+

VADODARA : શહેર-જિલ્લામાં 10 બૂથનું સંચાલન દિવ્યાંગો કરશે, વાંચો વિગતવાર

VADODARA : વડોદરા (VADODARA) લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચુંટણી અને વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ અન્વયે વડોદરા શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં મહત્તમ…

VADODARA : વડોદરા (VADODARA) લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચુંટણી અને વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ અન્વયે વડોદરા શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સમૂહો જોડાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં શહેર તથા જિલ્લાના કુલ ૨૪,૮૯૭ દિવ્યાંગો મતદાન કરે તે માટે સુવિધાયુકત વાતાવરણ પૂરું પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્રે સજ્જ બન્યું છે.

૧૪,૧૧૮ પુરુષ, ૧૦,૭૭૮ મહિલા મતદાર નોંધાયા

ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો મતદાન કરે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. બીજી તરફ વડોદરા શહેર જિલ્લામાં કુલ ૨૪,૮૯૭ થી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છ. જેમાં ૧૪,૧૧૮ પુરુષ, ૧૦,૭૭૮ મહિલા અને ૧ ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. વડોદરામાં આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો મતદાન કરે અને તેનું મહત્વ સમજે તે ખુબજ જરૂરી છે.

વાઘોડિયામાં એક ટ્રાન્સજેન્ડર મતદાર

વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મત વિભાગમાં ૨૫૬૦, વાઘોડિયામાં ૩૩૫૧, ડભોઇમાં ૨૭૪૪, વડોદરામાં ૩૨૨૮, સયાજીગંજમાં ૧૮૬૬, અકોટામાં ૧૬૮૩, રાવપુરામાં ૨૭૬૩, માંજલપુરમાં ૨૭૪૪, પાદરામાં ૧૭૮૮ અને કરજણમાં ૨૧૭૦ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેમાં વાઘોડિયામાં એક ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે.

શહેર જિલ્લાની વિધાનસભા દીઠ એક સહિત ૧૦ મથક

આ ચૂંટણી દરમ્યાન ખાસ મતદાન મથકો પૈકી શહેર જિલ્લાની વિધાનસભા દીઠ એક સહિત કુલ ૧૦ દિવ્યાંગ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મીઓને સોંપવામાં આવ્યું છે. કુદરતના અભિશાપને આશીર્વાદમાં પલટીને સરકારની વિવિધ સેવામાં જોડાયેલા અને સમાજનું અભિભાજ્ય અંગ એવા દિવ્યાંગજનોની સુષુપ્ત શક્તિઓનો લોકોને પરિચય મળે એવા ઉમદા આશયથી વડોદરા શહેર અને જિલ્લાના ૧૦ મતદાન મથકોનું તમામ સંચાલન સરકારમાં ફરજ પરના દિવ્યાંગ કર્મયોગી કરનાર છે.

પ્રજ્ઞાચક્ષુઓ માટે વોઇસ આસિસ્ટન્ટની સુવિધા

દિવ્યાંગજનો ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અગવડ વગર ભાગ લઈ શકે તેવા ઉદ્દેશ્યથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોને કસ્ટમાઇઝ સુવિધાઓ પ્રદાન કરતું સક્ષમ (Saksham – ECI)એપ્લિકેશન એક મૂલ્યવાન સાધન બની રહ્યું છે. સક્ષમ થકી મતદાતા મતદાન નોંધણી કરવા, મતદાન મથક શોધવા અને મતદાન અધિકારીઓને સંપર્ક કરી શકે જેવી સંખ્યાબંધ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આટલું જ નહિ દિવ્યાંગ મતદારોને પ્રજ્ઞાચક્ષુઓ માટે વોઇસ આસિસ્ટન્ટ, સંભાળવાની ક્ષતિ ધરાવતા લોકો માટે ટેક્સટ-ટુ-સ્પીચ અને મતદાનનાં દિવસે વ્હીલચેર માટે પણ વિનંતી કરવાની સુવિધાઓ પણ આ એપમાં આપવામાં આવી છે.

બ્રેઈલ બેલેટ પેપરની સુવિધા પણ સુનિશ્ચિત

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો કોઈ પણ પ્રકારની અગવડ વગર મતદાન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. રાજ્યના તમામ દિવ્યાંગ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા, અશક્ત ઉમેદવારોને મતદાન મથક સુધી લઈ લઈ જવા માટે અવસર ડેડીકેટેડ મોબાઇલ વાન, દિવ્યાંગ મતદારો માટે પ્રવેશમાં અગ્રીમતા, ડેઝીગનેટેડ પાર્કિંગ સુવિધા તથા દૃષ્ટિહિન મતદારો માટે બ્રેઈલ બેલેટ પેપરની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને તડામાર તૈયારી

લોકશાહીનું આ પર્વ સર્વસમાવેશી, ન્યાયિક અને પારદર્શી રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને તડામાર તૈયારી કરી રહ્યું છે. આ ચૂંટણીમાં દિવ્યાંગ સમુદાય પણ મતદાન કરીને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો —VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ અધિકારીઓ માટે “પાઠશાળા” શરૂ

Whatsapp share
facebook twitter