- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ :- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા
- બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની બાલવાટિકાને ‘ગીજુભાઈ બધેકા એવોર્ડ’થી સન્માનિત કરાઈ
- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા:-રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકનું હોય છે, જે સમાજમાં સદભાવનાનું વાતાવરણનું નિર્માણ કરે છે
- શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના હસ્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત ૧૦ પુસ્તકોનું વિમોચન કરાયું
Children’s University – વિશ્વની પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૫મા સ્થાપના દિવસની ઉજવણી આજે સ્વર્ણિમ સંકુલ-૨ના દ્વારકા ખંડ,ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકની કારકિર્દી એક વ્યવસાય નહિ, પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે, એટલે જ, રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે. એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઉભુ કરે છે. આજનો બાળક મૂળ તત્વથી ઉછરીને ટેક્નોલોજી સાથે ભણીને રાષ્ટ્ર નિર્માણ સહિત સમાજ કલ્યાણ માટે સમર્પિત રહી પોતાની ફરજનું પાલન કરે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.
મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ
વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણના વિઝન અને ચિંતનથી આ દિશામાં મહત્વનું કાર્ય કરી રહી છે. આપણી સંસ્કૃતિની ધરોહર સાથે આજના બાળકનો ઉછેર જરૂરી છે. આપણા શાસ્ત્રો કહે છે કે, ગર્ભમાં જ બાળકને સંસ્કાર અને શિક્ષણ મળે છે. પ્રકૃતિ સાથે બાળકોનો તાલમેલ રાખી તેમને ગમતી પ્રવૃતિઓ કરવા દઈશું તો બાળકના માનસનો સર્વાંગી વિકાસ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વ્યાખ્યાન માળા ‘યજ્ઞ’
આ સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી પી.એન.ગજ્જર દ્વારા ‘શ્રી નરેન્દ્ર મોદી પ્રેરણાત્મક વ્યાખ્યાન માળા ‘યજ્ઞ’ હેઠળ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ‘લર્ન, અનલર્ન અને રિલર્ન’ના કોન્સેપ્ટને સમજી તેને બાળકના ઉછેર માટે ઉપયોગ કરવા તેમણે દરેક શિક્ષકને નિવેદન કર્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે : “ભારત ૨૦૪૭ સુધી વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે દરેક શિક્ષકે આજના બાળકને આવતીકાલનું ભવિષ્ય બનાવવા પુરતા પ્રયત્નો કરવા પડશે. બાળકોના ઉછેર માટે જેટલા પ્રયત્નો શિક્ષકો કરી રહ્યા છે એટલી જ મહેનત બાળકના માતા/પિતાએ પણ કરવી પડશે અને બાળકોને આવનારા વિકસિત ભારતના ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે.”
આ કાર્યક્રમમાં બાળઉછેર, બાળ કેળવણી, બાળવિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની શ્રી સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકાને ‘ગીજુભાઈ બધેકા એવોર્ડ’થી મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાઇ. ‘બાલવાટિકા એવોર્ડ’ અને રૂ. ૧,૦૦,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હતો.
આ ઉપરાંત જી-સેટ પરીક્ષા પાસ કરનાર અને ‘શોધ’ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રી હસ્તે સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ સિદ્ધી પ્રાપ્ત કરનાર ચાર શિક્ષકોને પણ મંત્રી શ્રી પાનસેરિયા દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા.
10 પુસ્તકોનું વિમોચન
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત પુસ્તકો જેમાં બાળકોમાં વર્તન દોષ, ગુજરાતના વિકાસમાં કન્યા કેળવણીનું યોગદાન, સર્જનશીલ અને પ્રતિભાશાળી બાળક, ૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાત ૨૦૨૨, હોલિસ્ટિક ચાઈલ્ડ ડેવલોપમેન્ટ, અન્લીશિંગ ધ સ્પોર્ટીંગ સોલ, સેક્સ એજ્યુકેશન ઇન એડોલેસેન્ટ ઇન ગુજરાત, મિત્ર, મમ્મી અને પરિવાર મળીને કુલ ૧૦ પુસ્તકોનું મંત્રી શ્રી પાનસેરિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકો શાલેય શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું (NCFFS) પરિવારની પાઠશાળા પુસ્તકનું અંગ્રેજી સંસ્કરણ, સર્વાંગી બાળવિકાસ ગીજુભાઈ બધેકા ચેર હેઠળ શિશુ કથાઓ, શિશુ કાવ્યો, ગીજુભાઈ સાથે શિક્ષણયાત્રા મળીને કુલ પાંચ પુસ્તકોનું પણ મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સાથે મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય ઉજ્જૈન સાથે ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંવાદ સહિત સર્વાંગી બાળવિકાસ બાબતે, ડાયસક્યુબ સાથે રમકડાં નિર્માણ તેમજ કડી સર્વ વિદ્યાલય સાથે સમગ્ર શિક્ષણની પ્રક્રિયા બાબતે એમઓયુ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કુલપતિ શ્રી સંજય ગુપ્તા, કુલસચિવ શ્રી અમિત જાની, સહીત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સભ્યો સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- AMBAJI : ભાદરવી મહાકુંભ- 2024ની તૈયારીઓ શરૂ, જાણો કયા નિયમો અનુસરવા પડશે