+

સંબંધ તોડી નાખવા સિવાય કોઈ રસ્તો હોય શકે?

ક્યારેય કોઈપણ સંબંધ બંધાય એ તૂટવા માટે નથી બંધાયો હોતો. સમજણ સાથેનું બંધન એટલે જ આગળ વધ્યું હોય છે કે એમાં બે પાત્રોની સહમતિ હોય છે. એ સંબંધ મિત્રતાનો હોય કે પછી સગાઈ, લગ્નનો હોય એ તૂટવા માટે કે છૂટવા માટે નથી બંધાતો. દરેક સંબંધની એક ઉંમર હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય એમ એ બંધન પાકટ અને પાક્કું થતું જતું હોય છે. એના માટે સંબંધનો પાયો કેવો છે એ સૌથી વધુ મહત્ત્વનું છે. સંબંધ બંધાય એ પછી à
ક્યારેય કોઈપણ સંબંધ બંધાય એ તૂટવા માટે નથી બંધાયો હોતો. સમજણ સાથેનું બંધન એટલે જ આગળ વધ્યું હોય છે કે એમાં બે પાત્રોની સહમતિ હોય છે. એ સંબંધ મિત્રતાનો હોય કે પછી સગાઈ, લગ્નનો હોય એ તૂટવા માટે કે છૂટવા માટે નથી બંધાતો. દરેક સંબંધની એક ઉંમર હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય એમ એ બંધન પાકટ અને પાક્કું થતું જતું હોય છે. એના માટે સંબંધનો પાયો કેવો છે એ સૌથી વધુ મહત્ત્વનું છે. સંબંધ બંધાય એ પછી તમારી જિંદગીની પ્રાયોરિટીઝ પણ બદલાતી જતી હોય છે. આપણે સહુ સંબંધો બંધાય અને આગળ વધે એમ એને જીવતા હોઈએ છીએ.  
આજે વાત કરવી છે એક એવી યુવતીની જેણે એની જિંદગીનો બહુ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એ ડિસીઝન સાચું છે કે ખોટું એ આવનારો સમય જ કહેશે. પણ એણે જે કર્યું એ યોગ્ય છે કે નહીં એ સવાલ આ યુવતી સાથે જે યુવકે સંબંધ બાંધ્યો હતો એણે કર્યો છે.  
એ યુવકનું નામ અમિત. એક વર્ષ પહેલા રાજકોટમાં એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરતા અમિતની સગાઈ પરિવારજનોની મંજૂરીથી જૂનાગઢમાં રહેતી યુવતી સાથે થઈ. સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં આ બંને પરિવારોમાં અનેક દુર્ઘટનાઓ બની. એ યુવતીનું નામ માલતી. પ્રાઈવેટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરતી માલતી અને અમિત જાણે મેઈડ ફોર ઈચ અધર જોડી લાગે. સગાઈના છ મહિનામાં માલતીના પિતા હાર્ટ એટેકથી ગૂજરી ગયા. પિતાની અવસાનમાંથી ઉગરે એ પહેલાં એના બે મોટાભાઈઓ એક રોડ અકસ્માતમાં ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા. માલતી અને એની મમ્મી સાવ પડી ભાંગ્યા. અમિત અને એનો પરિવાર આ સંજોગોમાં એમની પડખે એક મજબૂત સહારો બનીને રહ્યા. માલતીના મમ્મી બે દીકરા અને પતિની વિદાય બાદ સાવ પડી ભાંગ્યા. એમને ડિપ્રેશન આવી ગયું. એમને સાઈકિયાટ્રીસ્ટ પાસે લઈ જવા પડ્યા. આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારે તો માલતીના મમ્મીને શોક ટ્રીટમેન્ટ પણ આપવી પડી. આ તમામ સમયે અમિત અને એના પરિવારજનોએ એમનાથી થતું હોય એ બધું જ કર્યું. માલતી અને એના મમ્મીને જરાપણ એવું ન લાગે કે એ લોકો એકલા પડી ગયા છે એ રીતે અમિતનો આખો પરિવાર અડીખમ રહ્યો.  
સગાઈને એક વર્ષ ઉપર થયું એટલે અમિતના પરિવારજનોએ લગ્નની વાત છેડી. નિર્ણય લેનારામાં મુખ્ય તો માલતી અને એના મમ્મી જ હતા. માલતીને અમિત સાથે કોઈ જ પ્રોબ્લેમ ન હતો. મમ્મીને મૂકીને સાસરે કેવી રીતે જઈ શકાય એવો વિચાર એને પજવતો હતો. અમિત અને એના પરિવારજનોએ રસ્તો સૂચવ્યો કે, માલતીના મમ્મી રાજકોટ શિફ્ટ થઈ જાય. દીકરીના સાસરીની નજીકમાં જ ઘર લઈને રહે. અમિતના પરિવારજનોએ તો ત્યાં સુધી કહ્યું કે, એમને સાથે રહેવું હોય તો પણ કોઈ ઈશ્યુ નથી.  
પોતાનું વતન, ગામ અને એ શહેરની કમ્ફર્ટ છોડીને જવામાં માલતીના મમ્મીનું મન નહોતું માનતું. પતિ અને સંતાનો સાથેની યાદો શહેર સાથે જોડાયેલી છે એટલે એમને મૂળસોતાં ઉખડી જવાનો ભય લાગતો હતો. મમ્મીને મૂકીને સાસરે પોતાની જિંદગી શરુ કરવામાં માલતીનું મન નહોતું માનતું. નિર્ણયનો દિવસ આવ્યો ત્યારે માલતીએ કહ્યું કે, હવે મારી જિંદગી મમ્મીને સમર્પિત કરી દીધી છે. એને છોડીને હું ક્યાંય નહીં જઈ શકું.  
બ્રાઈટ કરિયર ધરાવતા અમિત માટે રાજકોટથી નાના શહેરમાં શિફ્ટ થવું અઘરું છે એ વાત માલતીને ખબર હતી. આ હકીકત સામે આવી પછી તો એક જ રસ્તો હતો કે, સગાઈ ફોક કરી નાખવી. સંબંધ તોડી નાખવો. જ્યાં લગ્નની તારીખ નક્કી કરવાના દિવસોની રાહ હતી ત્યાં સગાઈ તોડી નાખવાનું નક્કી થયું.  
બે વ્યક્તિઓને એકબીજા સાથે કોઈ પ્રોબ્લેમ ન હતો. સંજોગો એવા સર્જાયા કે બંનેના પરિવારો પાસે દીકરીની સલાહ માનવા સિવાય કોઈ રસ્તો ન દેખાયો. સરવાળે સંબંધ ફોક થયો. અમિત એક જ સવાલ કરે છે, મારો ક્યાં વાંક હતો?  
અમિતની વાત સાચી કે, એનો કોઈ વાંક ન હતો. બધી જ રીતે એણે માલતીના પરિવારને સપોર્ટ કરેલો. માલતીએ મનમાં નક્કી કરી નાખ્યું હોય કે, મમ્મીથી વધુ કંઈ નહીં તો પછી કોઈ વ્યક્તિ એની સાથે જબરદસ્તી ન કરી શકે. સંજોગો એવા છે કે, આખી જિંદગી હોમમેકર બનીને જીવેલી મમ્મીના જીવનમાં અચાનક ખાલીપો આવી ગયો. જીવતી જાગતી દીકરી કરતા જે લોકો ચાલી ગયા છે એમના આઘાતમાંથી એ બહાર નથી આવી શકતા. આપણને એ વિચાર પણ આવ્યા વિના ન રહે કે, એક મા થઈને એ દીકરીનું કેમ વિચારી નથી શકતાં? કદાચ એ એવી પરિસ્થિતિમાં જ નથી કે એ એવું કંઈ વિચારી શકે.  
દુઃખનું ઓસડ દહાડા એવું કહીએ છીએ. પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને ફ્રીઝ કરી દે તો એને કોઈ દવા ત્યાંથી હલાવી  ન શકે. પરિવારજનની વિદાય સૌથી વસમી વેદના છે તેમ છતાંય એ વેદનાનો છેડો આપણે જ શોધવો પડે. જો એનો અંત ન લઈ આવી શકીએ તો પછી જાણે અજાણે આપણે આપણું અને આપણી સાથે જોડાયેલા અનકન્ડિશનલ લવના સંબંધોને પણ જોખમમાં મૂકતાં હોઈએ છીએ.  
jyotiu@gmail.com
Whatsapp share
facebook twitter