+

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રને આપી કરોડોની ભેટ, કર્યું સૌની યોજના લિંક-4 નું ખાતમુહૂર્ત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel) આજે શુક્રવાર તા.16 ના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું. વિંછીયામાં…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel) આજે શુક્રવાર તા.16 ના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું.

વિંછીયામાં કુલ રૂ. 337 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવી હતી. આ યોજના અન્વયે 4 લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-4 દ્વારા પાછલા 4 વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવ અને 7 જળાશયમાં કુલ મળીને 4435 મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સાકાર થયેલી સૌની યોજનામાં તબક્કાવાર 1313 કિલોમીટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે અને અંદાજે 77430 એમસીએફટી પાણી 85 જળાશયો, 170 ગામ તળાવો તથા 1319 ચેકડેમોમાં પૂરું પાડવામાં આવ્યું છે. આના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓમાં સાડા છ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.

23 ગામોને પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળી રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેનું ખાતમુહૂર્ત કર્યું છે તે લિંક-4ના પેકેજ-9 દ્વારા અંદાજે 73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવને જોડવામાં આવશે. એટલું જ નહીં, 23 જેટલા ગામોની 45 હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને 5676 એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળતું થવાનું છે. રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે સવારે 10-00 કલાકે વિંછીયા એપીએમસી નજીક યોજનારા આ વિકાસ ઉત્સવમાં મુખ્યમંત્રી રૂ. 139 કરોડના ખર્ચે સાકાર થનારી બે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેમજ રૂ. 9 કરોડના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ., રૂ. 2.11 કરોડના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપી. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સર્વશ્રી કુંવરજીભાઈ બાવળીયા, બલવંતસિંહ રાજપૂત, શ્રીમતી ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં 214 દિવ્યાંગજનોને રૂ. 28.94 લાખના સી.એસ.આર. ફંડથી 372 જેટલા સાધન સહાય અપાશે. આ ઉપરાંત વિચરતી જાતિના 133 જેટલા લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ પણ થવાનું છે.

આ પણ વાંચો – ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, અમદાવાદની Ghee Gud રેસ્ટોરન્ટને કરાઇ સીલ

આ પણ વાંચો – Panchmahal : મોરવા હડફ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંગણવાડીની દયનીય સ્થિતિ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter