Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતમાં ભાજપે રચ્યો ઈતિહાસ, મોદી મેજીક એકવાર ફરી ચાલ્યો, વિપક્ષના સુપડા સાફ

05:53 AM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ના પરિણામોનું કાઉન્ટડાઉન(Countdown) શરૂ થઈ ગયું છે. બે તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીને લઇને જનમુખે ઘણું બધુ વાયરલ થઇ રહ્યું છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી થશે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, ભાજપ રાજ્યમાં સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ વાસ્તવિક પરિણામો આજે મતગણતરી પછી જ બહાર આવશે.
મહત્વનું છે કે, 1 ડિસેમ્બરે ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. 
Gujarat Election Result:

અત્યારે જે રીતે સમાચાર આવી રહ્યા છે તે મુજબ કોગ્રેસના ગઢમાં ભાજપની બંપર જીત થઇ છે.  પ્રચંડ જીત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સાંજે 6 વાગે ગાંધીનગર કમલમ ખાતે આવી શકે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે આવશે.
ગુજરાતે ધરમૂળથી નકારી મફતની રેવડી!
ગુજરાતમાં AAPના તમામ દિગ્ગજો ઘરભેગા થઇ ગયા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, AAPના CM પદના ચહેરા ઇસુદાન ગઢવી પણ પોતાની સીટ પર જીત મેળવી ન શક્યા. આ ઉપરાંત AAPના પ્રદેશ પ્રમુખ અને કતારગામથી ગોપાલ ઈટાલિયાની પણ કારમી હાર થઇ છે. સુરતથી અલ્પેશ કથીરિયાની પણ કારમી હાર થઇ છે. વળી ઓલપાડથી ધાર્મિક માલવિયા, કચ્છના માંડવીથી કૈલાશદાન ગઢવીની પણ હાર થઇ છે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો મોટો ફટકો તો ભાજપને મોટો લાભ કર્યો છે. 
કોંગ્રેસનો અત્યાર સુધીના ચૂંટણી ઈતહાસમાં સૌથી ખરાબ દેખાવ
મહત્વનું છે કે, રાજ્યમાં 1960થી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, પરંતુ અત્યાર સુધીના ચૂંટણી ઈતિહાસમાં કોંગ્રેસનો દેખાવ ક્યારેય આટલો ખરાબ રહ્યો નથી. રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપ 150થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 15 બેઠકો પર આગળ છે. એટલે કે, ભાજપે કોંગ્રેસ કરતાં લગભગ 10 ગણી વધુ બેઠકો જીતી છે. અગાઉ 1990માં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી. આ પછી કોંગ્રેસની બેઠકો અમુક અંશે વધી. કોંગ્રેસને 2002માં 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. 2017માં, પાર્ટીએ 77 બેઠકો જીતી અને ભાજપને સખત ટક્કર આપી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
જનતાએ દરેક સવાલના જવાબ આપ્યા છે – હર્ષ સંઘવી
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, જનતાએ દરેક વ્યક્તિના સવાલનો જવાબ આપ્યો છે. કોંગ્રેસ હોય કે કેજરીવાલ, ગુજરાતની ધરતીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાએ તેનો જવાબ આપી દીધો છે. ગુજરાતને તોડવાની રાજનીતિ થઈ, પણ પ્રજાએ નફરતની રાજનીતિનો અંત લાવ્યો. ગુજરાતે સાબિત કરી દીધું છે કે નકારાત્મક રાજકારણ માટે કોઈ સ્થાન નથી.

કઇ બેઠક પર કોની જીત?
3 ભુજ – કોંગ્રેસના અરજણ ભુડિયાની જીત
86 જૂનાગઢ – ભાજપના સંજયભાઈ કોરડિયાની જીત
61 લીમડી – ભાજપના કિરીટસિંહ રાણાની જીત
52 જમાલપુર – કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની જીત
73 ગોંડલ – ભાજપના ગીતાબા જાડેજાની જીત
120 કપડવંજ – ભાજપના રાજેશ ઝાલાની જીત
132 દાહોદ – ભાજપના કનૈયાલાલ કિશોરીની જીત
37 માણસા – ભાજપના જયંતિભાઈ પટેલની જીત
145 માંજલપુર – ભાજપના યોગેશભાઈ પટેલની જીત
44 એલિસબ્રિજ – ભાજપના અમિતભાઈ શાહની જીત
75 ધોરાજી – ભાજપના મહેન્દ્ર પાડલિયાની જીત
165 મજુરા – ભાજપના હર્ષ સંઘવીની જીત
41 ઘાટલોડિયા – ભાજપના ભૂપેન્દ્ર પટેલની જીત
53 મણિનગર – ભાજપના અમૂલભાઈ ભટ્ટની જીત
45 નારણપુરા – ભાજપના જીતેન્દ્રભાઈ પટેલની જીત
82 દ્વારકા – ભાજપના પબુભા માણેકની જીત
69 રાજકોટ પશ્ચિમ – ભાજપના દર્શિતા શાહની જીત
42 વેજલપુર – ભાજપના અમિત ઠાકોરની જીત
146 પાદરા – ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત
105 ભાવનગર પશ્ચિમ – ભાજપના જીતુ વાઘાણીની જીત
104 ભાવનગર પૂર્વ – ભાજપના સેજલ પંડ્યાની જીત
143 અકોટા – ભાજપના ચૈતન્ય દેસાઈની જીત
167 સુરત પશ્ચિમ – ભાજપના પૂર્ણેશ મોદીની જીત
106 ગઢડા – ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની જીત
95 અમરેલી – ભાજપના કૌશિકભાઈ વેકરિયાની જીત
81 ખંભાળિયા – ભાજપના મૂળુભાઈ બેરાની જીત
116 નડિયાદ – ભાજપના પંકજ દેસાઈની જીત
74 જેતપુર – ભાજપના જયેશભાઈ રાદડિયાની જીત
70 રાજકોટ – ભાજપના રમેશભાઈ ટિલાળાની જીત
35 ગાંધીનગર દક્ષિણ – ભાજપના અલ્પેશ ઠાકોરની જીત
179 વલસાડ – ભાજપના ભરતભાઈ પટેલની જીત
25 મહેસાણા – ભાજપના મુકેશ પટેલની જીત
21 ઉંઝા – ભાજપના કિરીટભાઈ પટેલની જીત
170 મહુવા – ભાજપના મોહનભાઈ ઢોડિયાની જીત
172 નિઝર – ભાજપના જયરામ ગામીતની જીત
72 જસદણ – ભાજપના કુંવરજી બાવળિયાની જીત
8 થરાદ – ભાજપના શંકર ચૌધરીની જીત
63 ચોટીલા – ભાજપના શામજીભાઈ ચૌહાણની જીત
62 વઢવાણ – ભાજપના જગદીશ મકવાણાની જીત
9 ધાનેરા – અપક્ષના માવજી દેસાઈની જીત
136 વાઘોડિયા – અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
83 પોરબંદર – કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત
51 દરિયાપુર – ભાજપના કૌશિકભાઈ જૈનની જીત
39 વિરમગામ – ભાજપના હાર્દિક પટેલની જીત
56 અસારવા – ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત
47 નરોડા – ભાજપના પાયલ કુકરાણીની જીત
147 કરજણ – ભાજપના અક્ષય પટેલની જીત
166 કતારગામ – ભાજપના વિનુભાઈ મોરડિયાની જીત
29 ખેડબ્રહ્મા – કોંગ્રેસના તુષાર ચૌધરીની જીત
50 અમરાઈવાડી – ભાજપના હસમુખ પટેલની જીત
28 ઈડર – ભાજપના રમણલાલ વોરાની જીત
20 ખેરાલુ – ભાજપના સરદારસિંહ ચૌધરીની જીત
16 રાધનપુર – ભાજપના લવિંગજી ઠાકોરની જીત
48 ઠક્કરબાપાનગર – ભાજપના કંટનબેન રાદડિયાની જીત
46 નિકોલ – ભાજપના જગદિશ વિશ્વકર્માની જીત
55 સાબરમતી – ભાજપના હર્ષદભાઈ પટેલની જીત
65 મોરબી – ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત
77 જામનગર – ભાજપના રાઘવજીભાઈ પટેલની જીત
103 ભાવનગર ગ્રામ્ય – ભાજપના પરષોત્તમ સોલંકીની જીત
ઈસુદાન ગઢવીની કારમી હાર
AAP ના મુખ્યમંત્રી પદનો ચહેરો અને ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીની કારમી હાર થઇ છે. રાજ્યની જનતાએ પૂર્વ પત્રકારને સ્વીકારવાની ના પાડી દીધી છે અને મોટા અંતરે તેમને હરાવ્યા છે. 
રેકોર્ડ બ્રેક જીતની નજીક ભાજપ, 11 ડિસેમ્બરે શપથવિધિ 
ગુજરાતમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીતની નજીક છે. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 ડિસેમ્બરે શપથવિધિ યોજાશે. તેવી પણ માહિતી સામે આવી રહી છે કે, આ દરમિયાન વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે.

11:10 AM
દિલ્હીથી કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષે કહ્યું કે, ભાજપે હંમેશા પોતાના વચનો પૂરા કર્યા છે. લોકોએ ગુજરાતમાં વિકાસ માટે મત આપ્યો છે. 

11:05 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 60 હજાર મતે જીત, જમાલપુર-ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અને અસારવા સીટ પરથી દર્શના વાઘેલાની જીત થઇ છે. ઉપરાંત જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા હવે આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ભગવો લહેરાવવા જઇ રહ્યો છે. આ ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો જોરદાર સફાયો થયો છે. એકવાર ફરી કોંગ્રેસને સત્તાથી વનવાસ મળ્યો છે. હાલમાં રેકૉર્ડબ્રેક જીત મેળવવા તરફ ભાજપ અગ્રેસર દેખાઇ રહી છે. પ્રારંભિક વલણમાં ઐતિહાસિક જીત તરફ અગ્રેસર છે. અહીં સત્તાના દાવા કરતી AAPના સુપડા સાફ પણ થઇ ગયા છે. 

‘ગુજરાત મોડલ’ સફળ
ગુજરાતની ચૂંટણીના ટ્રેન્ડ અંગે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મોડલને લોકોએ સ્વીકાર્યું છે અને હવે આ મોડલને દેશમાં પણ લોકો સ્વીકારી રહ્યા છે. આ ઈતિહાસનો એક રેકોર્ડ છે, આ માટે હું જનતાનો આભાર માનું છું.

10:30 AM
ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહની 149 સીટનો રેકોર્ડ તોડ્યો, 151 સીટ પર આગળ છે. ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ લીડ મળવા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાજ્યમાં પ્રો-ઈન્કમ્બન્સી છે. અમે ગુજરાતમાં એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છીએ કારણ કે રાજ્યના લોકોને વડાપ્રધાન મોદીમાં ઘણો વિશ્વાસ છે.


10:25 AM
મોરબીથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે. મોરબીથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા કુલ 10,156 મતો સાથે આગળ છે. ઓકટોબરમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના વખતે તેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

10:22 AM
ચૂંટણી પરિણામ 2022: ભાજપ 156 બેઠકો પર આગળ
ગોધરામાં ભાજપ આગળ છે. ટ્રેન્ડમાં ભાજપ 156 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 17 સીટો પર આગળ છે. જ્યારે AAP 6 બેઠકો પર આગળ છે. અન્ય 3 બેઠકો પર આગળ છે.
10:20 AM
ECI વલણો મુજબ, ભાજપના રિવાબા જાડેજા હવે ગુજરાતના જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. 

10:15 AM
ગુજરાતમાં ભાજપે 53.4% ​​વોટ સાથે જોરદાર જીત તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ગુજરાતમાં ભાજપને 53.4 ટકા વોટ મળ્યા છે. વળી, અહીં કોંગ્રેસના ખાતામાં 26.6 ટકા વોટ જઈ રહ્યા છે. આ સાથે 13.5 ટકા વોટ આમ આદમી પાર્ટીના ખાતામાં જઈ રહ્યા છે.
10:10 AM
ગુજરાતમાં ભાજપે 150નો આંકડો પાર કર્યો, કોંગ્રેસ-આપ ટ્રેન્ડમાં પાછળ ચાલી રહી છે. ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ બનાવવાની ખૂબ નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 150 બેઠકોનો આંકડો પાર કર્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં ખૂબ પાછળ છે.
10:05 AM
ગુજરાતના પરિણામોથી મનીષ સિસોદિયા ખુશ થયા  છે. તેમણે કહ્યું, AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા જઈ રહી છે. તેમણે ટ્વીટમાં આગળ લખ્યું, શિક્ષા અને સ્વાસ્થ્યની રાજનીતિ પહેલીવાર રાષ્ટ્રીય રાજનીતિમાં ઓળખ બનાવી રહી છે. તે માટે દેશને શુભકામનાઓ.

09:55 AM
ભાજપે 100નો ડિજિટ પાર કર્યો. કોંગ્રેસ અને AAP સિંગલ ડિજિટમાં દેખાઇ રહી છે. 

09:50 AM
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયામાં સામે આવી રહેલા 182 માંથી 144 બેઠકોના વલણો મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. ભાજપ આગળ ચાલી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપને 112, કોંગ્રસને 21 તો આમ આદમી પાર્ટીને 9 અને અન્ય 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. 

09:47 AM
જામનગર ગ્રામ્યમાં AAPના પ્રકાશ દોંગા આગળ ચાલી રહ્યા છે. ઉનામાં ભાજપના કે.સી.રાઠોડ આગળ ચાલી રહ્યા છે. 

09:40 AM
ગાંધીનગરમાં ભાજપના કાર્યકરોની ઉજવણી શરૂ થઇ ગઇ છે. ECI મુજબ પ્રારંભિક વલણોમાં બહુમતીનો આંકડો 95 પાર કર્યો છે. જે સામે આવ્યા બાદ આ કાર્યકરો ઉજવણીમાં મસ્ત દેખાઇ રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઇસુદાન ગઢવી 3100 મતે આગળ ચાલી રહ્યા છે.

09:28 AM
ભાવનગર પશ્ચિમના બેઠક પરથી જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા હતા જે હાલમાં આગળ ચાલી રહ્યા છે. ગારીયાધારમાં આપના સુધીર વાઘાણી આગળ ચાલી રહ્યા છે. પાટણ જિલ્લામાં કોંગ્રેસ 3 અને ભાજપ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. 

09:16 AM
ગુજરાતની સુરતમાં ભાજપ 10 બેઠકો પર આગળ છે. ગુજરાતના સુરત જિલ્લાની 16માંથી 10 બેઠકો પર ભાજપ આગળ છે. વરાછા રોડ અને કતારગામ બેઠક પર ભાજપ આગળ છે. માંડવીમાં કોંગ્રેસ આગળ છે. જ્યારે ડેડિયાપાડામાં AAPના ચૈત્ર વસાવા આગળ છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. 

09:06 AM
ભાવનગર પશ્ચિમના બેઠક પરથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે અહીં AAPના રાજુ સોલંકી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પણ આગળ ચાલી રહ્યા છે. વળી ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ ચાલી રહ્યા છે. તાજેતરમાં સામે આવી રહ્યું છે કે, સોમનાથમાં ભાજપના માનસિંહ પરમાર આગળ ચાલી રહ્યા છે. 



09:02 AM
વેજલપુરના ઉમેદવાર અમિત ઠાકરે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ભારે બહુમતી સાથે ‘ડબલ એન્જિન’ સરકાર બનાવશે. 

08:56 AM
ગણદેવીથી નરેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. વાંસદામાંથી અનંત પટેલ આગળ ચાલી રહ્યા છે. મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા આગળ ચાલી રહી છે. વરાછાથી AAPના અલ્પેશ કથીરિયા પાછળ ચાલી રહ્યા છે. 
08:52 AM
ભાજપ 135 સીટો પર આગળ ચાલી રહી છે.
182 સીટોનો ટ્રેન્ડ આવ્યો છે જેમા, ભાજપ 135 સીટો પર આગળ છે. કોંગ્રેસ 41 સીટો પર આગળ છે જ્યારે AAP 3 સીટો અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે. જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા કે જેઓ રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેઓ હાલમાં આગળ ચાલી રહ્યા છે. 
08:48 AM
જામ ખંભાળિયાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા છે. વાવ સીટ પરથી કોંગ્રેસના ગેની બેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. 
08:43 AM
વડોદરામાં વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર ઘર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપ મજબૂત ગણાય છે પરંતુ તાજેતરમાં અહીં ભાજપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. 
08:40 AM
સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડગામ બેઠક પરથી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે.
08:30 AM
EVMની મતગણતરી શરૂ થઈ
પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ
08:32 AM
વલણોમાં બહુમતીથી આગળ નીકળી ભાજપ
163 બેઠકોના વલણો બહાર આવ્યા છે, બેલેટ પેપરમાં ભાજપ 124, કોંગ્રેસ 33, આમ આદમી પાર્ટી 3 જ્યારે અપક્ષ 3 બેઠક પર આગળ છે.
08:28 AM
154 બેઠકોના વલણો બહાર આવ્યા છે, બેલેટ પેપરમાં ભાજપ 117, કોંગ્રેસ 32, આમ આદમી પાર્ટી 3 જ્યારે અપક્ષ 1 બેઠક પર આગળ છે.
08:15 AM
79 બેઠકોના વલણો બહાર આવ્યા છે, બેલેટ પેપરમાં ભાજપ 58, કોંગ્રેસ 17, આમ આદમી પાર્ટી 3 જ્યારે અપક્ષ 1 બેઠક પર આગળ છે.
08ઃ01 AM
મતગણતરી શરૂ, ભાજપની તરફેણમાં પહેલું વલણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલો ટ્રેન્ડ ભાજપની તરફેણમાં આવ્યો છે.
અત્યાર સુધી 15 બેઠકોના વલણો બહાર આવ્યા છે, જેમા ભાજપ-12, કોંગ્રેસ-3, AAP-0, અન્ય-0
તાજા સમાચાર મુજબ દક્ષિણ ગુજરાતમાં ભાજપ 35માંથી 30 બેઠકો જીતી રહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં 56માંથી 46 સીટો ભાજપ જીતી રહી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 32માંથી 27 બેઠક ભાજપ જીતી રહી છે.મધ્ય ગુજરાતમાં 61માંથી 53 બેઠકો જીતી રહી છે. 
ભાજપને જીતનો વિશ્વાસ, AAPને છે સારી શરૂઆતની આશા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ટૂંક સમયમાં સવારે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે. મોદી પરિબળ પર સવાર થઈને, ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) મજબૂત શરૂઆતની આશા રાખે છે. બીજી તરફ કોંગ્રેસ અનુકૂળ ચુકાદાની માંગ કરી રહી છે.  ગુજરાતમાં સરેરાશ 64.33 ટકા મતદાન થયું છે, ત્યારે સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.42 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 59.05 ટકા મતદાન થયું છે.

સવારે 8 વાગ્યે ગણતરી શરૂ
રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરાયા છે.
સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. શરૂઆતમાં દરેક સ્થળો પર બેલેટ પેપર ખોલવામાં આવ્યા છે. બેલેટ પેપરની ગણતરી બાદ EVM ખોલવામાં આવશે. 

ગુજરાતના 33 જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાઈ હતી. ગુરુવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે અને સામાન્ય રીતે સવારે 10 વાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થવાનું શરૂ થશે. સોમવારે જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપને 117 થી 151 બેઠકો, મુખ્ય વિપક્ષ કોંગ્રેસને 16 થી 51 બેઠકો, જ્યારે AAPને 2-13 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. જોકે થોડી ક્ષણોમાં મતગણતરીનું કાઉન્ટડાઈન શરૂ થશે અને બપોર સુધીમાં કોણ બનાવી શકે છે સરકાર અને કોણ બેસશે વિપક્ષમાં તેનો જવાબ લગભગ મળી જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદમાં તૈયારીઓ થઈ ગઈ છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્રની બહાર તસ્વીરોમાં સુરક્ષા અધિકારીઓ જોઈ શકાય છે.
ભાજપ લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું – હાર્દિક પટેલ
ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કહ્યું કે, કામના આધારે સરકાર બની રહી છે. છેલ્લા 20 વર્ષમાં અહીં કોઈ હુલ્લડ અને આતંકવાદી હુમલો થયો નથી. લોકો જાણે છે કે ભાજપ તેમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યું છે. તેઓ ભાજપને મત આપે છે જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. ભાજપે સુશાસન આપ્યું છે અને આ વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે.

2017 વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો શું હતા?
ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ભાજપે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ, 2021 માં નેતૃત્વ પરિવર્તનમાં, ભાજપે રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.