+

સિવિલ એન્જીનીયર ઈર્શાદ બન્યો ગરીબ દર્દીઓનો સાદ, જરૂરિયાતમંદ લોકોની કરે છે સ્વજનો જેવી સેવા

વસુધૈવ કુટુમ્બકમ અર્થાત્ આ ધરતી એક પરિવાર છે. વડોદરાના એક મુસ્લિમ યુવકે આ સુવાક્યને પોતાના જીવનમાં ઉતાર્યું અને નાતજાત જોયા વિના લાગી ગયો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં. જી હા હાલ દેશમાં જ્ઞાતિવાદનું ઘાતક રાજકારણ ચાલી રહ્યું છે. કેટલાક શહેરોમાં તો આ જ્ઞાતિવાદના રાજકારણે નાગરિકોને અંદરોઅંદર લડાઈ માર્યા છે. તેવામાં વડોદરા શહેરનો ઈર્શાદ નામનો એક યુવક સમાજમાં દાખલો બેસે તà
વસુધૈવ કુટુમ્બકમ અર્થાત્ આ ધરતી એક પરિવાર છે. વડોદરાના એક મુસ્લિમ યુવકે આ સુવાક્યને પોતાના જીવનમાં ઉતાર્યું અને નાતજાત જોયા વિના લાગી ગયો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં. જી હા હાલ દેશમાં જ્ઞાતિવાદનું ઘાતક રાજકારણ ચાલી રહ્યું છે. કેટલાક શહેરોમાં તો આ જ્ઞાતિવાદના રાજકારણે નાગરિકોને અંદરોઅંદર લડાઈ માર્યા છે. તેવામાં વડોદરા શહેરનો ઈર્શાદ નામનો એક યુવક સમાજમાં દાખલો બેસે તેવું ઉમદા કાર્ય કરી રહ્યો છે.
વડોદરા શહેરનો ઈર્શાદ એક ઉચ્ચ અભ્યાસુ સિવિલ એન્જીનીયર થયેલો યુવક છે. જેને પોતાના જીવનનો મોટા ભાગનો સમય ગરીબ લાચાર નાગરિકોની સેવા પાછળ ખર્ચ કરી નાખ્યો છે. ઈર્શાદનું પૂરું નામ ઈર્શાદ હુસેન અહેમદ હુસેન છે. તે પોતે સિવિલ એન્જીનીયર છે અને પોતાની એક હોટેલ પણ ધરાવે છે. જાણે કુદરતે ઈર્શાદને આ સમાજ માટે જ બનાવ્યો હોય તેમ તે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદમાં તત્પર રહે છે. તે છેલ્લા 13 વર્ષથી સયાજી હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના પોતાની અવિરત સેવા આપે છે. આમ તો ઈર્શાદ ખાનગી કંપનીમાં સિવિલ એન્જીનીયર તરીકે પોતાની ફરજ બજાવે છે, પરંતુ નોકરી જવાના સમય પહેલા 4 કલાક અને સાંજે નોકરીથી છૂટયા બાદ સયાજી હોસ્પિટલ ખાતે દર્દીઓની મદદ માટે પહોંચી જાય છે.
વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ગુજરાત સહિત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાંથી ગરીબ દર્દીઓ સારવાર કરાવવા માટે આવતા હોય છે. સ્વાભાવિક છે કે જ્યારે આવડી મોટી હૉસ્પિટલ હોય તો દર્દીઓને થોડી ઘણી મુશ્કેલી તો રહેવાની અને જો કોઈ દર્દી અન્ય રાજ્યમાંથી આવતુ હોય તો તેને ઘણી વખત આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડતો હોય છે. જ્યારે આ પ્રકારની મુશ્કેલીનું નિર્માણ થાય ત્યારે દર્દીઓના મુખ પર બસ એક જ નામ હોય “ઈર્શાદ”.
ઈર્શાદ જ્યારે પણ સયાજી હોસ્પિટલમાં પોતાની સેવામાં હોય ત્યારે તે દર્દીઓની તમામ હિલચાલ પર નજર રાખે છે. જો કોઈ દર્દી મુશ્કેલીમાં કા તો ઘુંચવાયેલો જણાય તો કેસ કઢાવવાથી માડી સારવાર પૂરી થયા બાદ રજા આપતા સુધી દર્દીનો સાથ નથી છોડતો. આમ તો ગરીબ પરિવારના લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે. તેવામાં જો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે તો મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે આટલેથી ન અટકતા ઈર્શાદ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને અનાજની કીટ પણ આપે છે જેથી તેઓ સ્વસ્થ થતાં સુધી પોતાનું પેટ ભરી શકે.
છેલ્લા 13 વર્ષથી સયાજી હોસ્પિટલમાં સેવા આપતા ઈર્શાદએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના દ્વારા અત્યાર સુધી એટલે કે આ વર્ષે 1200 જેટલી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો સાથે જ સયાજી હોસ્પિટલમાં આવતા 250 થી પણ વધારે ગરીબ દર્દીઓને આર્થિક મદદ પણ કરવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં તો અમુક દર્દીઓની સયાજી હોસ્પિટલમાં સારવાર શક્ય નહોતી તેવા દર્દીઓને ઈર્શાદે પોતાના મિત્ર વર્તુળની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ અપાવી છે. અગાઉ જણાવ્યું એમ ઈર્શાદ એક ખાનગી કંપનીમાં સિવિલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. ત્યારે તેની કંપની દ્વારા પણ ઈર્શાદને પૂરો સહકાર આપવામાં આવે છે. જો કોઈ દર્દી મુશ્કેલીમાં હોય ત્યારે કંપની દ્વારા ઈર્શાદને નોકરી પરથી રજા આપવા સહિત દર્દીને બનતી તમામ મદદ પણ કરવામાં આવે છે.
શરૂઆતમાં ઈર્શાદે એકલા હાથે દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું, ઈર્શાદનું આ ઉમદા કાર્ય જોઈ તેની સાથે તેના મિત્રો પણ સેવાકાર્યમાં જોડાયા આજે આ યુવા ગ્રુપે એક બે નહીં પરંતુ 500 સભ્યોનું એક પરિવાર બની ગયું છે. ગ્રુપમાં સામેલ તમામ યુવાનો આમ તો કોઈને કોઈ વ્યવસાય કરતા હોય કે નોકરી સાથે સંકળાયેલા છે, તેમ છતાં જ્યારે પણ કોઈ નાગરીકને મદદની જરૂર હોય હંમેશા મદદ માટે તત્પર હોય છે. આ યુવાનો દ્વારા બ્લડ ડોનેશન, સર્વગ્યાતી સમૂહ લગ્ન સહિતની અનેક સામાજિક પ્રવૃત્તિઓ અવાર-નવાર કરવામાં આવે છે. ગ્રુપના તમામ સભ્યો પોતાની આવકમાંથી થોડી ઘણી રકમ બચાવે છે અને તેનો ઉપયોગ સમાજની સેવામાં કરે છે.
કોરોના કાળમાં પણ મુસ્લિમ યુવાઓના આ ગ્રુપે માનવતા મહેકાવી હતી
કોરોનાનો કપરો કાળ આજે પણ કોઈ ભૂલ્યું નહીં હોય. આજે ભૂતકાળ તરફ એક ડોકિયું કરીએ તો ભલભલાના રૂંવાડા ઉચા થઈ જાય. એક સમય એવો હતો કે કોણ પારકુંને કોણ પોતાનું તે સમજવું કે કહેવુ મુશ્કેલ હતું. એક સમય એવો પણ હતો કે જ્યારે કોઈ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય ત્યારે સ્વજનો મૃતદેહને લેવા પણ તૈયાર નહોતા. એવા એ કોરોનાના કપરા કાળમાં આ યુવા ગ્રુપ દ્વારા નાતજાતનો ભેદભાવ કર્યા વિના તમામ મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. કોરોનામાં જો કોઈ મુસ્લિમનું ઇંતકાલ થયું હોય તે તેને કબ્રસ્તાન સુધી પહોંચાડી દફન વિધિ કરાવી અને જો કોઈ હિન્દુ દર્દીનું મૃત્યુ થયું હોય તો હિન્દુ વિધિ પ્રમાણે મૃતકના અંતિમ સંસ્કાર પણ આ મુસ્લિમ યુવાનો દ્વારા  કરવામાં આવ્યા હતા. ઈર્શાદ અને તેના મિત્રો દ્વારા કોરોનાકાળમાં 150 થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો સાથે જ હિન્દુ રિતી રિવાજ મુજબ અસ્થિઓનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું.
આજે સમાજ માં ઘણા ઓછા લોકો છે કે જે સમાજ માટે કઈક કરી બતાવવાની ચાહના ધરાવે છે. ત્યારે ઈર્શાદ અને તેના યુવા મિત્રોના ગ્રુપને તેમના આ ઉમદા કાર્ય બદલ સ્થાનિક જનતા સો સો સલામ કરે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter