Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ગર્ભવતી મહિલાને સારવાર ન મળતાં કેમ્પસમાં જ નવજાતનું મોત

03:42 AM Apr 26, 2023 | Vipul Pandya

અમદાવાદની એલ.જી હોસ્પિટલ ફરી વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રસુતિ વિભાગના સ્ટાફની બેદકારીને કારણે એક ગર્ભવતિ મહિલાના નવજાત શિશુનું મોત થયું છે. ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી.પરંતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા મહિલાને એક મહિનાની વાર છે તેમ કહીને પરત મોકલી દેવામાં આવી. મહિલા હોસ્પિટલના કેમ્પસમાં પહોંચતા જ તેને દુખાવો ઉપડ્યો અને ત્યાં જ ડિલિવરી થઈ ગઈ. જોકે ગણતરીના સમયમાં બાળકનું મોત થયું હતું. ઘટનાના પગલે હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ. હોસ્પિટલ તંત્રની બેદરકારીના લીધે આ ઘટના બની હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો.
હોસ્પિટલ તંત્રનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ
મૃત બાળકને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલ કેમ્પસમાં લોહીના ડાઘા  સાફ કરી પુરાવા નષ્ટ કરવાના પ્રયત્ન કર્યા હતા. સમગ્ર મામલે ઢાંકપિછાડો કરવા એલ.જી હોસ્પિટલ તંત્રના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટના મામલે એલ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પુછતા તેમણે હોસ્પિટલ સ્ટાફ સામે લાગેલા આરોપોને નકારી કાઢ્યા. અને કહ્યું કે, મહિલાને દાખલ થવાનું કહ્યું હતું, પરંતુ તેઓ હોસ્પિટલમાં દાખલ થવાની જગ્યાએ બહાર જતા રહ્યાં હતાં.

હોસ્પિટલમાં વિપક્ષનો હોબાળો

આ સમગ્ર ઘટનાએ રાજકીય રૂપ ધારણ કર્યુ હતું. અને વિપક્ષના નેતાઓ એલ.જી હોસ્પિટલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તથા RMOને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.  


ગુજરાત ફર્સ્ટના સવાલો 
નવજાત બાળકના મોતનું જવાબદાર કોણ ?
કેમ હોસ્પિટલ સ્ટાફે મહિલાને દાખલ ન કરી ?
પ્રસૂતાની તપાસ કેમ ન કરાઈ ?
બેદરકારી દાખવનાર સ્ટાફ સામે ક્યારે પગલા લેવાશે ? 
હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ કોને બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે?