- ન્યૂયોર્કમાં બાંગ્લાદેશી દૂતાવાસમાં તોડફોડ
- અમેરિકામાં બાંગ્લાદેશી વિરોધ પ્રદર્શન
- બાંગ્લાદેશી હિંસાનો અમેરિકામાં પડઘો
Bangladesh Violence : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ હિંસાને પગલે શેખ હસીના (Sheikh Hasina) એ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને પોતાનું વતન છોડી ભારત આવી ગયા છે. આ ઘટનાી અસર અમેરિકા (America) માં પણ જોવા મળી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં રહેતા બાંગ્લાદેશીઓએ ન્યૂયોર્કમાં બાંગ્લાદેશના કોન્સ્યુલેટ પર હુમલો કર્યો છે. પ્રદર્શનકારીઓએ બિલ્ડિંગમાં પ્રવેશીને શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હુમલાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.
ન્યૂયોર્કમાં બાંગ્લાદેશી દૂતાવાસ પર હુમલો
ન્યૂયોર્કમાં બાંગ્લાદેશી દૂતાવાસ પર હુમલાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. પ્રદર્શનકારીઓએ બિલ્ડિંગમાં પ્રવેશીને શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે, હિંસાગ્રસ્ત દેશથી દૂર અમેરિકામાં બાંગ્લાદેશ કોન્સ્યુલેટ પર શા માટે હુમલો કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાના વિડિયોમાં પ્રદર્શનકારીઓ દેખાય છે, જેમાંથી કેટલાક બાંગ્લાદેશના ધ્વજના રંગોની કેપ પહેરી રહ્યા છે અને હંગામો મચાવી રહ્યા છે. કેટલાક લોકો કોન્સ્યુલેટ ઓફિસમાંથી ઘણી વસ્તુઓ હટાવતા પણ જોઈ શકાય છે. દૂતાવાસમાં હાજર અધિકારીઓ આ પ્રદર્શનકારીઓ સામે લાચાર જોવા મળી રહ્યા છે. કોઈ હાથ જોડી રહ્યું છે તો કોઈ તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બાંગ્લાદેશમાં હિંસા
બાંગ્લાદેશમાં હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓએ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી નાખી હતી, સંસદ ભવનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને હિંદુ મંદિરોને નિશાન બનાવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ભારતનું વલણ
ભારતે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી છે અને લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે શેખ હસીનાએ રાજીનામા બાદ ભારત આવવાની પરવાનગી માંગી હતી.
શું છે સમગ્ર મામલો?
બાંગ્લાદેશની હાઈકોર્ટે સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે નોકરીઓમાં 30% ક્વોટા ફરીથી સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ ક્વોટા સિસ્ટમથી યુવાનોને નોકરી મળવામાં મુશ્કેલી પડે છે. યુવાનોનું કહેવું હતું કે, બાંગ્લાદેશમાં લાખો યુવાનો બેરોજગાર છે. આ ક્વોટા સિસ્ટમથી તેમને નોકરી મળવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે દરેકને સમાન તક મળવી જોઈએ અને ક્વોટા સિસ્ટમ આ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ વચ્ચે કેટલાક વિશ્લેષકોનું માનવું હતું કે આ વિરોધ પ્રદર્શનો રાજકીય કારણોસર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે શેખ હસીના કે જે બાંગ્લાદેશના વડાપ્રધાન હતા તેમણે વિદ્યાર્થીઓની માંગને નકારી કાઢી હતી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ‘રઝાકાર’ ગણાવ્યા હતા. તેમની આ ટિપ્પણીથી વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા. નોંધનીય છે કે ‘રઝાકાર’ તે લોકોને કહેવામાં આવે છે જેમણે 1971ની સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પાકિસ્તાની સેનાને સહયોગ આપ્યો હતો. તેમની ટિપ્પણીઓએ વધુ વિરોધ ઉશ્કેર્યો, જેના કારણે ઢાકા યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો.
આ પણ વાંચો: Bangladesh Violence : બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે દુનિયાના દેશોમાં તણાવ વધ્યો, જાણો કોણે શું કહ્યું?