Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ, કહ્યું આંદોલન યથાવત રહેશે

03:21 PM Jun 05, 2023 | Vishal Dave

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સતત વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જોકે, સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી જવાના સમાચારને નકારી કાઢ્યા છે. સાક્ષી મલિક કહે છે કે સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી પણ નિભાવી રહી છું.

વાસ્તવમાં, એવા અહેવાલો હતા કે સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી પીછેહઠ કરી છે. જો કે સાક્ષી મલિકે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈએ પીછેહઠ કરી નથી અને પીછેહઠ કરશે નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કડિયાએ પણ આંદોલનમાંથી ખસી જવાના સમાચારને નકારી કાઢ્યા હતા.

વાસ્તવમાં, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. જોકે, રમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.