+

CM Visits Singapore: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા

સિંગાપોર પ્રવાસના પ્રથમ દિવસે ફાયનાન્સ એન્ડ બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠકોનો દૌર ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ: મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે…

સિંગાપોર પ્રવાસના પ્રથમ દિવસે ફાયનાન્સ એન્ડ બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠકોનો દૌર
ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રીયુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. ભુપેન્દ્ર પટેલે ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ શ્રીયુત પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી.

સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી શ્રીયુત ગેન કિમ યોંગ સાથે મુલાકાત બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાત દરમિયાન સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપેલા વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત વિકાસનું રોલ-મોડેલ બન્યું છે એમ પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ

મુખ્યમંત્રીએ ગુજરાતના લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું કે, ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ

બેઠક દરમિયાન મંત્રી ગેન કીમે જણાવ્યું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે. તેમણે કહ્યું કે, સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રુટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે. તેમણે ગુજરાત ડેલીગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.

સિંગાપોર મોનેટરી ઓથોરીટી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી સાથે પણ બેઠક યોજી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસ અને ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ હોવાનો મત આ બેઠક દરમ્યાન વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સોપનેન્દુ મોહંતીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

સિંગાપોર બિઝનેસ ફેડરેશન(એસ.બી.એફ.)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર બિઝનેસ ફેડરેશન(એસ.બી.એફ.)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બેઠક યોજી હતી. એસ.બી.એફ.ના સી.ઈ.ઓ. કોક પિંગ સુન, વાઈસ ચેરમેન(સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપ) પ્રસુન મુખર્જી, બ્લેકસ્ટોન સિંગાપોરના ગૌતમ બેનરજી વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતાં. ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં એસ.બી.એફ.ની સક્રિય સહભાગીતાને આવકારી હતી. બેઠક દરમિયાન થયેલી ચર્ચામાં એસ.બી.એફ.ના પ્રતિનિધિઓએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં ભાગ લેવાની તેમની ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને તે વિશે ચર્ચા-પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રીએ એસ.બી.એફ. પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.

આ પણ વાંચો—-SURAT : સચિન GIDCમાં અગ્નિકાંડનો કેસ, GPCB એ ક્લોઝર નોટિસ,50 લાખ દંડ

Whatsapp share
facebook twitter