Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં યુવતીની હત્યાનો કેસ, ગૃહ વિભાગ ન્યાય અપાવવા કટિબદ્ધ

08:30 AM Apr 22, 2023 | Vipul Pandya

પરિવારને ન્યાય અપાવવા કટિબદ્ધ : હર્ષ સંઘવી
સુરતના કામરેજમાં યુવતીની કમકમાટીભરી હત્યાની ઘટના બની છે, જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના પગલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે અને યુવતીના પરિવારને ન્યાય અપાવવા કટિબદ્ધ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવતીની હત્યા મામલે મૃતક યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ યુવતીની હત્યાને અત્યંત આઘાતજનક અને દુઃખદ ગણાવી છે. હર્ષ સંઘવીએ યુવતીના પરિવારની મુલાકાત લઈ આરોપીને શક્ય એટલી ઝડપથી આકરી સજા અપાવવાની વાત કરી હતી. દીકરીના પરિવારને યોગ્ય ન્યાય અપાવવા પોલીસ કોઈ કચાશ નહી રાખે તેવી બાંહેધરી પણ આપી હતી.  
હત્યાની ઘટનાના રાજ્યભરમાં પડઘા
સુરતના કામરેજમાં આવેલા પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ પંકજ ગોયાણીએ જાહેરમાં યુવતીનું ગળું કાપી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ કમકમાટીભરી ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી છે. ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અનેક લોકોની હાજરીમાં ખૂની ખેલ ખેલાયો હતો, અને લોકો તમાશો જોતા રહી ગયા હતા. કોઇ યુવતીને બચાવવા માટે આગળ ન આવ્યું. 
ઘણા સમયથી યુવક કરતો હતો હેરાન
કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પપ્પાએ માથા ભારે ફેનિલને ઠપકો આપ્યો હતો, પરંતુ ફેનિલ તેનાથી ડરવાના બદલે વધુ આક્રમક બની ગયો. ઘણીવાર યુવતીના પરિવારે આરોપી ફેનિલને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ફેનિલ ન સમજ્યો. એક વર્ષથી ફેનિલ યુવતીને હેરાન કરતો હતો. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે ફેનિલની હિંમત એટલી વધી ગઈ કે તે યુવતીના ઘરે પહોંચી ગયો અને જાહેરમાં હોબાળો મચાવ્યો.  યુવતીના મોટા પપ્પા અને ભાઈ તેને સમજાવવા જતા તેમને ચપ્પુના ઘા માર્યા હતા. બાદમાં યુવતી તેમને છોડવવા જતા યુવતીને બનામાં લઈ જાહેરમાં તેનું ગળુ કાપી કરપીણ હત્યા કરી નાખી.
કેસ લડવા સરકારી વકીલની નિમણૂક : હર્ષ સંઘવી
અતિ સંવેદનશીલ આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી, અને મૃતક દીકરીના પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી ખાતરી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘સમગ્ર ઘટનાની તપાસ રેન્જ IGની અધ્યક્ષતામાં ચાલી રહી છે અને તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે’. FSLના રિપોર્ટની ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના ફુટેજ, મોબાઈલ ડિટેઇલ વગેરે મળી ગયા છે. પોલીસને મજબૂતાઈથી ચાર્જશીટ કરવાનો આદેશ અપાયો છે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક કરી યુવતીના પરિવારનો કેસ લડશે. અને આરોપીને એવી આકરી સજા અપાવીશું કે કોઈ આરોપી બીજી વાર આવું કૃત્ય ના કરે”.
“મારો સિક્કો જ ખોટો” : ફેનિલના પિતા


આરોપી ફેનિલના પિતાએ પણ સમગ્ર ઘટના મામલે પોતાના દીકરાને ગુનેગાર ઠેરવ્યો છે. અને કહયું કે, “મારો જ સિક્કો  ખોટો છે. તેણે જે કર્યું તે ખૂબ શરમજનક અને દુઃખદ છે. કોર્ટ તેને ફાંસીની સજા આપશે તો પણ તેમને મંજૂર છે”.