+

Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

રાજ્યમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે વોટિંગ પહેલા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. આજે…

રાજ્યમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે વોટિંગ પહેલા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. આજે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ એવા દમણ દીવ લોકસભા બેઠક ખાતે પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવ્યા હતા અને સભાને સંબોધિ હતી. જો કે, તેમની આ સભા પર સૌ કોઈની નજર હતી. કારણ કે, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે રાજા મહારાજાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પછી સમગ્ર દેશમાં ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેટલાક ક્ષત્રિયોને હતું કે રાહુલ ગાંધી દમણમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર મંચ પરથી ક્ષત્રિયોની માફી માગશે પરંતુ, એવું ના થયું.

કોંગ્રેસના ઉમેદવારો માટે કર્યો પ્રચાર

સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દમણમાં ચૂંટણી સભા સંબોધી હતી. દમણ દરિયા કિનારે લાઈટ હાઉસ નજીક રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાયું હતું. દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ અને દાદરાનગર હવેલીના કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલા માટે રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો. સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની પણ લોકોને યાદ અપાવી હતી.

ક્ષત્રિયોની માફી ન માંગતા અનેક સવાલ

આ સભા દરમિયાન રાહુલ ગાંધીએ દમણમાં પ્રફુલ પટેલ રાજાશાહી જેવું વર્તન કરે છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની આ સભા પર સૌ કોઈની નજર હતી. કારણ કે, કર્ણાટકમાં રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ પર વિવાદાસ્પદ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. સાથે જ ક્ષત્રિયોમાં પણ રાહુલ ગાંધી સામે ભારે રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રાજા રજવાડાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર રાહુલ ગાંધી માફી માગે. રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે લોકસભાની ચૂંટણી દરમિયાન ઉદ્ભવી રહેલા આ વિરોધના વંટોળને ડામવા માટે રાહુલ ગાંધી પોતાની ભૂલ સ્વીકારીને ક્ષત્રિયોની માફી માગશે. પરંતુ, એવું ના થયું. ત્યારે હવે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું રાહુલ ગાંધી ક્ષત્રિયોની માફી માગવાના મૂડમાં નથી ? પરશોત્તમ રૂપાલાએ 5 વાર જાહેરમાં માફી માગી તો રાહુલ ગાંધી કેમ નહીં ? બફાટ બાદ પણ રાહુલ ગાંધી માફી માગવાના મૂડમાં નથી કે શું ? રાહુલ ગાંધી બીજા મુદ્દા પર બોલી રહ્યાં છે પણ માફીની વાત નથી! જો કે, આ મામલે ક્ષત્રિય સમાજ શું રણનીતિ અપનાવશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો – Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં આક્રોશ, વાંચો કોણે શું કહ્યું ?

આ પણ વાંચો – Padminiba : રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

આ પણ વાંચો – Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!

Whatsapp share
facebook twitter