+

Bharuch : દેવામાં ડૂબેલી નગરપાલિકા સ્વચ્છતાના નામે ‘શૂન્ય’! યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કચરાંપેટીઓ ખુદ કચરો બની

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચમાં સફાઈ અભિયાન પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં ભરૂચમાં સફાઈના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે અને ભરૂચ નગરપાલિકાની કચરાપેટીઓ ખુદ કચરો બનીને એક ઢગલારૂપી…

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચમાં સફાઈ અભિયાન પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં ભરૂચમાં સફાઈના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે અને ભરૂચ નગરપાલિકાની કચરાપેટીઓ ખુદ કચરો બનીને એક ઢગલારૂપી જોવા મળી રહી છે. ઘણી કચરાં પેટીઓનું લોખંડ તસ્કરો ચોરી કરી કમાણી પણ કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે ભરૂચના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરાંનો નિકાલ બાદ કચરો સીધો કાંસ અને સળગાવી દેવામાં આવતા પર્યાવરણ સાથે નુકસાન અને કાંસ સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવાનું ષડયંત્ર ઊભું થઈ રહ્યું છે.

ભરૂચ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કચરાંના નિકાલ માટે જાહેર સ્થળોએ કચરાપેટી મૂકવામાં આવતી હતી. તેનો લોકો કચરો તેમ જ નિકાલ કરતા હતા. પરંતુ, છેલ્લા ઘણા સમયથી ઘણી નગરપાલિકાની કચરાંપેટીઓ ખુદ કચરો બની ગઈ છે, જેના કારણે જે સ્થળે કચરાપેટી મૂકવામાં નથી આવતી તે સ્થળે લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરે છે અને સફાઈકર્મીઓ પણ આ કચરો દૂર કરવાના બદલે આ જ કચરો નજીકની કાંસમાં ધકેલી ડીડીટી પાવડર છાંટી સફાઈ કરી રહ્યા છે. પરંતુ, જે કાંસમાં કચરો નાખવામાં આવ્યો છે તે કાંસમાં પાણીનો નિકાલ ન થતાં આખરે જાણ થઈ ગઈ છે, જેના કારણે કાંસ સફાઈ પાછળ હવે જેસીબી ઉતારવા પાછળ અને તેની સફાઈ પાછળ પણ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવનાર છે, જેને લઇ આખરે સરવાળે નગરપાલિકાની તિજોરીને જ નુકસાન થવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબેલી હોય તો તેને બહાર કેવી રીતે લાવી તેવા પ્રયાસો કરવાના બદલે ભરૂચ નગરપાલિકા વધુ દેવામાં કેવી રીતે ડૂબે છે? તેના ષડયંત્ર થતાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ભરૂચના કેટલાય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરાંપેટી મૂકવામાં ન આવતા જાહેરમાં જ કચરાંનો નિકાલ કરાય છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક જાહેરમાં જ કચરાંનો નિકાલ કરાયો છે અને છેલ્લા ઘણા સમયથી કચરાંનો નિકાલ જાહેરમાં કરવામાં આવતા રોડ પર જ કચરાંના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘણી વખત લોકો કચરો સળગાવી દે છે, જેના કારણે નજીકમાં રહેલા GEBના વાયરો અને ડીપીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને પણ દોડાવવાની ફરજ પડી રહી છે અને ભરૂચના ઘણા વિસ્તારોમાંથી કચરાંપેટી દૂર કરવામાં આવી છે. કારણ કે ભરૂચ નગરપાલિકાની જ તમામ વિસ્તારની કચરાંપેટીઓ ખુદ કચરો બની ગઈ છે અને દેવામાં ડૂબેલી નગરપાલિકા પાસે નવી કચરાપેટી ખરીદી કરવાની આવક ન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં નગરપાલિકાની જ વિવિધ વિસ્તારમાં મૂકવામાં આવતી કચરાપેટીઓ અને નગરપાલિકાના ઘણા વાહનો ખુદ કચરો બનીને સાબુગઢ નજીક નગરપાલિકાના ગેરેજ પાસે કચરો બનીને ઢગલામાં જોવા મળે છે. સંખ્યાબંધ કચરાપેટી અને વાહનો બિનઉપયોગી અને કચરાંરૂપી બની જતા જો આની હરાજી કરી ભંગારમાંથી આવતી રકમમાંથી નવી કચરાંપેટીઓ ખરીદી ન શકાય તેવા સવાલો ઊભા થયા છે. આ જ કચરાંપેટી અને બિનઉપયોગી વાહનોનાં કેટલા સ્પેરપાર્ટસ પણ કેટલાક તસ્કરો તેમાંથી ચોરી કરીને લઈ જઈ વેચી મારતા હોવાની ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે, છતાંય ભરૂચ નગરપાલિકા મૌન સેવી બેઠી છે.

ડોર ટુ ડોરના વાહનો ચાલે છે એટલે કચરાંપેટીઓ દૂર જ કરવાની છે: નગરપાલિકા પ્રમુખ 

ભરૂચ નગરપાલિકા કચરાપેટી જાહેર સ્થળે ન મુકતા આ બાબતે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, હવે કચરાંપેટીઓ દૂર જ કરવાની છે, કારણ કે ડોર ટુ ડોર વાહનો ચાલે જ છે. પરંતુ કચરાંપેટીઓ દૂર કરવામાં આવતા જાહેરમાં નિકાલ કરાતા કચરાંના જતા કાંસવા નાખવા સાથે સળગાવી દેવામાં આવતા હોવાની વાત કરતા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે, તે બાબતે અમે વિચારીએ છીએ અને હવે ડસ્ટબિન મૂકવામાં આવશે. ત્યારે મોટી કચરાંપેટીઓ દૂર કરવાથી જાહેરમાં કચરાંનો નિકાલ શું સમસ્યાનો હલ થઈ શકશે? ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખના વોર્ડની સ્થિતિ ગંભીર પ્રકારની જોવા મળી રહી છે.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખના વોર્ડમાં જ જાહેર સ્થળ પર ઠાલવેલો કચરો કાંસમાં..

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં નારાયણ હોસ્પિટલ આવેલું છે અને આ હોસ્પિટલમાં લોકો સાજા થવા આવે છે. પરંતુ, માંદા થઈને જતા હોવાનું માનવામાં આવે છે. કારણ કે હોસ્પિટલના ગેટ નજીક કચરાંપેટી દૂર કરવામાં આવતા લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરી કાંસમાં નાખે છે અને કાંસનું પાણી ભરાવો થઈ રહેવાના કારણે મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.

 

આ પણ વાંચો – Gondal માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી ગાબડું

Whatsapp share
facebook twitter