અહેવાલઃ કૌશીક છાયાં, કચ્છ
ચોમાસાની સિઝન હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે કચ્છના જુદા જુદા સ્થળોએ સાગર ખેડૂતો સફર કરવા સજ્જ બન્યા છે જો કે હજુ વાતાવરણ યોગ્ય ન હોવાથી હજુ ચાર દિવસ પછી દરિયામાં માછીમારી શકય બનશે. ક્ચ્છ જિલ્લાના મહત્વના જખૌ બંદર સહિત જુદા જુદા સ્થળોએ માછીમારી માટે 1600 બોટ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પાસે નોંધાયેલી છે.ત્યારે જખૌની વાત કરીએ તો 500 બોટ મધ દરિયે માછીમારી કરવા જાય છે.1 જૂનથી 31 જુલાઈ સુધી સિઝન બંધ હતી,જેને લઈને બંદરો સુમસામ ભાસતાં હતા.આમ તો 1 ઔગસ્ટથી માછીમારી સિઝનની શરૂઆત થઈ જતી હોય છે પણ હાલમાં વાતાવરણ અનુકૂળ ન હોવાથી 4 ઔગસ્ટ પછી માછીમારી માટે છુટછાટ મળશે તેવું ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જણાવી રહ્યું છે
કચ્છના બંદરો પર પોરબંદર,જાફરાબાદ,વલસાડ,જામનગર,દ્વારકા,ઓખાથી બોટ માછીમારી માટે આવે છે ઓનલાઈન ટોકન માછીમારી માટે આપવામાં આવે છે. જે 4 ઓગસ્ટ પછી ખુલવાની શકયતા છે.હાલમાં જખૌ બંદર પર બોટ માલિકો બોટ રીપેરીંગ, આઈસ બોક્સની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરી છે.1600 બોટની સામે 16000 લોકોને માછીમારી ક્ષેત્રે રોજગારી મળે છે.બે મહિનાથી સુમસામ ભાસતું બંદર ફરી લોકોની ચહલપહલથી ધમધમતું થઈ ગયું છે
કચ્છનું સૌથી મોટું મત્સ્ય બંદર જખૌ દેશના મોટાભાગના રાજ્યોને માછલી પૂરી પાડે છે તેમજ અન્ય દેશોમાં પણ માછલીઓની ખપત પૂરી પાડવામાં આ બંદરનો સિંહ ફાળો રહ્યો છે. દેશને વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં પણ મહત્વનો ભાગ છે.
જખૌ બંદર પરથી દેશના અન્ય રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કોલકાતા, દિલ્હી, આસામ સહિતના અન્ય રાજ્યોમાં પણ ફ્રેશ અને ડ્રાય ફિશની ખપતની પૂર્તતામાં પણ જખૌ બંદર મહત્વનો ભાગ ભજવે છે. માછીમાર વેપારીઓ તેમજ બોટ માલિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ માછલીના નિકાસનો મળતો ભાવ હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તે હિસાબે ભાવ નથી મળતો. ડીઝલ બરફ અને રાશનના ભાવ વધી ગયા હોવાથી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોને રોજીરોટી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જખૌ બંદર પાપલેટ, ડારા, ચાયા, વેખલા તેમજ પ્રૌન્સ અને વિવિધ પ્રકારની મોટી અને કિંમતી માછલીઓનું ઘર મનાય છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આવી માછલીઓના ઉત્પાદનમાં દર વર્ષે નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે.