+

Mahudi Mandir ના બંને ટ્રસ્ટી જામીન પર મુક્ત, ચોરાયેલું લાખોનું વરખ ક્યાં ગયું ?

અહેવાલઃ બંકિમ પટેલ, અમદાવાદ     દેશ-વિદેશમાં ખ્યાતનામ મહુડી મંદિર (Mahudi Mandir) ના ટ્રસ્ટીઓની હરકતના કારણે બદનામ થઈ રહ્યું છે. વર્ષે દહાડે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ કરોડો રૂપિયાની સોનાનો વરખ, રોકડ અને…

અહેવાલઃ બંકિમ પટેલ, અમદાવાદ  

 

દેશ-વિદેશમાં ખ્યાતનામ મહુડી મંદિર (Mahudi Mandir) ના ટ્રસ્ટીઓની હરકતના કારણે બદનામ થઈ રહ્યું છે. વર્ષે દહાડે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ કરોડો રૂપિયાની સોનાનો વરખ, રોકડ અને દાગીના સહિતની કિંમતી ભેટ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ (Shree Ghantakarna Mahavir Dev Temple) ને અપર્ણ કરે છે. સુખડીના પ્રસાદથી અતિ વિખ્યાત બનેલા મહુડીધામના ટ્રસ્ટીઓ સોનાના વરખ, હાર અને રોકડની ચોરી કરે છે. માણસા પોલીસે (Mansa Police)  આ મામલે પંદરેક દિવસ પહેલાં FIR નોંધી બે ટ્રસ્ટીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ગાંધીનગર એલસીબીએ બે આરોપી પૈકી એકના ઘરેથી ચોરી કરાયેલો 10 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો હાર કબજે કર્યો હોવાનો દાવો કર્યો હતો. એક ચર્ચા અનુસાર મહુડી મંદિરના ટ્રસ્ટ (Mahudi Mandir Trust) માં ચાલી રહેલી લડાઈ ફરિયાદ માટે કારણભૂત છે. ટ્રસ્ટી મહેતા બંધુઓ પર થયેલી ફરિયાદ, રિમાન્ડ અને રિકવરી હાલ મહુડી મંદિર સાથે જોડાયેલા સભ્યો, શ્રી સંઘ અને ભક્તોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

શું હતી સમગ્ર ફરિયાદ?મૂળ મુંબઈના રહીશ અને હાલ મહુડી મંદિર (Mahudi Mandir) ખાતે રહેતા ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરા (Bhupendra Vora Trustee) એ માણસા પોલીસ મથક ખાતે શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેત મૂર્તિપૂજક ટ્રસ્ટના લેટરપેડ પર આપેલી અરજીની તપાસ બાદ બે ટ્રસ્ટીઓ સામે FIR થઈ. ફરિયાદમાં જણાવાયું છે કે, મંદિરના ટ્રસ્ટમાં નિલેશ કાંતીલાલ મહેતા, સુનિલ બાબુલાલ મહેતા, જગદિશ કાંતીલાલ મહેતા, ગીરીશ પૂનમભાઈ મહેતા, વિનીત નટરવરલાલ વોરા અને ભૂપેન્દ્રભાઈ વોરા (ફરિયાદી) ટ્રસ્ટી છે. ડિસેમ્બર-2022માં દિવાળીના તહેવારો દરમિયાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનો સંપૂર્ણ વર્ષનો સોનાનો વરખનો ઉતારો એક ડોલમાં મુકવામાં આવ્યો હતો. ધનતેરસના દિવસે સોનાના વરખનો ઉતારો લીધા બાદ ટ્રસ્ટીઓની હાજરીમાં તે દિવસે સોનુ ગળાવવાનું શક્ય બન્યું ન હતું. આથી સોનાના વરખ ભરેલી ડોલ જાળીમાં મુકી તેને તાળું મારવામાં આવ્યું હતું. તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સોનાનો વરખ ગળાવવામાં આવતા અન્ય વર્ષની સરખામણીએ 700-800 ગ્રામ ઓછું એટલે કે, 60 ટકા ઘટ આવી હતી. આ મામલે શંકા જતા સ્ટાફને ધમકાવવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નિલેશભાઈ એકાઉન્ટન્ટની ખુરશીમાં બેઠા હતા અને એક બાજુ સોનાની વરખ-લગડી  અને બીજી બાજુ બે ખાલી થેલા મુકેલા હતા. જ્યારે ગાદી પર સુનિલ મહેતા બેઠા હતા. નિલેશ મહેતાએ આગ્રહ કરીને સ્ટાફને જમવા માટે મોકલી આપ્યો અને સ્ટાફ જમીને પરત આવ્યો ત્યારે બે થેલા ગાયબ  હતા. મહેતા બંધુ (Mehta Brothers) ઓ પર શંકા હોવાથી મંદિરના બંધ પડેલા CCTV કેમેરા અન્ય ટ્રસ્ટીએ ચૂપચાપ ચાલુ કરાવી દીધા હતા. માર્ચ મહિનામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ભંડારામાં આવેલી સોનાની ચેઈનની ચોરી અને બાથરૂમમાં જઈ કવરમાંથી રૂપિયા કાઢી લેવાની ઘટના કેદ થઈ  હતી. આ ઉપરાંત હાથમાં રહેલા રૂમાલની નીચે પૈસાનું બંડલ હોવાના શંકાસ્પદ ફૂટેજ પણ જોવા મળ્યા હતા.

 

10 લાખનો હાર મળ્યો, લાખોનું વરખ ક્યાં?લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલો ગાંધીનગર એલસીબી (Gandhinagar LCB) એ સંભાળી લીધો હતો. બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તપાસના તાર અમદાવાદના માણેકચોકના એક સોની સુધી પહોંચ્યા હતા. જો કે, લાખો રૂપિયાના સોનાના વરખમાં કોઈ રિકવરી થઈ શકી નથી. તપાસ દરમિયાન પોલીસે 10 લાખ રૂપિયાની મતાનો એક સોનાના હારની જાણકારી મળતા આરોપીઓના બે દિવસના રિમાન્ડ અદાલતમાંથી મેળવાયા અને તે પોલીસે કબજે પણ કર્યો. ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) નો દાવો છે કે, આરોપીએ 21 તોલાના વજનનો સોનાનો હાર મંદિરમાંથી ચોરી કર્યો હતો. ચોરી થયેલા સોનાના વરખનો કોઈ પતો નથી અને 10 લાખનો હાર મળી આવવાની ઘટનાએ મહુડી મંદિરમાં ભારે ચર્ચા જગાવી છે. નોંધનીય બાબત એ છે કે, પોલીસે કબજે લીધેલા 21 તોલા વજનનો સોનાનો હાર ક્યાંથી અને ક્યારે ચોરાયો હતો તેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી.

ટ્રસ્ટીઓ જામીન પર મુક્ત થતાં તર્ક વિતર્કમહુડી મંદિરના બે ટ્રસ્ટી અમદાવાદના વાસણા ખાતે ઉમાસુત ફલેટમાં રહેતા નિલેશ કાંતીલાલ મહેતા (Nilesh Mehta) અને અમદાવાદના પાલડી વિસ્તારમાં પિનલ પાર્ક સોસાયટી ખાતે રહેતા સુનિલ બાબુલાલ મહેતા (Sunil Mehta) સામે એક બાદ એક આરોપ લાગ્યા હતા. ઉચાપત કેસના આરોપ હેઠળ મહેતા બંધુ પંદરેક દિવસથી વધુ સમય પોલીસ કસ્ટડી (Police Custody) અને જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) માં ગાળ્યો છે. શુક્રવારે ગાંધીનગરની સ્થાનિક અદાલતે બંને ટ્રસ્ટીઓને જામીન પર મુક્ત કરતા ફરિયાદમાં લાગેલા આરોપ, સીસીટીવી ફૂટેજ અને ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતી લડાઈઓને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

Whatsapp share
facebook twitter