VADODARA : વડોદરા પેરેન્ટ્સ એસોશિયેસન (VPA) દ્વારા શાળાઓ માટે ફી રેગ્યુલેટીંગ કમિટી (FRC) દ્વારા સૂચિત ફી વસુલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વડોદરા એફઆરસી કમિટીમાં ત્રણ સભ્યોની નિમણુંક બાકી છે. અને હાલ લોકસભા 2024 ની ચૂંટણીને લઇને ફી રેગ્યુલેશન કમિટીમાં કોઇ નવી નિમણુંક થઇ શકે તેમ નથી. તેવામાં નિયમાનુસાર એફઆરસી દ્વારા સૂચિત કરવામાં આવેલ આખરી માળખાને માન્ય રાખીને શાળાઓ દ્વારા ફી વસુવામાં આવે તેવી માગ વીપીએ દ્વારા કરવામાં આવી છે.
સરકારે સભ્યોની નિમણુંક સમયસર કરી નથી
વડોદરામાં શાળા સંચાલકો દ્વારા મનમાની ફી વસુલા સામે વડોદરા પેરેન્ટ્સ એસોશિયેસન લડત ચલાવી રહ્યું છે. ગત માસમાં વડોદરા પેરેન્ટ્સ એસોશિયેસનના પ્રતિનીધી મંડળે રાજ્યના શિક્ષણ મંત્રીની મુલાકાત લીધી હતી. અને વડોદરા ઝોનમાં એફઆરસી કમિટીમાં ખાલી પડેલી ત્રણ સભ્યોની જગ્યાની પૂર્તતા માટે રજૂઆત કરી હતી. જેને લઇને ભવિષ્યમાં વાલીઓને પડનારી મુશ્કેલીઓ અંગે મંત્રીને સચેત કરવામાં આવ્યા હતા. જો કે, સરકારે આ સભ્યોની નિમણુંક સમયસર કરી નથી. અને હવે હાલ લોકસભા 2024 ની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી નવી કોઇ નિમણુંક થઇ શકે તેમ નથી. આ સ્થિતીમાં શાળા સંચાલકો મનસ્વી ફી ન વસુલે તે માટે વીપીએ પ્રયત્નો કરી રહ્યું છે.
મનસ્વી ફી વસુલવામાં આવતી હોવાની અનેક ફરિયાદો
વીપીએ સુત્રો જણાવે છે કે, વર્ષ 2019 માં આવેલા કોર્ટના વચગાળાના ચુકાદા અનુસાર એફઆરસી સમિતિ દ્વારા છેલ્લી જે ફી જાહેર કરવામાં આવી હોય તેને માન્ય રાખીને શાળાઓએ ફી ઉઘરાવવાની હોય છે. આ સામે વડોદરાની શાળાના સંચાલકો દ્વારા એફઆરસી સમક્ષ ફાઇલ પેન્ડીંગ છે તેમ જણાવીને મનસ્વી ફી વસુલવામાં આવતી હોવાની અનેક ફરિયાદો વીપીએને મળી છે. આ અંગે વીપીએ દ્વારા કોર્પોરેટર, ધારાસભ્ય અને એફઆરસીના પૂર્વ સદસ્ય કેયુર રોકડિયાને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર તરફે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું
જો આ દિશામાં સમયસર કાર્યવાહી કરવામાં નહિ આવી તો વાલીઓ લૂંટાતા રહેશે તેવું વીપીએ સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારનો છુટ્ટોદોર ભૂતકાળમાં સંચાલકોને મળ્યો છે. આ વાતનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે વીપીએની ટીમ સજાગ છે. અને તમામ સ્તરે રજૂઆત કરી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ મામલે સરકાર તરફે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. હવે મોટાભાગની શાળાઓમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જે બાદ શાળામાં વાર્ષિક પરીક્ષા યોજાશે. અને ત્યાર બાદ વેકેશન પડશે. કેટલીક શાળાઓમાં વેકેશન દરમિયાન જ આગામી સત્રને લઇને એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો —VADODARA : બાળ ભિક્ષુકોને નવા જીવન તરફ વાળવા પોલીસનો નવતર પ્રયોગ