- સુખી ડેમમાં પાણીની આવક થતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
- ત્રણ દરવાજા ખોલવામાં આવતા 9176 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
- છોટાઉદેપુર જિલ્લામાં સિઝનનો કુલ 94 ટકા જેટલો વરસાદ વરસ્યો
Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં વિરામ બાદ મધરાત્રિથી મુશળધાર વરસાદનું આગમન થતાં અત્ર તત્ર અને સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. સુખી ડેમમાં પાણીની આવક થતા ફરી એકવાર ડેમના ત્રણ દરવાજા ખોલી 9176 ક્યુસેક પાણી છોડવાની તંત્ર એ કવાયત હાથ ધરી છે. રાજ્યમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે.
સુખી ડેમના ત્રણ દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યાં
હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી દરમિયાન જિલ્લામાં રવિવારના 12 વાગ્યાથી મુશળધાર વરસાદના વિરામ બાદ આગમન થતા જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમના ત્રણ દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ગેટ નંબર 5 દ્વારા 0.15 મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું હતું. પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ગેટ નંબર 4 તેમજ 5 અને 6 પણ ખોલવામાં આવ્યા હતા અને 9176 ક્યુસેક પાણી છોડવા 0.90 મીટર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં મેઘરાજાએ શરૂ કરી બેટિંગ, સરેરાશ 22 એમએમ વરસાદ પડ્યો
સર્વત્ર પાણીના દ્રશ્ય પુનઃ નિર્માણ થતા જોવા મળ્યાં
છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રિથી શરૂ થયેલા વરસાદના કારણે અત્ર તત્ર અને સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્ય પુનઃ નિર્માણ થતા જોવા મળી આવ્યા હતા. નોંધનીય છે કે, સવારે 8 થી 10 માં પાવીજેતપુર નસવાડી અને બોડેલીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સવારે 6 થી સાંજના 6 સુધી વરસાદની વાત કરીએ તો, પાવીજેતપુર તાલુકામાં 45 એમએમ, છોટાઉદેપુર તાલુકામાં 17 એમએમ, કવાંટ તાલુકામાં 2 એમએમ, નસવાડી તાલુકામાં 31 એમએમ, સંખેડા તાલુકામાં 12 એમએમ અને બોડેલી તાલુકામાં 30 એમએમ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: Heavy Rains Update: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ થયો
જિલ્લામાં સિઝનનો કુલ 94 ટકા જેટલો વરસાદ વરસ્યો
નોંધનીય છે કે, હાલ સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં સિઝનનો કુલ 94 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વિતેલા દિવસોમાં વરસાદના કારણે જિલ્લામાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જે બાદ ફરી વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્રની સાથે લોકોની સતર્કતા પણ જરૂરી બની છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: VADODARA : નર્મદા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડાશે, તંત્ર સાબદુ