+

VADODARA : તારા પતિને દવા આપી દે, પછી આપણે….

VADODARA : વડોદરા ગ્રામ્યના (VADODARA RURAL) શિનોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફળિયામાં રહેતા શખ્સે મહિલાને તેના પતિને દવા આપી દેવાની અને ત્યાર બાદ તેની સાથે લગ્ન કરવા માટેની વાત…

VADODARA : વડોદરા ગ્રામ્યના (VADODARA RURAL) શિનોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફળિયામાં રહેતા શખ્સે મહિલાને તેના પતિને દવા આપી દેવાની અને ત્યાર બાદ તેની સાથે લગ્ન કરવા માટેની વાત કહી હતી. મહિલાએ ચોખ્ખી ના પાડી દેતા તેના પર ધારીયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા ગંભીર ઇજાગ્રસ્ત થતા હાલ તે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને હુમલાખોર સામે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઉંમરે આવું ના શોભે

વડોદરા જિલ્લાના શિનોર પોલીસ મથકમાં મહેન્દ્રભાઇ ભદીયભાઇ વસાવા (રહે. શિનોર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ છુટ્ટક મજૂરી કરે છે. તેમની પત્ની અને પુત્ર ઘરની સામે આવેલા મકાનમાં રહે છે. આજથી 15 દિવસ પહેલા સાંજે પત્નીએ તેમને વાત કરી કે, આપણ ફળિયામાં રહેતા ઠાકોરભાઇ વિઠ્ઠલભાઇ વસાવાએ મને મળીને કહ્યું કે, તારા પતિ બિમાર રહે છે. તેનાથી કંઇ કામ થતું નથી. તું તેને છુટાછેડા આપી દે. અને મારી સાથે લગ્ન કરી દે. હું મહેન્દ્રને છુટ્ટાછેડા આપવાના એક લાખ રૂપિયા આપીશ. જેથી પત્નીએ કહ્યું કે, આ ઉંમરે આવું ના શોભે, અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

તારી પત્ની લોહીલુહાણ

ગતરોજ સાંજે સાત વાગ્યે તેમની પત્ની બાંધેલુ ઘરકામ કરવા માટે નિકળ્યા હતા. તેવામાં ફળિયામાં રહેતા ફુલજીભાઇ વસાવાએ તેમના ઘરે આવીને કહ્યું કે, રસ્તામાં તારી પત્ની લોહીલુહાણ હાલતમાં છે. તેને લોહી નિકળે છેે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને પહોંચ્યા હતા. તેને ભાન આવતા તેમણે પુછતા કહ્યું કે, ઠાકોરભાઇ વિઠ્ઠલભાઇ વસાવા ધારીયુ લઇને મળ્યો હતો. તેણે મને ધારિયુ માર્યું. દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવતા તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

બીજો ઘા ગરદન પર

જ્યાં સારવાર દરમિયાન તેમના પત્નીએ કહ્યું કે, ઠાકોર મને રસ્તામાં મળ્યો હતો. તેણે કહ્યું કે, તું તારા પતિને દવા આપી દે. અને આપણે લગ્ન કરી લઇશું. જેથી મેં ના પાડતા તેણે હાથમાં રાખેલું ધારી મારી દીધું હતું. બીજો ઘા ગરદન પર કરવા જતા હાથ વચ્ચે લાવતા ઘા આંગળી પર વાગ્યો હતો. જે બાદ તેઓ બેભાન થયા હતા.

વધુ તપાસ હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે ઠાકોરભાઇ વિઠ્ઠલભાઇ વસાવા (રહે. નવાગામ ફળિયુ, અવાલખ, શિનોર) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : બર્નિંગ ટ્રેન વાળી થતા રહી ગઇ, એક શખ્સ આગમાં ભડથું

Whatsapp share
facebook twitter