+

VADODARA : બેલેટ અને કંટ્રોલ યુનિટને સાથે રાખતી બેગ કર્મીએ માટે મોટી રાહત

VADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ પોલિંગ સ્ટાફ માટે સંવેદનાસભર નવતર પ્રયોગ કર્યો છે. પોલિંગ સ્ટાફના કર્મચારીઓને બેલેટ યુનિટ અને કંટ્રોલ…

VADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ પોલિંગ સ્ટાફ માટે સંવેદનાસભર નવતર પ્રયોગ કર્યો છે. પોલિંગ સ્ટાફના કર્મચારીઓને બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી લઈ જવામાં સરળતા રહે તે માટે ખાસ પ્રકારની બેગ તૈયાર કરીને આપવામાં આવી છે.

વજન આશરે ૮ કિલોગ્રામ હોય

વાઘોડીયા વિધાનસભા મતવિભાગના રવાનગી કેન્દ્ર ખાતે આજે ચૂંટણી નિરીક્ષક જી. જગદીશા અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં પોલિંગ સ્ટાફના કર્મયોગીઓને આ વિશેષ બેગ આપવામાં આવી હતી. આ બેગમાં એક બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ સાથે ચૂંટણીલક્ષી સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય છે. એક બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનો સંયુક્ત વજન આશરે ૮ કિલોગ્રામ હોય છે. જ્યારે બેગની ભાર વહન કરવાની ક્ષમતા ૧૬ કિલોગ્રામની છે.

સંવેદનશીલતાનો પરિચય થયો

વાઘોડીયા ખાતે લોકસભા સામાન્ય ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી હોવાથી અહીંના પોલિંગ સ્ટાફને વધારે મુશ્કેલી પડે તેમ હતી. પરંતુ, જિલ્લા ચૂંટણી તંત્રના માનવીય અને સંવેદનાસભર અભિગમના કારણે પોલિંગ સ્ટાફને ભાર વહન કરવામાં મુશ્કેલી ન પડે તેમજ વધુ સરળતા રહે તે માટે વિશેષ બેગ તૈયાર કરીને આપવામાં આવતા પોલિંગ સ્ટાફને પણ ચૂંટણી તંત્રની સંવેદનશીલતાનો પરિચય થયો છે.

સામગ્રી એક જ બેગમાં સચવાઈ જાય

મહિલા સંચાલિત બુથના પ્રિસાઈડીંગ ઓફિસર ઝંખના પટેલે આવી વિશેષ બેગ મેળવીને સંતોષપૂર્વક જણાવ્યું હતું કે, પહેલા બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી અલગ-અલગ ઉંચકીને લઈ જવી પડતી હતી. જેના કારણે સુરક્ષા અંગે વધુ સતર્ક રહેવું પડતું હતું. પરંતુ, આ ખાસ પ્રકારની બેગના કારણે બધી જ ચૂંટણી સામગ્રી એક જ બેગમાં સચવાઈ જાય છે અને આરામથી તેનું વહન પણ કરી શકાય છે.

સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય

નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કદાચ પ્રથમવાર ચૂંટણી ફરજ પરના કર્મયોગીઓ માટે આવી વિશેષ બેગ તૈયાર કરવામાં આવી છે. વાઘોડીયા વિધાનસભા મતવિભાગના રવાનગી કેન્દ્ર ખાતેથી સોમવારે કુલ આવી ૭૦૦ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. આ બેગમાં એક બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ સાથે ચૂંટણીલક્ષી સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય છે.

૫૬૦ મહિલા કર્મચારીઓનો સમાવેશ

મહત્વનું છે કે, વાઘોડીયા વિધાનસભા મતવિભાગમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કુલ ૧૨૩૨ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. જેમાં ૨૮૦ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૦ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૦ પોલિંગ ઓફિસર અને ૫૬૦ મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો — VADODARA : શહેર કોંગ્રેસ પ્રમુખની માફીની વાત પર ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન અડગ

Whatsapp share
facebook twitter