેં આ સ્ટુડિયો પાછળ ખર્ચી નાખીને તેમના માટે જ એક નવી સુવિધા ઊભી કરી છે”
આ પણ વાંચો- Aaj Ki Raat Song: STREE-2 નું પ્રથમ સોંગ થયું રિલીઝ, ‘આજની રાત’ માં તમન્નાએ લગાવી આગ