+

VADODARA : MSU માં સ્થાનિકોને એડમિશન નહી મળતા માનવ સાંકળ રચી વિરોધ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) ની કોમર્સ ફેકલ્ટીમાં મેરીટ ઉંચુ જતા હજારો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા. પ્રબળ માન્યતા અનુસાર, સ્થાનિક વિદ્યાર્થીઓએ બહાર…

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) ની કોમર્સ ફેકલ્ટીમાં મેરીટ ઉંચુ જતા હજારો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા. પ્રબળ માન્યતા અનુસાર, સ્થાનિક વિદ્યાર્થીઓએ બહાર ભણવા ન જવું પડે તે માટે મહારાજા સયાજીરાવ દ્વારા આ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. પરંતુ હાલના સત્તાધીશો તેનાથી વિપરીત વર્તી રહ્યા હોવાના આરોપ મુકવામાં આવી રહ્યા હતા. દરમિયાન આ મામલે ગતરોજ યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા એકત્ર થઇને તગડી લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજે સવારે યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર માનવ સાંકળ રચીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં આ વિરોધ તેજ થાય તો નવાઇ નહી.

રણનિતી પર ચર્ચા કરવામાં આવી

વડોદરાવાસીઓ માટે ની ભેંટ સમાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન માટે મેરીટ ઉંચુ જતા હજારો વિદ્યાર્થીઓ અટવાઇ પડ્યા છે. તેમની વેદના સત્તાધીશો સુધી લઇ જવા, અને કોઇ નક્કર પરિણામ આવે તેવા ઉદ્દેશ્યથી યુનિ.ના હાલના અને પૂર્વ વિદ્યાર્થીઓ ગતરોજ એકત્ર થયા હતા. અને આગામી રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આજે સવારે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગના ગેટ બહાર વિદ્યાર્થી નેતાઓ-વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી. અને પોસ્ટરો બતાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

તો યુનિવર્સિટીનો શું ફાયદો !

વિરોધ કરનાર કર્મશીલ સર્વે જણાવે છે કે, વડોદરાના જે વિદ્યાર્થીઓના 50 ટકાથી વધુ આવ્યા છે, તેમને એડમિશન આપવું જોઇએ. તેઓ ક્યાં જશે, આજે દરેક વિદ્યાર્થી બહુ દુખી છે. કારણકે તેમને વડોદરામાં એડમિશન નથી મળ્યું. ગમે તે થાય વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળવું જ જોઇએ. વડોદરાવાસીઓને એડમિશન ન મળે તો યુનિવર્સિટીનો શું ફાયદો ! સારા ટકા મેળવ્યા બાદ પણ ખાનગી યુનિ.માં ઉંચી ફી સાથે ભણવાનો વારો આવ્યો છે. અમારે એમ.એસ.યુનિ.માં જ એડમિશન જોઇએ. વિદ્યાર્થીની જણાવે છે કે, આટલા ટકા બાદ પણ એડમિશન ન મળે તો શું કામનું ! પહેલા કહ્યું હતું કે, સ્થાનિકોને 90 ટકા બેઠકો મળશે. ખાનગી યુનિ.ની ફી પોષાય તેમ નથી. અમને એડમિશન મળશે, તેવો વિશ્વાસ છે.

બેઠકો ઓછી કરી

એજીએસયુ જૂથના વિદ્યાર્થી નેતા જણાવે છે કે, આજે એમ. એસ. યુનિ.ની કોમર્સ મેઇન ફેકલ્ટી બહાર વિદ્યાર્થીઓ, સ્થાનિક વિદ્યાર્થીઓ જોડાયા છે. દર વર્ષે 95 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. પરંતુ સત્તાધીશોની તાનાશાહીના કારણે 69 ટકા બેઠકો જ સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ યુનિ. પર પ્રથમ હક સ્થાનિક વિદ્યાર્થીઓનો છે. આ લોકો ગુજરાત સરકારનું નામ આગળ કરીને બેઠકો ઓછી કરી રહ્યા છે. સરકારને વિનંતી સત્તાધીશોની મનમાની ન ચલાવી લે. વિદ્યાર્થીઓ નારાજ થશે, તો સરકારે ભોગવવું પડશે. યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિકો માટેની બેઠકો ઘટાડી દેવામાં આવી છે. જે નહી ચલાવી લેવાય.

આ પણ વાંચો — VADODARA : પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા આક્રોશ, ત્રણ દિવસનું અલ્ટીમેટમ

Whatsapp share
facebook twitter