Hindu Dharma નો પાયો નૈતિકતા,સદાચાર અને જીવદયા છે. એટલે તો એ સનાતન છે. હિન્દુ ધર્મ કોણે સ્થાપ્યો એ વાત જ અસ્થાને છે. પૃથ્વીની ઉત્પત્તિ સાથે જે નાદ ઉત્પન્ન થયો તે ‘ૐ’ કાર જ સનાતન ધર્મની ઉત્પત્તિ.
18 મી સદીમાં ભારત પર અંગ્રેજ શાસન રહ્યું. 18મી અને 19મી સદીનો દાયકો યુરોપિયન લેખકોનો સુવર્ણયુગ હતો. એ યુગમાં, તેમની કલમે પોતાના પ્રાંત સિવાયના કોઈ એક પ્રાંત પર સૌથી વધુ લખાયું હોય તો તે હિન્દુસ્તાન વિશે લખાયું છે.
કેટલાક લોકોને હિન્દુસ્તાન કે હિન્દુ પ્રજા પર પુસ્તકો લખીને પોતાની વાહ વાહ કરાવવાનો પણ એક ચસકો હતો. એમાંના એક નવયુવાન બ્રિટિશ લેખક હતા જેમ્સ મિલ.
સન 1818માં અંગ્રેજ પ્રજાને હિન્દુઓનો પરિચય આપવા માટે ‘History of British India’ ગ્રંથ જેમ્સ મિલે પ્રકાશિત કર્યો, તે સાથે કેટલાક વિરોધના સૂર ઊઠ્યા. કારણ એ હતું કે શ્રી મિલ સાહેબે આ પુસ્તકના છઠ્ઠા અને સાતમા પ્રકરણમાં હિન્દુ ધર્મ અને હિન્દુ પ્રજાની નિંદા કરી હતી. તેમાંયે ખાસ કરીને હિન્દુ પ્રજાની નૈતિકતા અને ચારિત્ર્ય પર ભારેખમ પ્રહારો કર્યા હતા. એટલે જ તેની સામે વિરોધનો એક સૂર જાગ્યો હતો.
કોણ હતા આ વિરોધ કરનાર લોકો ? હિન્દુ વિદ્વાનો ?-ના, ભારતમાં શાસન કરતા અંગ્રેજ અધિકારીઓ !
ત્રણસો વર્ષ સુધી ભારતમાં વેપાર અને શાસન કરનાર અંગ્રેજોનાં મન પર હિન્દુ પ્રજાનો કેવો પ્રભાવ છવાયો હતો ? તેની ગવાહી આ વિરોધના સૂરમાં પ્રગટ થતી હતી.
એવા વિરોધનો સૂર ઉઠાવનારાઓમાં એક હતા – વેન્સ કેનેડી.
વેન્સ કેનેડીએ હિન્દુઓની ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો
સન 1823માં ઇંગ્લૅન્ડથી પ્રકાશિત થયેલા ‘Transactions of the literary Society of Bombay’માં બ્રિટિશ અફસર મેજર વેન્સ કેનેડીનું સંશોધનપત્ર છપાયું છે.
મિલ સાહેબના હિન્દુઓ વિશેનાં વિધાનો પર કડકમાં કડક આલોચના કરીને મેજર વેન્સ કેનેડી હિન્દુઓની કેવી સરાહના કરે છે!
જેમ્સ મિલનાં વિધાનોને ઉખેડી નાંખવા માટે પ્રમાણો, દાખલા-દલીલો અને તર્કશુદ્ધ કડીઓ સાથે 58 પ્રિન્ટેડ પાનાં ભરીને જડબાતોડ જવાબ આપ્યો છે.
ઇંગ્લૅન્ડ કરતાં ભારતમાં ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું
કેનેડી લખે છે કે કોને પૂછીને જેમ્સ મિલે હિન્દુઓ*Hindu Dharma માટે આવું વિધાન કર્યું ? તેણે તો ક્યારેય હિન્દુસ્તાનમાં પગ પણ મૂક્યો નથી ! છતાં તેણે હિન્દુઓ વિશે લખવું જ હતું તો હિન્દુઓની વચ્ચે રહેલા એવા યુરોપિયનોને મળીને તેમની પાસેથી વિગતો લેવી જોઈતી હતી. .તમે શાના આધારે કહો છો કે હિન્દુઓમાં નૈતિકતા નથી ? ચારિત્ર્ય નથી ?”
“બ્રિટિશ શાસનમાં કોર્ટ-કચેરી કે થાણાંઓમાં નોંધાયેલા કિસ્સાઓ પરથી? એમ પૂછીને શ્રી કેનેડી પૂરતી આંકડાકીય માહિતી અને પૂરતાં પ્રમાણો આપીને કહે છે : ‘અંગ્રેજો પોતાને આ સમગ્ર જગતમાં પાકેલા તમામ મનુષ્યોમાં સૌથી વધુ પ્રામાણિક-નીતિવાન માનતા હોય તો ભલે માને, પરંતુ ઇંગ્લૅન્ડ કરતાં ભારતમાં ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું છે,. અને તે એમ દર્શાવે છે કે અંગ્રેજો કરતાં હિન્દુઓ વધુ નૈતિક-પ્રામાણિક છે !’
સ્વાનુભવ વર્ણવતાં કૅનેડી લખે છે : ‘ભારતમાં પૈસા અને દરેક પ્રકારની કીમતી વસ્તુઓ સતત એવી રીતે ખુલ્લામાં રહે છે કે જો ઇંગ્લૅન્ડમાં પૂરતી સંભાળ વિના એમ રાખવામાં આવે તો અત્યંત ચોક્કસપણે ચોરાઈ જ જાય !
હિન્દુઓ તેમના ધર્મ અને નૈતિકતાના એ સિદ્ધાંતોમાંથી સ્વયંભૂ પ્રેરણા મેળવે છે
જ્યારે ભારતના એ હિન્દુઓ, જેની વાર્ષિક આવક 8 થી 10 પાઉન્ડ્સ કરતાં વધુ નહીં જ હોય, એમના ભરોસે તમે સેંકડો કે હજારો પાઉન્ડનો દલ્લો નિશ્ચિંતપણે અને સૌથી વધુ સલામતીપૂર્વક છોડી શકો ! છેલ્લાં 70 વર્ષોમાં, ભારતમાં પોતાની સત્તા અને સંખ્યા વધારી રહેલા અંગ્રેજોને શું આ વિશ્વાસ તૂટે એવો એક પણ બનાવ બન્યાનો અનુભવ છે ?’
કૅનેડી હિન્દુઓની પ્રામાણિકતા માટે સવાલ ઉઠાવનાર પર તેઓ ફરીથી પ્રતિસવાલો કરે છે : ‘આમ, આ આંકડાઓ પરથી એમ ચોખ્ખું દેખાય છે કે ઇંગ્લૅન્ડ કરતાં માણસને ભારતમાં ગુનો આચરવાની તકો ખૂબ જ વિપુલ પ્રમાણમાં છે, આમ છતાં ઇંગ્લૅન્ડ કરતાં ભારતમાં ગુનાનું પ્રમાણ ખૂબ જ જૂજ છે ! એ શું એમ તારવવા માટે પૂરતું નથી કે હિન્દુઓ તેમના ધર્મ અને નૈતિકતાના એ સિદ્ધાંતોમાંથી સ્વયંભૂ પ્રેરણા મેળવે છે. જે તમામ દૃષ્ટિકોણથી પવિત્ર અને બિનઅપવાદરૂપ છે ?’
મુંબઈમાં જેમના નામ પરથી આજેય એલ્ફિન્સ્ટન કૉલેજ વિખ્યાત છે એ મુંબઈના તત્કાલીન ગવર્નર એલ્ફિન્સ્ટન પાસે પણ હિન્દુઓની પ્રામાણિકતા માટે સિલસિલાબદ્ધ વિગતો છે. પોતાના ‘History of India‘ ગ્રંથમાં પ્રમાણો સાથે હિન્દુઓ અને બ્રિટિશ પ્રજાની તુલના કરીને ગવર્નર એલ્ફિન્સ્ટન કહે છે, ‘આપણા ઇંગ્લૅન્ડનાં નગરોમાં જે બદીઓ છે, એટલી હદે નીતિભ્રષ્ટતા તો હિન્દુઓમાં કોઈ જ વર્ગમાં નથી.’
‘History of India‘ પુસ્તકમાં તેઓ આ વાક્ય સિદ્ધ કરવા માટે, બ્રિટિશ શાસન હેઠળના માત્ર એકલા બંગાળ પ્રાંત અને ઇંગ્લૅન્ડની પ્રમાણિત માહિતીઓ રજૂ કરે છે.
બંગાળની તે સમયની સ્થિતિ કેટલી કંગાળ હતી ! અને એવી કંગાલિયત વચ્ચે સ્થાનિક હિન્દુઓ કેટલા નીતિપૂર્ણ હતા? તેની વિગતો આપતાં ગવર્નર એલ્ફિન્સ્ટન એ આંકડાઓ રજૂ કરે છે; જે બ્રિટિશ પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાયા હતા ! તેમાંની એક જ વિગત સમજવા માટે પૂરતી છે.
ઇંગ્લૅન્ડમાં તે વર્ષે 1232 લોકોને ગુનો આચરવા બદલ ફાંસીની સજા ફરમાવાઈ હતી અને બ્રિટિશ શાસન હેઠળના ભારતમાં (માત્ર બંગાળ પ્રેસિડન્સીમાં) દેહાંતદંડની સંખ્યા હતી માત્ર 59 ! અને યાદ રહે, ત્યારે બ્રિટનની વસતી હતી એક કરોડ ત્રીસ લાખ અને બ્રિટિશ ભારત(માત્ર બંગાળ પ્રેસિડેન્સી)ની વસ્તી હતી છ કરોડ !
હિન્દુઓમાં દર 10,000 વ્યક્તિએ માત્ર ત્રણ ગાંડા છે, અને ઇંગ્લૅન્ડમાં દર 10,000 વ્યક્તિએ 30 ગાંડા
‘ભારતમાં છ કરોડ વસ્તીમાં માત્ર 59 દેહાંતદંડ અને ઇંગ્લૅન્ડમાં એક કરોડ ત્રીસ લાખ વસ્તીમાં 1232 દેહાંતદંડ, આ શું સૂચવે છે ?’ એમ સવાલ કરીને એલ્ફિન્સ્ટન હિન્દુઓની પ્રામાણિકતાના કેટલાક મજબૂત પ્રસંગો રજૂ કરે છે અને નગ્ન સત્ય ઉચ્ચારે છે :
‘જો હિન્દુઓ અને આપણા પોતાના લોકો(અંગ્રેજો)ની તુલના કરવામાં આવે તો પવિત્રતામાં તેઓ આપણા કરતાં ચોક્કસ ચઢિયાતા છે !’ (History of India, Elphinstone, p. 375-381)
અને માત્ર ગુનેગારો નહીં, આ બ્રિટિશ વિદ્વાનોએ ગાંડાઓની સંખ્યાની તુલના પણ રોમાંચક રીતે કરી છે : હિન્દુઓમાં દર 10,000 વ્યક્તિએ માત્ર ત્રણ ગાંડા છે, અને ઇંગ્લૅન્ડમાં દર 10,000 વ્યક્તિએ 30 ગાંડા છે !
બોલો, આપણા કરતાં હિન્દુઓ વધુ સારા છે કે નહીં ?!
હિન્દુ વેપારીઓની પ્રામાણિકતા માટે આ વિદેશી પ્રજાને આકંઠ વિશ્વાસ
હિન્દુઓ ધન-સંપત્તિ કે સમૃદ્ધિ પાછળ ગાંડા નહોતા, એટલે હિન્દુ વેપારીઓની પ્રામાણિકતા માટે આ વિદેશી પ્રજાને આકંઠ વિશ્વાસ હતો. બ્રિટનની જગવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના જર્મન વિદ્વાન પ્રો. ફ્રેડરિક મેક્સમૂલર લખે છે :
‘અંગ્રેજ વેપારીઓએ વારંવાર મને કહ્યું છે કે ભારતીયોની વ્યાપારી નીતિમત્તા કે સચ્ચાઈનું ધોરણ વિશ્વના કોઈ પણ દેશ કરતાં ઊંચું છે. અને જૂઠી હૂંડી કે ખોટા દસ્તાવેજ જેવી વાત તો ત્યાં ભાગ્યે જ કોઈ જાણતું હશે !’ (India what can it teach us, F. Max Muller, Penguin Books, 2000, p. 58)
જબલપુરના જિલ્લાધીશ કર્નલ સ્લીમેન પાસે હિન્દુઓના પ્રામાણિક સ્વભાવનો જાત અનુભવ છે.
તેઓ લખે છે : ‘મારી સામે એવા સેંકડો પ્રસંગો બન્યા છે કે જેમાં વ્યક્તિ અસત્ય બોલે તો જ તેની ધન, સંપત્તિ, સ્વતંત્રતા અને જિંદગીને આધાર મળે તેમ હોય. છતાં આવા સંજોગોમાંય હિન્દુઓએ અસત્ય બોલવાનો ઇન્કાર કરી દીધો છે !’
Hindu Dharmaની નીતિમત્તાએ હિન્દુઓમાં જે પ્રામાણિકતા હતી એણે બ્રિટિશ શાસકોનાં મન પર કેવો અમીટ પ્રભાવ પાથર્યો હતો !
આ પણ વાંચો- Navdha Bhakti-સીતાહરણ વખતે દશાનન રાવણે છેતરપિંડી કેમ કરવી પડી?