Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BANASKANTHA : લોકસભા ચૂંટણીમાં ગેનીબેન કે રેખાબેન કોનું પલડું ભારે?, જાણો કયા સમીકરણ અસર કરશે?

11:27 AM Mar 13, 2024 | VIJAYKUMAR DESAI

BANASKANTHA: લોકસભા ચૂંટણીમાં બનાાસકાંઠાની જનતા કોના માથે ઢોળશે જીતનો કળશ? આ ચૂંટણીમાં કયા પરિબળ ભાજપ અને કોંગ્રેસ માટે છે પડકારજનક. ઉપરાંત બનાસકાંઠાના પ્રથમ મહિલા સાંસદ અંગેની રસપ્રદ માહિતી

બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠક પર આ વખતે રસપ્રદ અને રોચક જંગ જામશે. અહીં નારી શક્તિને ફરીથી વંદન કરશે જનતા. બનાસકાંઠા બેઠક પર બીજા મહિલા સાંસદને ચૂંટશે મતદારો. ભાજપ બાદ કોંગ્રેસે પણ બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠક પર મહિલા ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી વર્તમાનમાં વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (GENIBEN THAKOR) ને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાંથી ડૉ. રેખાબેન ચૌધરી (REKHABEN CHAUDHARY) ને ઉમેદવાર બનાવાયા છે. પરંતુ આપણે જાણીશું બનાસકાંઠા લોકસભા બેઠકના પ્રથમ મહિલા સાંસદ અંગે. દેશમાં આઝાદી બાદ ત્રીજી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાંથી નારી શક્તિએ પ્રતિનિધિત્વ કર્યુ હતું. બનાસકાંઠા (BANASKANTHA) ના પ્રથમ મહિલા સાંસદ હતા જોહરાબેન ચાવડા. તેઓ 1992માં બનાસકાંઠાથી લોકસભાના સાંસદ ચૂંટાયા હતા.

ડૉ.રેખાબેન ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર

બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠક પર રોચક મુકાબલો ચૂંટણી જંગમાં જોવા મળશે. અહીંથી મુખ્ય રાજકીય પાર્ટીઓમાંથી બે મહિલા ઉમેદવાર મેદાને છે. એક તરફ ભાજપમાંથી ડૉ.રેખાબેન ચૌધરી (REKHABEN CHAUDHARY) છે તો કોંગ્રેસમાંથી ફાયરબ્રાન્ડ ગણાતા ગેનીબેન ઠાકોર (GENIBEN THAKOR) ને ટિકિટ અપાઈ છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા (BANASKANTHA) ની વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ગેનીબેન ઠાકોર 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. વાવ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા.

કોંગ્રેસે હવે ગેનીબેન ઠાકોર (GENIBEN THAKOR) ને ભાજપના શિક્ષિત ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરી સામે ઉતાર્યા છે. ડૉ.રેખાબેન (REKHABEN CHAUDHARY) આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે. તેમના પરિવારનો સમાજ પર પ્રભાવ છે. જ્યારે ગેનીબેન ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે. તેઓ રાજકીય અને સામાજિક પ્રભાવ ધરાવે છે.

કોણ છે ડૉ.રેખાબેન ચૌધરી?
  • ડૉ.રેખાબેન ચૌધરી બનાસકાંઠાથી ઉમેદવાર
  • છેલ્લા 20 વર્ષથી ઈજનેરી કોલેજમાં અધ્યાપક
  • બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈના પૌત્રી
  • ડૉ.રેખાબેનનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો
  • રેખાબેનના પતિ હિતેશ ચૌધરી જિલ્લા મહામંત્રી
  • બહેનોના કલ્યાણ માટે ડૉ.રેખાબેન સતત પ્રયત્નશીલ
  • M.sc, M.Phil અને મેથેમેટિક્સમાં Ph.D કરેલી છે
કોણ છે ગેનીબેન ઠાકોર?
  • કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે ગેનીબેન
  • બેબાક અંદાજ અને શાબ્દિક પ્રહારો માટે જાણીતા
  • વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે
  • 2012માં વિધાનસભાની ચૂંટણીમાં મળી હતી હાર
  • 2017 અને 2022માં ધારાસભ્ય પદે ચૂંટાયા
  • વાણી વિલાસ અને તઘલખી સમર્થન કરી ચૂક્યા છે
  • દારૂના દૂષણ સામે અભિયાન પણ ચલાવ્યું હતું

બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠકનું રાજકારણ જ્ઞાતિ-જાતિના આટાપાટામાં અટવાયેલું છે. અહીં પાર્ટી કરતાં ઉમેદવારની જ્ઞાતિ એક મહત્વનું પરિબળ ગણે છે મતદારો. હાલમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતક્ષેત્ર પૈકી 4 પર ભાજપ, 2 કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે. અહીંના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો. ચૌધરી, ઠાકોર મતદારોનો પ્રભાવ છે. ઉપરાંત આદિવાસી, પાટીદાર, દલિત, સવર્ણ મતદાર નિર્ણાયક ગણવામાં આવે છે.

મુખ્ય પાર્ટીના વોટશેરનું ગણિત

બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠક અને તેમા સમાવિષ્ટ વિધાનસભા બેઠકોના વોટશેરનું ગણિત ઘણું અટપટું છે. છેલ્લી 3 લોકસભા અને વિધાનસભા ચૂંટણીના આંકડા ઘણા રોચક છે. જેમાં કોંગ્રેસને છેલ્લી 3 લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થયું છે. તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને વધઘટ સાથે જનાધાર જાળવી રાખ્યો છે. જ્યારે ભાજપને લોકસભા અને વિધાનસભા બંનેમાં મતદારોના સમર્થનનો આંકડો સતત વધ્યો છે.

વર્ષ અને ચૂંટણી
ભાજપ 
કોંગ્રેસ
2022 વિધાનસભા 45.4 ટકા 36 ટકા
2017 વિધાનસભા 43.8 ટકા 45.9 ટકા
2012 વિધાનસભા 41.2 ટકા 42 ટકા
2019 લોકસભા 62.3 ટકા 28.5 ટકા
2014 લોકસભા 57.3 ટકા 34.3 ટકા
2009 લોકસભા 43.2 ટકા 44.8 ટકા
બનાસકાંઠા લોકસભા બેઠક

સરહદી જિલ્લા બનાસકાંઠા (BANASKANTHA) માં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસ 10 અને ભાજપે 6 વખત જીત મેળવી છે. 1 વખત જનતા દળ અને 2 વખત સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા. કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક પર ભાજપના હરિભાઈ ચૌધરીએ 4 વખત જીત મેળવીને કાંગરા ખેરવી દીધા હતા. 2019માં પરબતભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટાયા હતા.

કોણ હતા જોહરાબેન ચાવડા?

જોહરાબેન ચાવડા (JOHRABEN CHAVDA) એ ગાંધી બાપૂના સાંનિધ્યમાં 7 વર્ષ કામ કર્યુ હતું. તેમનું સંપૂર્ણ જીવન વંચિત સમાજની સેવા માટે સમર્પિત રહ્યું હતું. તેઓ ત્રીજી લોકસભા 1962માં બનાસકાંઠા (BANASKANTHA) બેઠકથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. જોહરાબેન ગાંધીવાદી મૂલ્યોમાં આસ્થા રાખતા હતા અને સાંસદ તરીકે પણ તેમનું જીવન અત્યંત સાદગીભર્યુ હતું.

JOHRABEN CHAVDA

સમાજસેવા માટે નર્સિંગનો અભ્યાસ

જોહરાબેન અકબરભાઈ ચાવડા (JOHRABEN CHAVDA) નો જન્મ 2 સપ્ટેમ્બર 1923માં સાબરકાંઠા (SABARKANTHA) જિલ્લાના પ્રાંતિજમાં થયો હતો. તેમના પિતા જમિયતખાન પઠાણ શહેરના સન્માનિત વ્યક્તિ હતા. પ્રાથમિક શિક્ષણ પ્રાંતિજમાં મેળવ્યું હતું. સેવાભાવના કારણે જ જોહરાબેને (JOHRABEN CHAVDA) વર્ધા જઈને નર્સિંગનો કોર્ષ કર્યો હતો.

ગાંધીવાદી અકબરભાઈ સાથે લગ્ન

નર્સિંગનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં કામ કરવા લાગ્યા. અહીં તેમણે ગાંધીવાદી અકબરભાઈ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે અકબરભાઈ બ્રિટિશ પોલીસમાં હતા. તેમની ડ્યૂટી ગૂજરાત વિદ્યાપીઠમાં જાસૂસી માટે લગાવાતી હતી. પરંતુ આ દરમિયાન તેમણે ગાંધીજીથી પ્રભાવિત થઈને પોલીસની નોકરી છોડીને ગાંધીવાદી કાર્યકર્તા બની ગયા. બાપૂની સલાહ બાદ જોહરાબેન (JOHRABEN CHAVDA) અને અકબરભાઈ (AKBARBHAI CHAVDA) બંનેએ લગ્ન કર્યા હતા.

બાપૂની સલાહ પર બદલાવ માટે કાર્ય

મહાત્મા ગાંધીની સલાહ બાદ બંનએ બનાસકાંઠા (BANASKANTHA) જિલ્લાના સનાલી ગામમાં વંચિત સમાજના જીવનમાં બદલાવનું બીડું ઉપાડ્યું. અહીં અત્યંત પછાત વિસ્તારમાં ભીલ જનસંખ્યા મોટી હતી. પતિ-પત્નીએ 1948માં સર્વોદય આશ્રમ શરૂ કર્યો અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યુ. બાદમાં જોહરાબેન કોંગ્રેસ પાર્ટીની ગતિવિધિઓમાં ભાગ લેવા લાગ્યા. બનાસકાંઠા (BANASKANTHA) જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા.

જનસેવાની સાથે દેશસેવા

સર્વોદય આશ્રમમાં સેવાકાર્ય કરતી વખતે તેમના પતિ અકબરભાઈ ચાવડા (AKBARBHAI CHAVDA) એ 1952 અને 1957માં બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા. 1962માં જોહરાબેન (JOHRABEN CHAVDA) ચૂંટણી લડ્યા હતા અને 54,956 મતની લીડથી જીત્યા હતા.

જોહરાબેન ચાવડાની સફર
  • 1923માં 2 સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજમાં જન્મ
  • 1946માં ગાંધીવાદી અકબર ચાવડા સાથે લગ્ન
  • 1948માં સનાલીમાં સર્વોદય આશ્રમની સ્થાપના
  • 1962માં બનાસકાંઠાથી લોકસભાના સાંસદ બન્યા
  • 1997માં જોહરાબેન ચાવડાનું નિધન થયું હતું
1962ની લોકસભા ચૂંટણીની આંકડાકીય માહિતી
  • કુલ મતદાર – 4,41,054
  • થયેલું મતદાન – 2,07,282
  • માન્ય મતદાન – 2,02,556
  • માર્જિનથી જીત – 54,956
ઉમેદવાર મત પાર્ટી
જોહરાબેન ચાવડા 1,15,931 કોંગ્રેસ
કન્હૈયાલાલ મહેતા 60,975 સ્વતંત્ર પાર્ટી
મોતીસિંહ ઠાકોર 13,364 જનસંઘ
મગનલાલ વ્યાસ 12,286 અખિલ ભારતીય હિન્દુ મહાસભા

આ પણ વાંચો : ELECTION COMMISSION : આજે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે મોટી જાહેરાત

આ પણ વાંચો : Congress ની બીજી યાદી જાહેર, આ બેઠકો પર બળિયા ટકરાશે

આ પણ વાંચો : Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ