CR Patil : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેતા આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) ના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા, જયરાજસિંહ, કિરીટસિંહ રાણા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે (CR Patil) કહ્યું કે ક્ષત્રિય સમાજ મોટુ મન રાખી માફ કરે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનાનારાજ આગેવાનોને મનાવાનો પ્રયાસ કરાશે અને આવતીકાલે અમદાવાદના ગોતામાં 92 લોકોની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યોને મળશે.
રુપાલાએ ત્રણ વખત માફી માગી પણ રોષ ઓછો થતો નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલી આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પ્રત્યે ક્ષત્રિય સમાજનો રોષ હતો. તેમણે કહ્યું કે રુપાલાએ ત્રણ વખત માફી માગી પણ રોષ ઓછો થતો નથી. આજે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. રોષ છે તે સ્વાભાવિક છે.
ક્ષત્રિય સમાજના લોકો મોટુ મન રાખીને માફ કરે
તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના લોકો મોટુ મન રાખીને માફ કરે તેવી અમારી વિનંતી છે. હું પણ ક્ષત્રિય સમાજની માફી માગુ છું. સમાજમાં રોષ હોય, માફી માગી છે તો માફ કરે. અમે ક્ષત્રિય સમાજને મનાવાના પ્રયાસ કરીશું
ભાજપના ક્ષત્રિય આગેવાનો આવતી કાલે બેઠક
તેમણે કહ્યું કે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારો સોંપાઇ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનો આવતી કાલે બેઠક કરશે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 92 લોકોની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક થશે.
આ બેઠકમાં તમામ વિવાદનો અંત આવશે
તેમણે એમ પણ કહ્યું કે આ બેઠકમાં તમામ વિવાદનો અંત આવશે. પાટીલે રુપાલાને માફ કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો—-– Rupala Controversy : પરશોત્તમ રૂપાલાનો વિવાદને લઈને CR Patil ના નિવાસસ્થાને મહત્વની બેઠક
આ પણ વાંચો—- Shankarsinh : દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી
આ પણ વાંચો—- Sabarkantha : લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ, સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત…