+

પ્રદૂષણ નિયંત્રણ અર્થે કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની ઈકો ફ્રેન્ડલી ટેકનોલોજી વિશે માહિતગાર કરતું પ્રદર્શન યોજાયું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શાપર ખાતે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી સુચારુ રૂપે થઈ શકે તે માટે પ્રવાસન, વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને…

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શાપર ખાતે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી સુચારુ રૂપે થઈ શકે તે માટે પ્રવાસન, વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ઉદ્યોગ જગતના પ્રશ્નોના નિવારણ માટે ઓપન હાઉસ, પ્રદર્શન તથા સંતુલિત વિકાસ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

“વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિના કલ્યાણ હેતુ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી”

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિના કલ્યાણ હેતુ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. ઉદ્યોગ જગતના દરેક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે એક મંચ ઉપર ચર્ચા અને સંવાદ થાય તે હેતુ “ઓપન હાઉસ” કાર્યક્રમ યોજાયો  છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઉમદા કામગીરી અંગે મંત્રીએ રાજીપો વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, GPCB બોર્ડ દ્વારા ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય, તેની કાળજી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આજે આપણે સૌ સાક્ષી છીએ કે, વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ સમિટના બીજ રોપવામાં આવ્યા હતા જે આજે વટવૃક્ષ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં સફળતાપૂર્વક ૧૦મી વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ કરવામાં આવી છે.

“ઔદ્યોગીકરણની આડ અસરના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થયો”

પર્યાવરણના જતન સાથે ટકાઉ વિકાસ અંગેની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ઔદ્યોગીકરણની આડ અસરના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા હવા પ્રદૂષણ નિયંત્રણ માટે NCAP (National Clear Air Project) લોન્ચ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૮૩.૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી આશરે રૂ. ૬૩.૯૫ કરોડ જેટલી રકમનો ઉપયોગ રાજકોટ શહેરમાં પાર્કીંગ, ગાર્ડનીંગ, રોડ – રીપેરીંગ, ખુલ્લી ફૂટપાથને પેવાર બ્લોકથી કવર કરવા તથા વૃક્ષારોપણ માટે કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજકોટ શહેરના AQI (Air Quality Index) માં વર્ષ ૨૦૨૦-૨૧ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૫.૩૦% નો ઘટાડો જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૦ વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. રાજકોટ ઓટો પાર્ટસ ઉદ્યોગનું હબ બન્યું છે. મોરબીના સીરામીક ઉદ્યોગે વિશ્વ કક્ષાએ નામના મેળવેલ છે, સુરેન્દ્રનગરમાં સ્ટોન ક્રશર ઉદ્યોગ, પોરબંદરમાં માઈનીંગ ઉદ્યોગ, જેતપુરમાં સાડી ઉદ્યોગ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સરકાર ઉદ્યોગો જગતને પ્રોત્સાહન આપી રહી છે, સ્થાનિક લોકો માટે રોજગારીની તકોના સર્જનની સાથોસાથ કુદરતી સંપદાઓના જતન માટે પણ સરકાર પ્રતિબધ્ધ છે. સહુના સહિયારા પ્રયાસથી સકારાત્મક પરિવર્તન સાથે સૌના સાથ, સૌના વિકાસના સુત્રને સફળ કરવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉદ્યોગકારોને સરકારશ્રીના નીતિ – નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને વ્યવસાય કરવા જણાવ્યું હતું તેમજ ઉદ્યોગકારો માટે રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા કહ્યું હતું.

સૌરાષ્ટ્રના વિવિધ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું

આ તકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર.બી.બારડે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, મને કહેતા ગર્વ થાય છે કે, આ સમગ્ર કાર્યક્રમના મુળમાં મંત્રી મુળુભાઈ બેરાની ઉદ્યોગ જગતના ટકાઉ વિકાસ અને પર્યવારણની જાળવણી માટેની કટિબદ્ધતા છે. આ ઓપન હાઉસ કાર્યક્રમ સૌરાષ્ટ્ર વિસ્તારના અને ઉદ્યોગ જગતના પ્રશ્નોનું નિવારણ તેમજ  પર્યાવરણ સાથે તાલમેલ મિલાવીને ટકાઉ વિકાસ સાધવા માટે ખૂબ મહત્વનો સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અવસરે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના વિવિધ એસોસિયેશનના પ્રમુખશ્રીઓ અને ઉદ્યોગકારોએ આ સુંદર આયોજન બદલ કેબિનેટ મંત્રીનો આભાર માન્યો હતો. તેમજ ઉદ્યોગકારોએ તેમને મુંઝવતા પ્રશ્નો મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા. તદુપરાંત સૌરાષ્ટ્રના વિવિધ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખાનગી કંપનીઓ દ્વારા ઓદ્યોગિક પ્રવૃતિથી પર્યાવરણને ગંભીર અસર ન થાય તેમજ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે કાર્યરત ઈકો ફ્રેન્ડલી વિવિધ ટેકનોલોજી વિશે માહિતગાર કરતા પ્રદર્શન સ્ટોલની  મુલાકાત લીધી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીશ્રીના હસ્તે ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ સભ્ય સચિવ ડી.એમ.ઠાકર સહિત વિવિધ એસોસિયેશનના પ્રમુખઓ અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો — Chhotu Vasava: છોટુ વસાવાએ RSS, BJP અને Congress પર ધારદાર કટાક્ષ કર્યા, દીકરાને લઈ કહ્યું આ….

Whatsapp share
facebook twitter