+

હકીકતને જીવવાની કળા તમને આવડે છે?

થોડાં દિવસો પહેલાં જાણીતા કલાકાર રસિક દવેનું અવસાન થયું. એમના અવસાનના ત્રીજા દિવસે તેમના પત્ની કેતકી દવેએ પર્ફોર્મ કર્યું. સ્ટેજ ઉપર તેમણે જરાય વર્તાવા ન દીધું કે, તેઓ કપરાં સમયને ફેસ કરી રહ્યાં છે. ઓડિયન્સે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને બિરદાવ્યાં. આપણને પણ વિચાર આવી જાય કે, ખરેખર આ રીતે જીવી શકાય? આ રીતે અભિનય કરી શકાય?  જરા જુદી રીતે વિચારીએ તો દરેક વ્યક્તિ પોતાનો રોલ જ નિભાવતો à
થોડાં દિવસો પહેલાં જાણીતા કલાકાર રસિક દવેનું અવસાન થયું. એમના અવસાનના ત્રીજા દિવસે તેમના પત્ની કેતકી દવેએ પર્ફોર્મ કર્યું. સ્ટેજ ઉપર તેમણે જરાય વર્તાવા ન દીધું કે, તેઓ કપરાં સમયને ફેસ કરી રહ્યાં છે. ઓડિયન્સે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને બિરદાવ્યાં. આપણને પણ વિચાર આવી જાય કે, ખરેખર આ રીતે જીવી શકાય? આ રીતે અભિનય કરી શકાય?  
જરા જુદી રીતે વિચારીએ તો દરેક વ્યક્તિ પોતાનો રોલ જ નિભાવતો હોય છે. સ્ટેજ ઉપર સ્ક્રીપ્ટેડ રોલ હોય છે. જિંદગીમાં સરપ્રાઈઝ સ્વરુપે રોલ નિભાવતા હોઈએ છીએ. સમસ્યા એ છે કે, આપણે પીડાના સમયને સ્ટ્રેચ વધુ કરતાં રહીએ છીએ. એક ઘટના બની ગયા પછી એ સમયમાં રહેવાની અને વાગોળવાની આપણને આદત હોય છે. હા, પોતાની વ્યક્તિની વિદાય થાય ત્યારે પરિસ્થિતિ થોડી અઘરી લાગે. પરંતુ, જે વ્યક્તિ ચાલી ગઈ છે એની યાદમાં તમે તમારો વર્તમાન બરબાદ કરી દો એ પણ યોગ્ય તો નથી જ.  
કેતકી દવેના સ્ટેજ પર્ફોમન્સ પરથી થોડાં સમય પહેલાં જ બનેલા બે બનાવો યાદ આવી ગયા. એક મિત્રએ આપઘાત કરીને પોતાનો જીવ આપી દીધો. એ ડિપ્રેશનમાં હતો. ઘણી સારવાર કરાવી પણ કારગત ન નીવડી. પત્ની અને ટીન એજ દીકરીને મૂકીને એ ચાલ્યો ગયો. એકાદ દિવસ બાદ એ મિત્રપત્નીને ફોન કર્યો. તો એણે કહ્યું કે, જોબ પર આવી છું. ઘરે જઈને વાત કરું.  
બીજી એક બહેનપણીની વાત છે. વ્યવસાયે એ ડોક્ટર છે. એના પતિ એક વર્ષ જેટલા સમયથી બીમાર હતા. બ્રેન સ્ટ્રોક આવ્યો અને પછી એ કદીય બેઠાં જ ન થઈ શક્યા. સારવારમાં રુપિયા ખર્ચવામાં આ બહેનપણીએ કંઈ બાકી ન રાખ્યું. આ બહેનપણી પણ થોડાં જ દિવસોમાં પોતાના ક્લિનિક પર જવા માંડી હતી. આ બંનેને મળી ત્યારે એક વાત ધ્યાને આવી કે, પીડામાં પડી રહેવાને બદલે આ બંને સ્ત્રીઓ હકીકત સ્વીકારીને કર્મ કરવા લાગી.  
આ પ્રકારના વર્તનને કે રુટીનમાં પરોવાઈ જવાની વાતને બધાં લોકો પોતપોતાની દ્રષ્ટિએ અને સમજ પ્રમાણે જોતાં હોય છે. સમાજ શું કહેશે એ વાતની પરવા કરવા કરતા વર્તમાન શું કહે છે એ સમજવું વધુ જરુરી હોય છે. કામે જતાં રહેવાથી કે બીજી કોઈ પ્રવૃત્તિમાં જીવ પરોવી દેવાથી સ્વજનના અવસાનનું દુઃખ ઓછું થાય છે એવું સાબિત નથી થઈ જતું. કે સોગમાં બેઠાં રહેવાથી સ્વજન માટે તમને વધુ પ્રેમ છે એ પણ નથી પ્રૂવ થતું. પોતાની વ્યક્તિના જવાના દુઃખને કેવી રીતે જીવવું એનો અધિકાર પણ આપણને હોવો જોઈએ. આપણી લાગણી આપણે કેવી રીતે વ્યક્ત કરવી કે થવા દેવી એની જો સમજ હોય તો પછી સમાજની બહુ ચિંતા કરવાનો મતલબ રહેતો નથી હોતો.  
કલાકારો અને સેલિબ્રિટીઝ પોતાના સ્વજનના ગયા પછી એક્ટિંગ કરી શકે, પોતાની રીતે જીવી શકે એવું આપણે માનતા હોઈએ છીએ. પોતાની વ્યક્તિ ગુમાવ્યાનું દુઃખ એમને પણ થતું જ હોય. કલાકાર પણ માણસ છે આખરે. ફરક એટલો જ હોય છે કે, કલાકારોને થોડી એક્ટિંગ કરતા આવડતી હોય છે. સાથોસાથ પોતાનું કર્મ શું છે એની કલાકારોમાં ભારોભાર સમજ હોવી સહજ છે. સામાન્ય માનવી માટે કદાચ વ્યક્તિને ગુમાવવાનું દુઃખ પચાવવાની એટલી શક્તિ નથી હોતી. વળી, સામાન્ય માણસ માટે સમાજ શું કહેશે એનો ડર વધુ હાવી હોય છે. એટલે જ એ ચાહવા છતાં બધું ભૂલીને રુટિન જીવી નથી શકતો.  
હકીકત એ છે કે, કલાકાર હોય કે સામાન્ય માણસ સ્વજનની વિદાયનું દુઃખ રહેવાનું છે. એ દુઃખ જિંદગીભર રહેવાનું છે. સમય જતાં જતાં તમે રુટિન પ્રમાણે જિંદગી જીવવા માંડો. દરેક વ્યક્તિની દુઃખ સહન કરવાની પ્રકૃતિ અને સમજ અલગ અલગ હોય છે. તેમ છતાં એક વાત તો સ્વીકારવી પડે કે, દુઃખ હોય ત્યારે પણ બને એટલું વર્તમાનને સ્વીકારીને જીવવામાં જ સમજદારી છે. પછી તમે કલાકાર હોય કે સામન્ય માણસ…  
jyotiu@gmail.com
Whatsapp share
facebook twitter