+

VADODARA : મતદાનના દિવસે સંભવિત હિટવેવ સામે 738 મેડિકલ ટીમ તૈનાત રહેશે

VADODARA : ગ્રિષ્મ ઋતુ તેના આકરા મિજાજનો પરિચય કરાવી રહી છે અને બીજી ચૂંટણીનો માહોલ પણ અંતિમ તબક્કામાં છે. ત્યારે, લૂની સ્થિતિને ધ્યાને રાખીને આગામી તા. ૭ના રોજ મતદારોને તકલીફ…

VADODARA : ગ્રિષ્મ ઋતુ તેના આકરા મિજાજનો પરિચય કરાવી રહી છે અને બીજી ચૂંટણીનો માહોલ પણ અંતિમ તબક્કામાં છે. ત્યારે, લૂની સ્થિતિને ધ્યાને રાખીને આગામી તા. ૭ના રોજ મતદારોને તકલીફ ના પડે તે માટે વડોદરા જિલ્લા વહીવટી (VADODARA DISTRUCT ADMINISTRATION) તંત્ર દ્વારા હિટવેવ પ્લાન (HEATWAVE PLAN) તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ એટલે કે ૨૫૫૨ મતદાન મથકો ઉપર આરોગ્યકર્મીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે એ દિવસે સ્વાસ્થ્ય સુવિધાઓ સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ મતદારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બાળકો સાથેની માતાઓને મતદાનમાં અગ્રતા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું કે, તમામ મતદાન મથકે પૂરતા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત મથકની બાજુમાં આવેલા ખાલી રૂમને જરૂરિયાત મુજબના વેઇટિંગ રૂમ બનાવવામાં આવશે. આવા પ્રતિક્ષા કક્ષામાં બેંચિસ પણ રાખવામાં આવશે. મતદાન મથકો ઉપર પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કતારની પાસે પણ બેંચિસ કે ખૂરશી રાખવામાં આવશે. વળી, વયસ્કો અને દિવ્યાંગો, બાળકો સાથેની માતાઓને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે.

સમગ્ર પ્રક્રીયામાં દોઢેક મિનિટ લાગે

ખાસ કરી સેક્ટર અધિકારી અને પ્રિસાઇડિંગ અધિકારીને ક્યુ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં એક મતદારને મતદાન કરવા સહિતની સમગ્ર પ્રક્રીયામાં દોઢેક મિનિટનો સમય લાગે છે. ત્યારે પ્રક્રિયા સતત ચાલતી રહે અને સમયસર થાય એવું આયોજન છે. જેથી મતદારોનો ત્વરિત વારો આવી જાય.

૨૦ હજાર ઓઆરએસના પેકેટ રખાશે

તેમણે કહ્યું કે, એક સ્થળે બે કરતા વધુ મતદાન મથકો હોય ત્યાં એક હેલ્થ સુપરવાઇઝરને ફરજ સોંપવામાં આવશે. વડોદરા જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભા મત વિસ્તાર પર નજર નાખીએ તો કુલ ૧૨૭૫ મતદાન મથકો પૈકી એક જ સ્થળે ત્રણ મથકો હોય એવા ૪૨ અને ચાર મથકો હોય એવા ૯ મથકો છે. અહીં એક હેલ્થ સુપરવાઇઝરની નિયુક્તિ કરવામાં આવશે. બાકીના તમામમાં એક આરોગ્યકર્મી ફરજ બજાવશે. ૨૦ હજાર જેટલા ઓઆરએસના પેકેટ રાખવામાં આવશે. મથકોમાં લૂ લાગવાના લક્ષણો અને તેની પ્રાથમિક સારવારની પત્રિકા આરોગ્ય વિભાગ દ્વારા લગાવવામાં આવી છે.

મતદારોની સેવામાં ઉપલબ્ધ

જિલ્લામાં ૧૧ સીએચસી, ૪૨ પીએસસી, ૬૫ એમ્બ્યુલન્સ, ૮૦ હેલ્થ સુપરવાઇઝર, એક હજાર આરોગ્ય કાર્યકર ફરજ બજાવશે. દવાખાના ઉપર સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વડોદરા શહેરમાં ૩૪૪ અને ગ્રામ્યમાં ૩૯૪ એમ કુલ મળી ૭૩૮ મેડિકલ ટીમ મતદાનના દિવસે મતદારોની સેવામાં ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો — VADODARA : પાલિકાના કર્મીઓ દ્વારા વેપારીઓને પાવતી પકડાવતા રોષ

Whatsapp share
facebook twitter